તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મઘાતી 'ક્વીન':બેફામ બોલીને કંગનાએ કરોડોની બ્રાન્ડ્સ ગુમાવી, અનેક કંપનીઓએ ચૂપચાપ છેડો ફાડ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • એક સમયે કંગનાની પાસે અનેક બ્રાન્ડ હતી, આજે માંડ એકાદ-બે છે
  • કંગનાએ જાતે સ્વીકાર્યું છે કે તેણે 15 કરોડના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ગુમાવ્યા છે

અમિતાભ બચ્ચન પોતાની ડાયલોગ ડિલિવરી માટે જાણીતા છે. કોનામાં એવી હિંમત કે જે અમિતાભને બીજા કલાકારનો ડાયલોગ બોલવા માટે કહી શકે. 'ઈમામી' ગ્રુપે પોતાની 'બોરોપ્લસ' બ્રાન્ડની એડવર્ટાઈઝ માટે આ સવાલનો જવાબ શોધી નાખ્યો હતો. તેમને કંગના જવાબ તરીકે મળી હતી. હા, કંગનાની એવી ધાકડ ઈમેજ હતી કે તે કોઈને કંઈપણ કહી શકતી હતી, પૂછી શકતી હતી. જોકે હવે તે વધારેપડતી આક્રમક તથા નીડર થઈ ગઈ છે કે તમામ બ્રાન્ડ્સ એનાથી દૂર જવા લાગી છે. એમ કહેવામાં આવે કે કંગનાની બ્રાન્ડ વેલ્યુ પૂરી થઈ રહી છે તો એ જરાય ખોટું નથી. આ માટે માત્ર ને માત્ર કંગનાને જવાબદાર ગણાવી શકાય.

આ વાતમાં કોઈ શંકા નથી કે કંગનાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોલિવૂડમાં પોતાની દમદાર ઓળખ બનાવી છે. પછી તેની ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, તેનાં પાત્રોની ચર્ચા તો થતી જ હોય છે. બોક્સ ઓફિસ ભલે દર વખતે કંગનાનો સાથ ના આપે, પરંતુ અવોર્ડ વિનિંગ પાત્રોની પસંદગી કરવામાં એ સાચે જ ક્વીન છે.

કંગનાનો અર્થ એટલે એક એવી યુવતી, જે હંમેશાં પોતાના મનની વાત સાંભળે છે અને એના પર અમલ કરે છે. કંગના બોલ્ડ પણ છે અને સુંદર પણ. કંગનામાં એક રમતિયાળપણાની સાથે સાથે સાહસ પણ જોવા મળે છે. આ જ કારણે છેલ્લાં કેટલાંક વર્ષો કંગનાની પાસે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની લાઈન લાગી હતી. જોકે આ લાઈન હવે ગાયબ કેમ થઈ ગઈ છે, આ સવાલનો જવાબ કંગના પોતાના હોમ ક્વૉરન્ટીન સમયમાં બધાથી દૂર રહીને એકલામાં વિચારી શકે છે.

રફ એન્ડ ટફ, પણ સૌંદર્ય તથા ફેશનની દેવી પણ
કંગનાએ જે રીતે અલગ અલગ પાત્રો પ્લે કર્યાં છે એટલી જ વિવિધતા તેણે એન્ડોર્સ કરેલી બ્રાન્ડમાં પણ જોવા મળી છે. રિબોક શૂઝની બ્રાન્ડમાં તેની રફ એન્ડ ટફ ઈમેજ જોવા મળી હતી તો નક્ષત્ર જ્વેલરીમાં તે સૌંદર્યની મૂર્તિ લાગતી હતી. આસ્ક મી ગ્રોસરીની એડમાં તે નેકસ્ટ ડોર ગર્લની ઈમેજમાં હતી. ટાઈટન આઈ પ્લસમાં તે પોતાની ફેશન ચોઈસ ફ્લોન્ટ કરતી હતી, તો લિવોન સિરમ તથા બજાજ આલ્મન્ડ ઓઈલમાં તે પોતાના વાળ સાથે રમત રમતી હતી. વળી, સ્વચ્છ ભારત અભિયાનમાં લક્ષ્મીજીના સ્વરૂપમાં લોકોને પોતાની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવાનું સમજાવતી હતી. આ ઉપરાંત કંગનાએ વોયલા જ્વેલરી, વેરો મોડા ફેશન બ્રાન્ડ, લો મેન પીજી 3, મિંત્રા તથા હિમાચલ પ્રદેશ ટૂરિઝમ માટે પણ જાહેરાત કરી હતી. આ રીતની અલગ અલગ બ્રાન્ડ આજે ભાગ્યે જ કોઈ એક્ટ્રેસે એન્ડોર્સ કરી હશે.

કંગનાએ જાતે સ્વીકાર્યું, બ્રાન્ડ ગુમાવવી પડી
કંગનાએ જાતે જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ખેડૂત આંદોલન વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપ્યા બાદ તેણે 15 કરોડ રૂપિયાના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ગુમાવ્યા હતા. કંગના પાસે આજે લિવા ફેબ્રિક તથા મુંબઈની એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ પ્લેટિનમ સિવાય અન્ય કોઈ મોટી બ્રાન્ડ નથી. લિવા ફેબ્રિક બિરલા ગ્રુપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીની બ્રાન્ડ છે. દિવ્ય ભાસ્કરે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે લિવા તથા કંગનાના એસોસિયેશન અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ઈમામીની યુ ટ્યૂબ ચેનલ પર હજી પણ કંગનાની જાહેરાત છે. જોકે આ જાહેરાત બહુ જ નીચે છે. આ ગ્રુપની અન્ય બ્રાન્ડની એડ્સમાં સલમાન ખાન, આયુષ્માન ખુરાના, અમિતાભ બચ્ચન તથા જુહી ચાવલા જોવા મળે છે. જોકે કંગનાની એડને હાઈલાઈટ કરવામાં આવી નથી. ઈમામી ગ્રુપે પણ દિવ્ય ભાસ્કરના સવાલના કોઈ જવાબ આપ્યા નહોતા.

બ્રાન્ડ વેલ્યુના હિસાબે કંગના ટોપ 20માં નથી
આંતરરાષ્ટ્રીય ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સે ત્રણ મહિના પહેલાં જ બ્રાન્ડ વેલ્યુના હિસાબે ભારતની ટોપ 20 સેલિબ્રિટીનું એક લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 50.4 મિલિયન ડોલર (અંદાજે 367 કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે દીપિકા પાંચમા સ્થાને, આલિયા છઠ્ઠા, અનુષ્કા 13મા તથા 10.59 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પ્રિયંકા 19મા ક્રમે હતી, એટલે કે કંગનાની બ્રાન્ડ વેલ્યુ આનાથી ઘણી જ ઓછી છે. કંગનાએ થોડા સમય પહેલાં ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'દોસ્તાના 2'માંથી હાંકી કાઢવામાં આવેલા કાર્તિક આર્યનનું સમર્થન કર્યું હતું. આ યાદીમાં કાર્તિક આર્યન 10.50 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે 20મા નંબરે હતો, એટલે કે સૌથી છેલ્લે હતો. કંગના આ લિસ્ટમાં સામેલ નથી. એનો સીધો અર્થ એ થયો કે કંગના જેના સપોર્ટમાં આવી તે કાર્તિક આર્યનની બ્રાન્ડ વેલ્યુ પણ તેના કરતાં વધારે છે.

એ એન્ડોર્સમેન્ટ જે ક્યારેય તેના નહોતા
ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ ડ્રેસ ડિઝાઈનર આનંદ ભૂષણ તથા રિમઝિમ દાદુએ કંગના સાથેના પોતાના એન્ડોર્સમેન્ટ તોડીને તેની તમામ તસવીરો સો.મીડિયા પરથી હટાવવાની જાહેરાત કરી હતી. જોકે કંગનાની બહેન રંગોલીએ તરત જ ચોખવટ કરી હતી કે તેમનું કંગના સાથે કોઈ એન્ડોર્સમેન્ટ હતું જ નહીં. રંગોલીએ આ ડિઝાઈનર્સ વિરુદ્ધ કેસ કરવાની ધમકી આપી છે.

એન્ડોર્સમેન્ટમાંથી કંગનાની કમાણીનો એક અંદાજ
કોઈપણ સેલિબ્રિટી સ્પષ્ટ રીતે ક્યારેય કહેતા નથી કે તેમને એક એન્ડોર્સમેન્ટ માટે કેટલા પૈસા મળ્યા છે. જોકે ઈન્ડસ્ટ્રીના લોકોની વાત માનીએ તો બ્રાન્ડ તથા કેટલા મીડિયમ પર કેટલા સમય સુધી એડ ચાલી શકે છે, એના હિસાબથી ફી નક્કી થતી હોય છે. કંગના માટે આ ફી ઓછામાં ઓછા 25 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જાહેરાત માત્ર એક ઈવેન્ટ માટે છે, ટીવી કમર્શિયલ માટે છે, કોઈ શો માટે છે, આ તમામ બાબતો પ્રમાણે ચાર્જ નક્કી થાય છે અને આ ચાર્જ કરોડોમાં થાય છે. એક ફિલ્મ માટે કંગના ઓછામાં ઓછા ચાર કરોડ રૂપિયા લેતી હોવાનો અંદાજ છે.

કંગના છેલ્લા એક વર્ષથી વિવાદો સર્જી રહી છે.
કંગના છેલ્લા એક વર્ષથી વિવાદો સર્જી રહી છે.

સો.મીડિયા અકાઉન્ટ બંધ એટલે આવકનો એક સોર્સ પણ ગયો
તમામ સ્ટાર્સ માટે સો.મીડિયા અકાઉન્ટ માત્ર પોતાની ફિલ્મનું પ્રમોશન કે પોતાના ચાહકોની સાથે માત્ર સંપર્ક રાખવાનું સાધન નથી, પરંતુ એ આવકનો સોર્સ પણ છે. સ્ટાર્સના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં સો.મીડિયા પોસ્ટ પણ સામેલ હોય છે. પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન તથા અનેક સેલેબ્સ એક બ્રાન્ડ માટે એક પોસ્ટ કરવા માટે લાખો રૂપિયા લે છે. કંગના ટ્વિટર પર બૅન થઈ ગઈ છે, એનો અર્થ એમ કે સો.મીડિયાના માધ્મયથી થતી આવક પણ બંધ થઈ ગઈ છે. કંગનાના ટ્વિટર પર 30 લાખ ફોલોઅર્સ હતા. જોકે ઈન્સ્ટાગ્રામ પર કંગનાના 80 લાખ ફોલોઅર્સ છે, આથી સો.મીડિયા એન્ડોર્સમેન્ટ થઈ શકે છે, પરંતુ કંગના ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય સુધી ટકે છે એ પણ એક સવાલ છે અને બીજો સૌથી મોટો સવાલ એ કે કઈ બ્રાન્ડ કંગના સાથે જોડાવવા માગે છે!!!

બોલિવૂડમાં કંગના એકલી પડી ગઈ છે?
બોલિવૂડમાંથી અનુપમ ખેર, પરેશ રાવલ તથા મનોજ જોષી જેવા અનેક એક્ટર્સ ભાજપના મુદ્દાને સપોર્ટ કરતી પોસ્ટ કરે છે. જોકે કંગનાનું અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ ભાજપ સમર્થક અનેક સેલેબ્સે એક્ટ્રેસના પક્ષમાં આવ્યા નથી. ભાજપના કેટલાક લોકોએ ટ્વિટર પર #RestoreKangana ટ્રેન્ડ કરાવ્યું હતું. જોકે બોલિવૂડમાંથી એકપણ સેલેબ્સ આ ટ્રેન્ડમાં જોડાયા નહોતા.

પોતાની પ્રોડક્શન કંપની, એકલા ચલો રે?
કંગનાની 'થલાઈવી' રિલીઝ થશે. આ ઉપરાંત 'ધાકડ' તથા 'તેજસ' ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ સિવાય કંગનાની પાસે બોલિવૂડનો એકપણ બીજો મોટો પ્રોજેક્ટ નથી. કંગનાએ પોતાની દમદાર એક્ટિંગનો પરચો આપી દીધો છે, પરંતુ હવે ભાગ્યે જ કોઈ કંગનાને પોતાના પ્રોજેક્ટમાં લેવા માગતું હોય. કંગનાએ પોતાની પ્રોડક્શન કંપની લૉન્ચ કરે છે. આગામી સમયમાં કંગના માત્ર પોતાની પ્રોડક્શન કંપનીમાં કામ કરશે અથવા તો ફુલટાઈમ પોલિટિક્સ જોઈ કરશે એવી ચર્ચા છે.

શું કંગના હાથે કરીને પોતાની બ્રાન્ડ વેલ્યુ ખતમ કરવા માગે છે?
કંગનાની બ્રાન્ડ જે રીતે બની હતી અને હાલમાં જે રીતે તેની પડતી શરૂ થઈ છે એ હ્યુમન બ્રાન્ડના અભ્યાસ માટે કેસ સ્ટડી જેવું છે. કઈ રીતે કંગના જાતે જ પોતાની બ્રાન્ડ વેલ્યુને ઓછી કરી રહી છે, એના પર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બ્રાન્ડના ચીફ મેન્ટર ડૉ. સંદીપ ગોયલ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાત કરી હતી.

શું ટ્વિટર પ્રતિબંધની અસર કંગનાની બ્રાન્ડ વેલ્યુ પર થઈ છે?
આમ તો આ એક નાનકડો ભાગ છે. ગયા વર્ષથી કંગના બહુ જ નકારાત્મક, ઝઘડાખોર તથા અનેકવાર અપમાન કરતી જોવા મળી છે, આથી જ તેણે હાલમાં જે પણ પોસ્ટ કરી એનાથી કોઈને નવાઈ લાગી નથી. બ્રાન્ડ કંગના સેલ્ફ છેલ્લા કેટલાક સમયથી આત્મઘાતી પોઈન્ટ પર છે. કંગના હાથે કરીને પોતાના પગ પર કુહાડી મારી રહી છે.

બ્રાન્ડ કેમ્પેન મોટા ભાગે લાંબી અસર રહે એ માટે હોય છે, આથી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ લાંબા સમય માટે નક્કી થાય છે. શું કોઈ ઘટના કે વિવાદથી બ્રાન્ડ ઈમેજ અથવા બ્રાન્ડના સંપૂર્ણ વિચાર પણ અસર થઈ શકે છે?
જેમ પહેલાં કહ્યું છે કે આ એકમાત્ર ઘટના નથી. સુશાંત સિંહ રાજપૂતનો કેસ, ઉદ્ધવ ઠાકરે સાથે ઝઘડો, BMC સાથે સંઘર્ષ આ તમામ બાબતો એ વાત તરફ નિર્દેશ કરે છે કે કંગના લાંબા સમયથી ઝઘડો કરવાના મૂડમાં જ છે. અનેક બ્રાન્ડ કંગનાની આક્રમકતાને કારણે પાછળ હટી ગઈ છે. આજે કોઈ બ્રાન્ડ કંગનાની નકારાત્મકતા તથા આક્રમક વર્તનના ડાઘા પોતાના પર લાગે તેવું જોખમ ઉઠાવવા માગતી નથી. કેટલાક મુદ્દા પર કંગનાએ સાચી વાત કહી છે, પરંતુ તેણે જે રીતે વાત કહી છે, તેમાં ક્યાંય શાલીનતા કે સભ્ય વર્તન જોવા મળ્યું નથી. બ્રાન્ડ કોઈ દમદાર પર્સનાલિટી ઈચ્છે છે, નહીં કે આક્રમકતા.

કંગના બેફામ નિવેદનો આપીને ગમે તેને પોતાના દુશ્મનો બનાવી રહી છે.
કંગના બેફામ નિવેદનો આપીને ગમે તેને પોતાના દુશ્મનો બનાવી રહી છે.

કંગનાના આ વિવાદને સાઈડમાં મૂકીએ તો એક સેલિબ્રિટી તરીકે તેનું એક બહુપરિમાણીય વ્યક્તિત્વ છે. તેણે અનેક નેશનલ અવોર્ડ જીત્યા છે. તેનાં નારીવાદી પાત્રોને ઘણી જ પ્રશંસા મળી છે. તેના ચોક્કસ ચાહાકો છે. તો કોઈ બ્રાન્ડ જ્યારે એન્ડોર્સમેન્ટ નક્કી કરે છે ત્યારે સૌથી પ્રભાવી શું હોય છે? કોઈ એક વિવાદ અથવા તો પછી તે સેલિબ્રિટીનું સંપૂર્ણ વ્યક્તિત્વ અને સિદ્ધિઓ?
કંગનાનો કોઈ એક વિવાદ નથી. તે દર અઠવાડિયે નવો વિવાદ ઊભો કરી દે છે. આ વિવાદમાં દરેક પ્રકારનો દ્વેષ હોય છે. હજી એક વર્ષ પહેલાં સુધી કંગનાએ પોતાની એક બહુ જ દમદાર તથા સ્ટ્રોંગ ઈમેજ બનાવી હતી. એ જ કારણે તે અનેક બ્રાન્ડ્સની ફેવરિટ હતી. જોકે હવે ખરેખર તેની સાથે કામ કરવું એક જોખમ છે.

પ્રમોશનની દુનિયામાં એવું કહેવાય છે કે ભલે નેગેટિવ પ્રમોશન થાય, પણ એ એક પ્રમોશન જ છે. શું આ વાત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને પણ લાગુ પડે છે?
હા, એવું થઈ શકે, પરંતુ એમાં તમારી એક મર્યાદામાં રહેવાનું હોય છે. અક્ષય કુમારનો ભાજપ પ્રત્યે ઝુકાવ છે તોપણ તે ક્યારેય વિવેકહીન કે નકારાત્મક જોવા મળ્યો નથી, આથી જ તે સરકારની યોજનાઓ પ્રચાર કરતો હોય કે પછી હિંદુત્વના જૂથમાં હોવા છતાંય તેના ચાહકો વહેંચાયેલા નથી.

કંગના રાજકારણમાં જવા માગે છે એ વાત હવે જગજાહેર છે.
કંગના રાજકારણમાં જવા માગે છે એ વાત હવે જગજાહેર છે.

કંગનાની સાથે આવું પહેલી વાર થયું નથી. કંગનાએ પણ સ્વીકાર્યું છે કે ખેડૂત આંદોલન દરમિયાન તેણે પોતાનાં નિવેદનોને કારણે ઘણા બધા એન્ડોર્મેન્ટ ગુમાવવા પડ્યા હતા. આ વાત ખબર હોવા છતાંય તે વિવાદ કેમ કરે છે? શું તે આ આક્રમકતા પોતાના રાજકીય કરિયર માટે સહેતુક બ્રાન્ડ સ્ટ્રેટજી માટે હોઈ શકે છે? કે પછી આ આત્મઘાતી પગલું છે? એક હ્યુમન બ્રાન્ડની દૃષ્ટિબિંદુથી આ શું સૂચિત કરે છે?
કંગનાની રાજકીય મહત્ત્વાકાંક્ષા બધાને ખબર છે, પરંતુ તે આ રસ્તે બહુ જ નકારાત્મક વલણથી આગળ વધી રહી છે. તે મિત્રો બનાવવાને બદલે વધુમાં વધુ દુશ્મનો ઊભા કરી રહી છે. તે પોતે એક પાવરફુલ બ્રાન્ડ હતી, પરંતુ તેણે પોતાની બ્રાન્ડને બરબાદ કરી નાખી છે. જ્યારે તમે એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ બની જાઓ ત્યારે તમારી વિશ્વસનીયતા પૂરી થઈ જવા આવે છે અને એ પછી ક્યારેય પાછી આવતી નથી.

હંમેશાં બોલતી કંગના હાલમાં મૌન
બ્રાન્ડ વેલ્યુના હિસાબે દિવ્ય ભાસ્કરે કંગનાનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેની ટીમે એમ કહ્યું કે તે હાલમાં વાત કરી શકે તેમ નથી, તે અન્ય ક્યાંક વ્યસ્ત છે.