કંગનાનો જવાબ:બફાટ પછી પણ કંગનાની ટણી, ‘મને ખોટી સાબિત કરી બતાવો તો હું મારો પદ્મશ્રી પાછો આપી દઈશ’

3 મહિનો પહેલા
  • એક્ટ્રેસે કહ્યું કે, જો કોઈ તેને 1947માં થયેલી ઘટના વિશે જણાવશે તો તે પોતાનો પદ્મશ્રી પાછો આપવા માટે તૈયાર છે

કંગના રનૌતને તેના 'આઝાદી' નિવેદન લઈને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેણે પોતાનો બચાવ કર્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, જો કોઈ તેને 1947માં થયેલી ઘટના વિશે જણાવશે તો તે પોતાનો પદ્મશ્રી પાછો આપવા માટે તૈયાર છે. હકીકતમાં કંગનાએ પોતાના વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે, ભારતને 2014માં આઝાદી મળી હતી, જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર સત્તામાં આવી હતી. 1947માં દેશની આઝાદીને ભીખ ગણાવી હતી.

1947માં કયું યુદ્ધ થયું હતું એ મને નથી ખબર
એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પુસ્તકના કેટલાક અંશો શેર કરતા લખ્યું, તે જ ઇન્ટરવ્યુમાં બધું સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. 1857માં સ્વતંત્રતા માટે પહેલી સામૂહિક લડાઈ સુભાષ ચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકર જેવા મહાન લોકોના બલિદાનથી શરૂ થઈ હતી. 1857ના યુદ્ધ વિશે મને ખબર છે, પરંતુ 1947માં કયું યુદ્ધ થયું હતું, એ મને નથી ખબર. જો કોઈ મને જણાવી શકે છે તો હું મારો પદ્મશ્રી પરત કરી દઈશ અને માફી પણ માગી લઈશ..કૃપા તેમાં મારી મદદ કરો.

કૃપા જવાબ શોધવામાં મારી મદદ કરો
તેણે આગળ લખ્યું, મેં શહીદ વીરાંગના રાણી લક્ષ્મી બાઈની ફિચર ફિલ્મમાં કામ કર્યું છે...આઝાદી પહેલાની લડાઈ 1857માં થઈ હતી જેનું રિસર્ચ મોટાપાયે કરવામાં આવ્યું હતું...રાષ્ટ્રવાદની સાથે રાઈટ વિંગનો પણ ઉદય થયો... પરંતુ અચાનક અંત કેમ થઈ ગયો? અને ગાંધીએ ભગત સિંહને કેમ મરવા દીધા?...નેતા બોસને કેમ મારવામાં આવ્યા અને ગાંધીજીનો સપોર્ટ તેમને કેમ ક્યારેય નથી મળ્યો? એક બ્રિટિશે પાર્ટીશનની લાઈન કેમ ખેંચી...? સ્વતંત્રતાની ઉજવણી કરવાને બદલે ભારતીયોએ એકબીજાને કેમ મારી નાખ્યા, આવા કેટલાક જવાબો હું શોધી રહી છું કૃપા કરીને મને જવાબ શોધવામાં મદદ કરો.

ચોર લોકો છે તેમની બળશે
કંગના રનૌતે કહ્યું કે, હું પરિણામ ભોગવવા તૈયાર છું. જ્યાં સુધી 2014ની આઝાદીની વાત છે, મેં ખાસ રીતે કહ્યું હતું કે, આપણી પાસે ભૌતિક સ્વતંત્રતા હોઈ શકે છે પરંતુ ભારતની ચેતના અને અંતરાત્મા 2014માં આઝાદ થયા હતા... પહેલી વખત...અંગ્રેજી ન બોલવા અથવા નાના શહેરોમાંથી આવતા અથવા ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે લોકો આપણને શર્મિદા નથી કરી શકતા...એક જ ઈન્ટરવ્યુમાં બધુ સ્પષ્ટ છે...પરંતુ જે ચોર છે તેની તો બળશે...કોઈ બુઝાવી નથી શકતું...જય હિંદ.

સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે
આમ આદમી પાર્ટીએ મુંબઈ પોલીસને એક એપ્લિકેશન જમા કરીને તેની વિરુદ્ધ દેશદ્રોહી અને ઉશ્કેરણીજનક નિવેદન આપવા બદલ કેસ દાખલ કરવાની માગ કરી છે. ભાજપા સાંસદ વરુણ ગાંધી સહિત ઘણા રાજનેતાઓએ તેના નિવેદન અંગે નારાજગી વ્યક્તિ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. સમગ્ર દેશમાં તેના નિવેદનની ટીકાની સાથે પ્રદર્શન થઈ રહ્યું છે.