આઝાદી અંગેનું નિવેદન ભારે પડ્યું:કંગના રનૌત વિરુદ્ધ રાજસ્થાનમાં FIR, મુંબઈમાં NSUIએ ઘરની બહાર દેખાવો કર્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કંગના વિરુદ્ધ મુંબઈમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

કંગના રનૌતના આઝાદી અંગેના નિવેદનનો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં ચાર શહેરમાં કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. જયપુર તથા જોધપુરમાં કેસ પણ દાખલ થઈ ગયો છે, જ્યારે ઉદયપુરના સુખેર પોલીસ સ્ટેશન તથા ચરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આમ કંગના પર એક પછી એક એમ બે FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) થઈ છે.

ચરુમાં મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષા રેહના રિયાઝે કહ્યું હતું કે ઈતિહાસ પ્રમાણે, 15 ઓગસ્ટ, 1947એ હજારો લોકોના બલિદાન બાદ ભારત આઝાદ થયું હતું. આખા દેશ ભારતની આઝાદી તથા શહીદોને સન્માનની નજરથી જુએ છે, પરંતુ કંગનાના નિવેદનને કારણે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું છે.

જયપુરમાં મહિલા કોંગ્રેસે પોલીસ ફરિયાદ કરી તે સમયની તસવીર
જયપુરમાં મહિલા કોંગ્રેસે પોલીસ ફરિયાદ કરી તે સમયની તસવીર

આ પહેલાં આમઆદમી પાર્ટીના નેશનલ એક્ઝિક્યૂટિવ મેમ્બર પ્રીતિ મેનને મુંબઈ પોલીસ ફરિયાદ કરી છે. પ્રીતિએ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ કલમ 504 (ઈરાદાપૂર્વક અપમાન કરવું), 505 (તોફાનો થાય તે રીતના નિવેદન આપવા) તથા 124A (રાજદ્રોહ) હેઠળ કેસ કરવાની માગણી કરી છે.

મુંબઈમાં કંગના વિરુદ્ધ દેખાવો
મુંબઈમાં કંગના વિરુદ્ધ દેખાવો

મુંબઈના ઘરની બહાર દેખાવો
મુંબઈમાં કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ NSUIએ કંગના રનૌતના ઘરની બહાર દેખાવો કર્યો છે. NSUIએ પદ્મશ્રી અવોર્ડ પરત લેવાની માગણી કરી છે. NSUIએ કહ્યું હતું કે કંગનાએ બહાદુર સ્વતંત્રતા સેનાની તથા શહીદોનું અપમાન કર્યું છે.

સેલેબ્સે પણ કંગનાનો વિરોધ કર્યો
ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ કંગનાનો વિરોધ કર્યો છે. સ્વરા ભાસ્કરે કંગનાની વીડિયો ક્લિપ શૅર કરીને કહ્યું હતું, 'આ કોણ મૂર્ખ લોકો તાળીઓ પાડી રહ્યા છે, મારે તેમના વિશે જાણવું છે.' ફિલ્મમેકર ઓનિરે કહ્યું હતું, 'શું હવેથી આપણે નવો સ્વતંત્રતા દિવસ મનાવીશું?'

ભાજપ સાંસદ વરુણે કંગનાના આ વાઇરલ વીડિયોને શૅર કરીને કહ્યું હતું, 'ક્યારેય મહાત્મા ગાંધીનાં બલિદાન અને તપસ્યાનું અપમાન, તેમના હત્યારા પ્રત્યે સન્માન અને હવે મંગલ પાંડેથી લઈ રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી તથા અન્ય લાખો સ્વાતંત્ર્યસૈનાનીઓનાં બલિદાનનો આ રીતે તિરસ્કાર. હું આ વિચારાધારને ગાંડપણ કહું કે પછી દેશદ્રોહ.'

ક્રિટિક તથા એક્ટર કમાલ રાશિદ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મૂર્ખ કંગના રણૌતે કહ્યું હતું કે ભારતને 1947માં આઝાદી મળી નહોતી! એ વખતની આઝાદી ભીખ હતી. ખરી રીતે ભારતને 2014માં આઝાદી મળી હતી. આજે ભગત સિંહ, ઉધમ સિંહ વગેરે તમામ સ્વાતંત્ર્યસૈનાની આ સાંભળીને સ્વર્ગમાં રડતા હશે.'

શું કહ્યું કંગનાએ?
નેશનલ મીડિયા નેટવર્કની એન્યુઅલ શિખર સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને યાદ કરીને કહ્યું હતું, આ લોકોને ખ્યાલ હતો કે લોહી વહશે, પરંતુ આ હિંદુસ્તાની લોહી હોવું જોઈએ નહીં, તેમને આ અંગે ખબર હતી. તેમને પુરસ્કાર આપવો જોઈએ. એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. આપણને 2014માં અસલી આઝાદી મળી છે.