તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BMC vs કંગના:'કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ ગેરકાયદે હતી': બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો, એક્ટ્રેસે કહ્યું- વિલનને કારણે હું હીરો બની

મુંબઈ8 મહિનો પહેલા
  • એક્ટ્રેસને જાણીજોઈને ટાર્ગેટ બનાવવામાં આવી; બોમ્બે હાઇકોર્ટનું અવલોકન

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં તોડફોડ કરી હતી અને એક્ટ્રેસે આને લઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે શુક્રવાર (27 નવેમ્બર)ના રોજ આ અરજી પર નિર્ણય આપવામાં આવ્યો હતો. એક્ટ્રેસે BMCની કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ એસ. જે. કૈથાવાલા તથા આર. આઈ. છાગલાની ખંડપીઠે આ કેસનો ચુકાદો આપતાં કહ્યું હતું, 'જે રીતે અહીં તોડફોડ કરવામાં આવી એ ગેરકાયદે હતી અને ફરિયાદીને કાયદાની મદદ ના મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.'

કોર્ટે ગેરકાયદે બાંધકામની BMCની નોટિસને પણ રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે અમે કોઈ પણ નાગરિક વિરુદ્ધ 'મસલ પાવર'નો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકીએ નહીં. આ સાથે જ કંગનાને જાહેરમાં નિવેદનો આપતી વખતે સંયમ રાખવાનું કહ્યું છે. કંગનાએ આ જીતને લોકશાહીની જીત ગણાવી હતી. કંગનાએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને આ વાત કહી હતી.

9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ 'મણિકર્ણિકા ફિલ્મ્સ'ના અનેક ભાગોને BMCએ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યા હતા.

અધિકારીની નિયુક્તિ
કંગનાએ BMC પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. હાઈકોર્ટે નુકસાનના અંદાજ માટે સર્વેયરની નિયુક્તિ કરી છે. માર્ચ, 2021 સુધી તે કોર્ટમાં રિપોર્ટ આપશે.

પહેલા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો
હાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝુમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કીમતી સંપત્તિ સામેલ હતી.

સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને કારણે એક્ટ્રેસ પર કાર્યવાહી થઈ
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કેસને જોતાં એવું લાગી રહ્યું છે કે તોડફોડની કાર્યવાહી એક્ટ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટ તથા નિવેદનોને કારણે એને ટાર્ગેટ બનાવવાના ઈરાદાથી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે નુકસાનના મૂલ્યાંકન માટે અધિકારીની નિયુક્તિ કરી છે.

કંગનાએ કહ્યું, આ લોકશાહીનો વિજય છે

બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. કંગનાએ કહ્યું હતું, 'જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે પડે અને જીતે તો એ વ્યક્તિની નહીં, પરંતુ લોકશાહીની જીત છે. મને હિંમત આપવા બદલ દરેકનો આભાર અને મારાં તૂટેલાં સપનાઓ પર હસનાર દરેક લોકોને થેંક્યુ. તમે વિલન તરીકે રમત રમ્યા અને તેથી જ હું હીરો બની શકી.'

વિલનનો આભાર, તેમના વગર હું હીરો ના બનત
કંગના હાલમાં હૈદરાબાદમાં ફિલ્મ 'થલાઈવી'નું શૂટિંગ કરી રહી છે. તેણે સેટ પરથી સોશિયલ મીડિયામાં એક થેંક્યૂ વીડિયો રિલીઝ કર્યો છે. વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'મને બહુ જ સારા સમાચાર મળ્યા છે કે મારા બંગલાના ડિમોલિશનનું વર્ડિક્ટ મારી ફેવરમાં આવ્યું છે. હું હાઈકોર્ટની આભારી છું. જેમ મેં પહેલાં કહ્યું હતું કે જ્યારે કોઈ એકલી વ્યક્તિ સરકાર વિરુદ્ધ ઊભો રહે છે અને તે જીતે છે તો તે લોકતંત્રની જીત હોય છે. મને સપોર્ટ કરનાર તમામ મિત્રોનો આભાર. આ સાથે જ જે લોકોએ મારી મજાક કરી, જેઓ વિલન બન્યા તેમનો પણ આભાર, કારણ કે હું તેમના વગર હીરો બની શકત નહીં.

સંજય દત્ત સાથે મુલાકાત કરી
કંગનાની જેમ સંજય દત્ત પણ હૈદરાબાદમાં છે. કંગનાએ સંજય દત્ત સાથેની એક તસવીર શૅર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'મને જ્યારે ખબર પડી કે હૈદરાબાદમાં અમે એક જ હોટલમાં રોકાયા છીએ તો હું સવારમાં સંજુ સરના હાલચાલ પૂછવા માટે ગઈ હતી. તેમને એકદમ સ્વસ્થ તથા હેન્ડસમ જોઈને મને નવાઈ લાગી. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે દીર્ઘાયુ બનો અને સ્વાસ્થ્ય સારું રહે.

મેયરની ચોખવટ
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લીગલ ટીમ સાથે મીટિંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે હજી સુધી કોર્ટનો ઓર્ડર તેમણે જોય નથી. BMCએ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ પ્રમાણે કામ ક્રયું હતું.

અન્ય સમાચારો પણ છે...