નૂપુર શર્માના બચાવમાં કંગના:કહ્યું, 'આ અફઘાનિસ્તાન નથી, તે પોતાની વાત કહેવા માટે સ્વતંત્ર છે'

મુંબઈ17 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાની ફિલ્મ કરતાં પોલિટિકલ નિવેદનને કારણે વધુ ચર્ચામાં રહે છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ પયંગર મોહમ્મદ અંગે ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભાજપે નૂપુરને સસ્પેન્ડ કરી દીધી છે. હવે કંગનાએ નૂપુરના સમર્થનમાં પોસ્ટ શૅર કરી હતી.

નૂપુર પોતાની વાત કહી શકે છે
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'નૂપુર પોતાના મનની વાત કહેવા માટે સ્વતંત્ર છે. તેને જે રીતની ધમકી આપવામાં આવી રહી છે તે મેં જોયું. જ્યારે રોજ હિંદુ ભગવાનોનું અપમાન કરવામાં આવે છે તો આપણે કોર્ટ જઈએ છીએ.'

આ અફઘાનિસ્તાન નથી
કંગનાએ વધુમાં કહ્યું હતું, 'આ અફઘાનિસ્તાન નથી. આપણે લોકો પૂરી વ્યવસ્થા સાથે ચાલતી સરકારનો હિસ્સો છીએ. આ સરકારને આપણે પસંદ કરી છે અને તેને લોકશાહી કહેવામાં આવે છે. આ માત્ર તે લોકોને યાદ અપાવવા માટે છે કે જે હંમેશાં આ વાતને ભૂલતા રહે છે.'

ભાજપે નૂપુરને સસ્પેન્ડ કરી
ઉલ્લેખનીય છે કે ભાજપની પ્રવક્તા નૂપુર શર્માએ પયંગર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપે નૂપુરને સસ્પેન્ડ કરી દીધી હતી. આ મુદ્દે ઘણો જ હંગામો થયો છે. ભારત સરકારે કહ્યું હતું કે આવા નિવેદન આપનાર લોકો 'ફ્રિંજ એલિમેન્ટ' એટલે કે દેશના ભાગલા કરાવનાર લોકો છે.

કંગના આ ફિલ્મમાં જોવા મળશે
કંગનાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધાકડ' બોક્સ ઓફિસ પર સુપરડુપર ફ્લોપ રહી હતી. કંગના હવે 'તેજસ'માં જોવા મળશે. આ ઉપરાંત કંગનાએ 'ઇમર્જન્સી'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.