કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. કન્નડ સિનેમાના જાણીતા 36 વર્ષીય એક્ટર સતીશ વજ્રની લોહીથી લથપથ લાશ ઘરમાંથી મળી હતી. સતીશ બેંગલુરુના RR નગરમાં રહેતો હતો. પોલીસે આ કેસમાં સુદર્શન તથા નાગેન્દ્રે શકમંદ ગણીને ધરપકડ કરી હતી.
સાત મહિના પહેલાં પત્નીએ આત્મહત્યા કરી હતી
સતીશની પત્નીએ સાત મહિના પહેલાં જ આત્મહત્યા કરી હતી. હવે સતીશની હત્યા થઈ છે. પોલીસને શંકા છે કે સતીશની હત્યા તેના સાળા સુદર્શને કરી છે. બહેનની આત્મહત્યાનો બદલો લેવા માટે ભાઈએ સતીશને મારી નાખ્યો હોવાનું પોલીસ માની રહી છે.
મકાન માલિકે ઘરની બહાર લોહી જોયું
સતીશ જે ઘરમાં રહેતો હતો તેના મકાન માલિકે ફ્લેટમાંથી લોહી બહાર આવતા જોયું હતું. તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘરમાં એન્ટર થઈ તો સતીશની લાશ બેડરૂમના ફ્લોર પર લોહીના ખાબોચિયામાં પડી હતી. પોલીસે ઘરની બહારના CCTV જોયા હતા. પોલીસે સતીશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
ઘરે પરત આવ્યો પછી હુમલો થયો
18 જૂન, શનિવારે સવારે બે અજાણ્યા લોકોએ સતીશને માથમાં લાકડી મારી હતી અને ત્યારબાદ ચાકુથી ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા.
પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા
સતીશે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. આ લગ્નથી સતીશ અને પત્નીનો પરિવાર સહેજ પણ ખુશ નહોતો. આ અંગે બંને પરિવારમાં ઝઘડા થતાં હતાં. સતીશની પત્નીએ સાત મહિના પહેલાં આત્મહત્યા કરી હતી. બહેનની આત્મહત્યાનો બદલો લેવા માટે સતીશના સાળા સુદર્શને હુમલો કર્યો અને હત્યા કરી નાખી હોવાનું પોલીસ માની રહી છે.
સલૂન ચલાવતો હતો
સતીશ કર્ણાટકના માંડ્યા જિલ્લાનો છે. તેણે 2017માં ફિલ્મ 'લાગોરી'થી લોકપ્રિયતા મેળવી હતી. તેણે કેટલીક કન્નડ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કર્યા છે. સતીશે કન્નડ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું. કામને કારણે તે પરિવાર સાથે 2020થી બેંગલુરુના RR નગર રહેવા આવી ગયો હતો. સતીશ પશ્ચિમ બેંગલુરુમાં સલૂન પણ ચલાવતો હતો.
સતીશના ત્રાસને કારણે પત્નીએ આત્મહત્યા કરી?
સતીશના સાસુ-સસરાનો આક્ષેપ હતો કે તેમની દીકરીએ પતિના ત્રાસને કારણે આત્મહત્યા કરી હતી. તે માનસિક તથા શારીરિક રીતે દીકરીને હેરાન કરતો હતો. આથી જ તેણે આત્મહત્યા કરી હતી. પત્નીના મોત બાદ બાળકને સાસરિયા સંભાળતા હતા. સતીશે પોતાના બાળકની કસ્ટડી લેવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.