મોદીના નિર્ણય પર બોલિવૂડ:કંગનાએ કહ્યું- 'રસ્તાના લોકો કાયદો બનાવશે તો આ રાષ્ટ્ર પણ જિહાદી', સોનુ સૂદ-તાપસી ખુશ થયા

મુંબઈ2 મહિનો પહેલા
  • વડાપ્રધાને દેવદિવાળીના દિવસે રાષ્ટ્રજોગ સંબંધોમાં કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી
  • કંગનાએ ગુસ્સામાં કહ્યું, દુઃખદ, શરમજનક, તદ્દન ખોટું...

છેલ્લાં ઘણાં સમયથી કેન્દ્ર સરકારના વિવાદિત કૃષિ કાયદા પર હંગામો હતો. ખેડૂતો છેલ્લાં 14 મહિનાથી આંદોલન કરતા હતા. હવે વડાપ્રધાન મોદીએ આ ત્રણેય ખેડૂત કાયદા પરત લેવાની જાહેરાત કરી છે. આ કાયદા પરત લેવાતા બોલિવૂડ સેલેબ્સે ખુશી વ્યક્ત કરી છે, પરંતુ કંગના નિરાશ થઈ છે.

કંગનાએ કહ્યું હતું, 'દુઃખદ, શરમજનક, તદ્દન ખોટું...જો સંસદમાં બેઠેલી સરકારને બદલે ગલીમાં બેઠેલા લોકો કાયદા બનાવવાનું શરૂ કરશે તો આ પણ એક જિહાદી દેશ છે. એ તમામને શુભેચ્છા જે આવું ઈચ્છતા હતા.'

અન્ય એક પોસ્ટમાં કંગનાએ ઈન્દિરા ગાંધીની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે દેશનો અંતરાત્મા ઊંઘમાં હતો ત્યારે લઠ્ઠ (લાકડી) જ એક માત્ર સમાધાન છે અને તાનાશાહી એક માત્ર સંકલ્પ છે. પ્રધાનમંત્રીજી જન્મદિવસની શુભેચ્છા.' ઉલ્લેખનીય છે કે આજે ઈન્દિરા ગાંધીની 104મી જયંતી છે.

સોનુ સૂદે કહ્યું હતું, 'ખેડૂતો પાછા પોતાના ખેતરમાં આવશે, દેશના ખેતરો ફરીવાર લહેરાશ. ધન્યવાદ નરેન્દ્ર મોદીજી. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોનો પ્રકાશ પૂરબ વધુ ઐતિહાસિક થઈ ગયો. જય જવાન, જય કિસાન.'

તાપસી પન્નુએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

પંજાબી ફિલ્મની એક્ટ્રેસ તથા 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક હિમાંશી ખુરાનાએ કહ્યું હતું, 'અંતે જીત થઈ. તમામ ખેડૂત ભાઈઓને બહુ જ શુભેચ્છા. ગુરુ નાનક દેવજીના પ્રકાશ પૂરબની સૌથી મોટી ગિફ્ટ. હેપી ગુરુપૂરબ.'

શ્રુતિ સેઠે કહ્યું હતું, 'અનેક લોકોના જીવ ગયા. આટલી મોટી કિંમત ચૂકવી, પરંતુ ખુશી છે કે ખેડૂતોએ પોતાની વાત શાંતિપૂર્વક રાખી. જય કિસાન જય હિંદ

ગુલ પનાગે કહ્યું હતું, 'કાશ આ વાત આટલી લાંબી ના ખેંચાઈ હોત. આ જ કારણે વધુ જીવ ગયા. આંદોલનકારીઓને બદનામ કરવામાં આવ્યા. આ ભવિષ્યની સરકાર માટે એક બોધપાઠ છે કે સુધારા લાવતા પહેલાં તમામ વર્ગ સાથે જોડાય. આ કાયદા બનાવનાર માટે પણ બોધપાઠ છે કે ચર્ચા તથા દલીલો વગર કાયદા પસાર કરવા જોઈએ નહીં.

ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું, 'હું ઘણો જ ખુશ છું. મોદીજીએ આજે કૃષિ કાયદા પરત લીધા છે. તમામ ખેડૂત ભાઈઓને શુભેચ્છા. ભગવાન તેમને ખુશ રાખે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. મોદીજી તરફથી આ પગલું સારું ભરાયું છે. હું ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ ઘરે પરત ફરે. તેમણે જે પ્રયાસો કર્યા તે સફળ થયા છે.'

વડાપ્રધાને શું કહ્યું હતું?
પીએમ મોદીએ 2020માં સંસદમાં પસાર થયેલા ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું, 'આજે હું તમને, પૂરા દેશને કહેવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનામાં શરૂ થતાં સંસદ સત્રમાં અમે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરીશું.'