'કાલી' પોસ્ટર વિવાદ:ફિલ્મમેકરના સમર્થનમાં સાંસદ મહુઆ મોઈત્રા, કહ્યું- 'મારા માટે મહાકાળી માંસ ખાતા તથા શરાબ પીતા દેવી છે'

મુંબઈએક મહિનો પહેલા

ફિલ્મમેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'ના પોસ્ટર વિવાદ પર હવે TMC (તૃણમૂલ કોંગ્રેસ)ના સાંસદ મહુઆ મોઇત્રાએ નિવેદન આપ્યું છે. મહુઆએ મીડિયા ચેનલના કોન્ક્લેવમાં 'કાલી'ના પોસ્ટર પર લીનાનો સપોર્ટ કર્યો હતો. સાંસદે કહ્યું હતું કે તેમના માટે મહાકાળી માતા માંસ ખાનારા તથા મદિરાનો સ્વીકાર કરનાર દેવી છે.

'મને આ પોસ્ટર સામે કોઈ વાંધો નથી'
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું, 'મહાકાળી માતાના અનેક રૂપ છે. મારા માટે મહાકાળી માંસ ખાનારા, શરાબનો સ્વીકાર કરનારા દેવી છે. લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય છે, મને આ પોસ્ટર સામે કોઈ વાંધો નથી. તમને તમારા દેવીની કલ્પના કરવાની સ્વતંત્રતા છે. કેટલાંક સ્થાને દેવતાઓને શરાબ ચઢાવવામાં આવે છે તો કેટલાંક સ્થાને આ બાબતને ઈશનિંદા માનવામાં આવે છે.'

વધુમાં મહુઆએ કહ્યું હતું, 'તમે તમારા ભગવાનને કેવી રીતે જુઓ છો. જો તમે ભૂતાન તથા સિક્કિમમાં જશો તો ત્યાં સવારે પૂજામાં ભગવાનને શરાબ ચઢાવવામાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં જો તમે કોઈને પ્રસાદમાં તે આપી દો તો તેનાથી તેમની ભાવનાને ઠેસ પહોંચે છે. મારા માટે દેવી મહાકાળી માંસ ખાનારા તથા દારૂ પીતાં દેવીના રૂપમાં છે. દેવી કાળીના અનેક રૂપ છે.'

'મને મારી રીતે મહાકાળીને જોવાની આઝાદી છે'
સાંસદે આગળ વાત કરતાં કહ્યું હતું, 'જો તમે તારાપીઠ જશો તો તમને મહાકાળીના મંદિર આગળ અનેક સાધુઓ સ્મોકિંગ કરતાં જોવા મળશે. અનેક લોકો આવા મહાકાળીની પૂજા પણ કરે છે. હિંદુ હોવા છતાં મને મારી મહાકાળીને મારી રીતે જોવાની આઝાદી છે અને લોકોને પણ આ આઝાદી મળવી જોઈએ.'

વધુમાં કહ્યું હતું, 'તમને તમારા ભગવાનને તમારા હિસાબે પૂજા કરવાની આઝાદી હોવી જોઈએ. પૂજાનો અધિકાર પર્સનલ સ્પેસમાં રહેવો જોઈએ. જ્યાં સુધી હું તમારા વિસ્તારમાં હસ્તક્ષેપ કરતી નથી, તો મને નથી લાગતું કે આવું કરવાની આઝાદી કોઈને હોવી જોઈએ. મને મહાકાળીના આ સ્વરૂપ સામે કોઈ વાંધો નથી.'

લીના વિરુદ્ધ દિલ્હી-ઉત્તર પ્રદેશમાં કેસ થયો
ફિલ્મમેકર લીના મણિમેકલાઈ વિરુદ્ધ દિલ્હી તથા ઉત્તર પ્રદેશમાં કેસ કરવામાં આવ્યો છે. લીનાની ઉપર દિલ્હી પોલીસના IFSO યુનિટે કેસ કર્યો છે. પોલીસે લીના પર 153A, 295A હેઠળ કેસ કર્યો છે. લીના પર ડોક્યુમેન્ટરી 'કાલી'ના પોસ્ટરથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ છે.

ફિલ્મમેકર લીના મણિમેકલાઈએ પોતાની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં મહાકાળી માતાના ગેટઅપમાં એક્ટ્રેસ સિગારેટ પીવે છે. આ ઉપરાંત તેના એક હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં LGBTQ કમ્યુનિટીનો ઝંડો છે. 2 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ભડક્યા છે. યુઝર્સે લીનાને ટ્રોલ કરી છે અને ધરપકડની માગણી કરી છે. ફિલ્મમેકરે સો.મીડિયામાં ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શૅર કર્યું હતું. યુઝર્સે મેકર્સ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂક્યો છે.

લીનાએ કહ્યું, હું ડરતી નથી
લીનાએ કહ્યું હતું, 'મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. જે નિડર થીને બોલે છે, તેમના માટે હું હંમેશાં અવાજ ઊઠાવીશ. જો તેની કિંમત મારું જીવન છે તો હું તે પણ આપીશ.' લીનાએ કહ્યું હતું કે તેની આ ફિલ્મ ટોરન્ટોના આગા ખાન મ્યૂઝિયમમાં થયેલી ઇવેન્ટ 'રિધમ ઑફ કેનેડા'નો એક પાર્ટ છે. લીનાનો વિરોધ થતાં તેણે સો.મીડિયા અકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું.

લીનાએ ચોખવટ કરી
સો.મીડિયામાં લીનાએ તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ ફિલ્મ એક એવી ઘટના પરથી છે, જેમાં એક સાંજે કાળી પ્રગટ થાય છે અને ટોરન્ટોના રસ્તા પર ફરવા લાગે છે. જો તમે ફિલ્મ જોશો તો તમે મને અરેસ્ટ કરવાવાળા હેશટૅગને બદલે મને પ્રેમ કરનારા હેશટૅગ કરશો.'