કંગનાએ PM મોદીને બર્થડે વિશ કર્યું:લાંબીલચક નોટ શેર કરીને કહ્યું, 'તમે તો રામ અને કૃષ્ણની જેમ અમર છો'

13 દિવસ પહેલા

હંમેશાં વિવાદોને લઈને ચર્ચામાં આવનારી કંગના રનૌતે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. આજે કંગનાએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. કંગનાએ એક ઈવેન્ટનો જૂનો ફોટો શેર કરીને જન્મદિવસની લાંબીલચક નોટ શેર કરી અને પીએમ મોદીને પૃથ્વી પરની સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાવ્યા હતા. આ સાથે જ કંગનાએ પીએમને ભગવાન રામ અને કૃષ્ણની જેમ અમર ગણાવ્યા છે.

કંગનાએ પીએમને અમર કહ્યા
કંગનાએ તસવીર શેર કરતાં લખ્યું હતું કે 'હેપ્પી બર્થ ડે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચા વેચવાથી લઈને આ પૃથ્વી પર સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની સફર અવિશ્વસનીય છે. અમે તમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ તમે રામ, કૃષ્ણ અને ગાંધીની જેમ અમર છો. આ દેશના ઈતિહાસનાં પાનાંમાં તમારું નામ કાયમ લખવામાં આવશે. તમને હંમેશાં બધા પ્રેમ કરશે. તમારા વારસાને કોઈ ભૂંસી શકશે નહીં, તેથી જ હું તમને અવતાર માનું છું. અમે તમને એક નેતા તરીકે મેળવીને ધન્યતા અનુભવીએ છીએ.'

કંગના 2018ની ઇવેન્ટમાં વડાપ્રધાનને મળી હતી
કંગનાએ 2018ની એક ઇવેન્ટમાંથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પ્રશુન જોશી સાથે નરેન્દ્ર મોદીને મળી હતી. ઈવેન્ટમાં પીએમનાં વખાણ કરતાં કંગનાએ કહ્યું, 'હું મોદીજીની તેમની સફળતાની કહાનીને કારણે તેમની મોટી પ્રશંસક છું. એક યુવાન મહિલા હોવાને કારણે મને લાગે છે કે અમારા માટે યોગ્ય રોલમોડલ હોવું ખૂબ જ જરૂરી છે.'

'ઇમર્જન્સી'માં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે
કંગના રનૌતે કહ્યું હતું કે આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે. આ ફિલ્મ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી. એ એક ભવ્ય પિરિયડ ફિલ્મ છે. આ ફિલ્મ મારી પેઢીને વર્તમાન ભારતના સામાજિક-રાજકીય પરિદૃશ્યને સમજવામાં મદદ કરશે. આ પહેલાં પણ કંગના રનૌત ફિલ્મ 'થલાઈવી'માં તામિલનાડુનાં દિવંગત સીએમ જયલલિતાનો રોલ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.