અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનથી પરત ફર્યું અને ફરી એકવાર ત્યાં તાલિબાન શાસન આવી ગયું છે. તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર પોતાનો કબજો લઈને સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે. તાલિબાન શાસનને કારણે ફરી એકવાર ત્યાં સિનેમા તથા શૂટિંગ પર બૅન મૂકવામાં આવે તેમ માનવામાં આવે છે. જોકે, એક સમયે અહીંયા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ થતા હતા. આજે જે જગ્યાએ તાલિબાનનું રાજ છે, ત્યાં એક સમયે બોલિવૂડ ફિલ્મના શૂટિંગની ઝાકમઝોળ જોવા મળતી હતી. આજે આપણે જોઈએ કે અફઘાનિસ્તાનમાં કઈ કઈ ફિલ્મના શૂટિંગ થયા હતા.
1. ધર્માત્મા
'ધર્માત્મા' બોલિવૂડની પહેલી ફિલ્મ છે, જેનું શૂટિંગ સાઉથ એશિયન દેશમાં થયું છે. 1975માં આવેલી આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'ગોડફાધર' પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ફિરોઝ ખાન, હેમામાલિની, રેખા તથા પ્રેમનાથ હતા. આ ફિલ્મનું ગીત 'ક્યા ખૂબ લગતી હો..' ઇન્ડિયન સિનેમાનું ક્લાસિક સોંગ બની ગયું છે. આ ફિલ્મને ફિરોઝ ખાને ડિરેક્ટ કરી હતી. અફઘાનિસ્તાનના બમીયાન તથા બંદ-એ-આમિર લોકેશન પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
2. ખુદા ગવાહ઼
1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખુદા ગવાહ'નું શૂટિંગ અફઘાનિસ્તાનના કાબુલ તથા મઝાર-એ-શરીફમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને મુકુલ એસ આનંદે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી, નાગાર્જુન, ડેની તથા કિરન કુમાર હતી. આ ફિલ્મમાં અફઘાનિસ્તાનના સુંદર લોકેશન જોવા મળ્યા હતા. અફઘાનિસ્તાનમાં 18 દિવસ શૂટિંગ કરવામાં આવ્યું હતું.
3. જાંનશીન
1975 બાદ ફિરોઝ ખાને 2003માં રિલીઝ થયેલી 'જાંનશીન'નું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કર્યું હતું. તાલિબાનના રાજમાંથી મુક્ત થયેલા અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં ફિરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન તથા સેલિના જેટલી હતાં. ફિરોઝ ખાને સાત દિવસ સુધી અફઘાનિસ્તાનમાં શૂટિંગ કર્યું હતું.
4. કાબુલ એક્સપ્રેસ
2006માં રિલીઝ થયેલી કબીર ખાનની ફિલ્મ 'કાબુલ એક્સપ્રેસ'નું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ તથા અરશદ વારસી લીડ રોલમાં હતા. બંનેએ જર્નલિસ્ટનો રોલ પ્લે કર્યો હતો. અફઘાનિસ્તાનમાં પંજશીર વેલી (તાલિબાનના કબજામાંથી મુક્ત), બાલા હિસ્સાર ફોર્ટ, દારુલ અમન મહેલ તથા ગ્રીન મહેલમાં શૂટિંગ થયું હતું.
5. એજન્ટ વિનોદ
શ્રીરામ રાઘવનની 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'એજન્ટ વિનોદ'માં જે શરૂઆતના સીન બતાવવામાં આવે છે, તેનું શૂટિંગ અફઘાનિસ્તાનના દશ્ત-એ-મર્ગો રણમાં થયું છે. આ ફિલ્મ અફઘાનિસ્તાન સહિત મોરક્કો, સોમાલિયા અને અન્ય 8 દેશોમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મમાં સૈફ અલી ખાન તથા કરીના કપૂર લીડ રોલમાં હતા. સપોર્ટિંગ એક્ટરમાં પ્રેમ ચોપરા, આદિલ હુસૈન, રામ કપૂર જેવા સ્ટાર્સ હતા.
6. તોરબાઝ
2020માં રિલીઝ થયેલી ગિરિશ મલિકના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'તોરબાઝ'નું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. ફિલ્મમાં સંજય દત્ત, નરગિસ ફખરી, રાહુલ દેવ તથા રાહુલ મિત્રા લીડ રોલમાં હતા. ફઇલ્મમાં સંજય દત્ત પૂર્વ આર્મી ડૉક્ટર હોય છે અને તે અફઘાનિસ્તાનના રિફ્યુજી કેમ્પમાં રહેલા બાળકોને ક્રિકેટ શીખવતો હોય છે. આ બાળકોમાંથી એક ચાઇલ્ડ સુસાઇડ બોમ્બર હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.