ફિલ્મ રિવ્યૂ:કબીર ખાનની ‘83’, ઇમોશન, ઇન્સ્પિરેશન અને એન્ટરટેનમેન્ટનો વર્લ્ડકપ, એકેએક મિનિટ દર્શકોને જકડી રાખશે

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • ડિરેક્ટરઃ કબીર ખાન
  • રેટિંગઃ 4.5/5
  • સ્ટાર કાસ્ટઃ રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, બમન ઈરાની, એમી વિર્ક

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ '83' ભારતે ક્રિકેટમાં વર્લ્ડકપ જીત્યો તેના પર બેઝ્ડ છે. આ ફિલ્મ આજના સમયની 'શોલે' તથા 'ટાઇટેનિક' છે. આ બંને ફિલ્મની જેમ આ ફિલ્મ પણ ક્રિટિકલી તથા કમર્શિયલી હિટ રહેવાની છે. 2 કલાક અને 32 મિનિટની આ ફિલ્મમાં એક પણ ક્ષણ એવી નથી કે જ્યાં તમને કંટાળો આવે. આ ફિલ્મ એટલી ઇન્સ્પાયર, ઇમોશનલ તથા એન્ટરટેઇન કરે છે કે તેને વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછા પડી જાય તેમ છે. આ ફિલ્મ ઇમોશનની ત્સુનામી છે. આંખો ભીની થઈ જાય છે. માથું ગર્વથી ઊંચું થાય છે. ફિલ્મ જોતી વખતે દર્શકો ભૂલી જશે કે તેઓ થિયેટરમાં છે કે સ્ટેડિયમમાં.

કબીર ખાન એન્ડ ટીમે બેસ્ટ ફિલ્મ બનાવી છે. કોઈ સ્પોર્ટ્સમાં અવ્વલ બનીને દેશનું માથું કેવી રીતે ઊંચું કરી શકાય છે, સ્પોર્ટ્સ દેશની અંદરની નફરતની દીવાલને કેવી રીતે તોડી પાડે છે, આ તમામ બાબતો મેકર્સે ઘણી જ સુંદર રીતે બતાવી છે. મેકર્સ તથા કલાકારોના જેટલા વખાણ કરવામાં આવે તેટલાં ઓછા. વર્લ્ડકપની જીત તો ઓન ગ્રાઉન્ડ વિનર હતી, પરંતુ આ ફિલ્મ સિનેમા પર વિશ્વવિજેતા છે.

રાઇટર સુમિત અરોરા, વાસન બાલા, સંજય પૂરણ સિંહ ચૌહાણ તથા ડિરેક્ટર કબીર ખાનની પાસે સબ્જેક્ટ તરીકે એટલી બધું કહેવાનું હતું કે તે તમામ બાબતોને સુવ્યવસ્થિત રીતે ફિલ્મમાં લાવવી જ કમાલની વાત છે. આ દેશમાં ક્રિકેટને ધર્મની દૃષ્ટિથી જોવામાં આવે છે. ક્રિકેટની વાત આવે એટલે દરેક ભારતીયોમાં અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આ પહેલાં ધોનીની બાયોપિક તથા આમિર ખાનની 'લગાન'માં ચાહકોનો પ્રેમ જોઈ ચૂક્યા છીએ.

ફિલ્મની વાર્તા 1983ની છે, જ્યારે ક્રિકેટની દુનિયામાં ટીમ ઇન્ડિયાની ગણના નગણ્ય હતી. દેશને આઝાદ થયે 3 દાયકા જેટલો સમય થઈ ગયો હતો, પરંતુ દુનિયામાં ભારતને તે માન-સન્માન મળ્યું નહોતું. ક્રિકેટ બોર્ડના અધિકારીઓને પણ વિશ્વાસ નહોતો કે ભારત વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જીતીને આવશે. કપિલ દેવની આગેવાની હેઠળ ટીમે રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા અને વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો.

કબીર ખાનને આ સફરમાં તમામ એક્ટરે પૂરતો સાથ આપ્યો છે. નેશનલ અવોર્ડ વિનર મેકઅપ ડિરેક્ટર વિક્રમ ગાયકવાડ, આર્ટ ડિરેક્ટર કોકોરગાંવકર તેજસ, બિલાલ હાશ્મી તથા કાસ્ટિંગ ડિરેક્ટરની ટીમે ચાર ચાંદ લગાવી દીધા છે. દરેક મેચ, વેસ્ટઇન્ડિઝના પ્લેયર્સ પણ એટલાં ઑથેન્ટિક લાગે છે કે અસલી-નકલીનો ભેદ પણ ભૂલાઈ જાય છે. રણવીર સિંહની સુપર્બ એક્ટિંગ જોવા મળી છે. રણવીર સિંહે કપિલ દેવના રંગ-રૂપ, ચાલ-ઢાલથી લઈ અવાજ સુધી આત્મસાત કર્યા છે. ટીમ મેનેજર માનસિંહના રોલમાં પંકજ ત્રિપાઠી છે.

અન્ય કલાકારોમાં એમી વિર્ક, તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતિન સરના, જીવા, ચિરાગ પાટિલ, નિશાંત દાહિયા, સાહિલ ખટ્ટર સહિત તમામ કલાકારોએ કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે. સૌથી સારી વાત એ છે કે દીપિકા પાદુકોણ, બૃજેન્દ્ર કાલા તથા બમન ઈરાની જેવા સીનિયર કલાકારોને સ્ક્રીન ટાઇમ ઓછો મળ્યો હોવા છતાં તેમણે પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. એમી વિર્કે આ પહેલાં 'ભુજ'માં પોતાની એક્ટિંગનો પરચો બતાવ્યો છે. ફિલ્મમાં અસલી મોહિંદર અમરનાથને લાલા અમરનાથ તરીકે બતાવવામાં આવ્યા છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો સ્લો છે, પરંતુ ઓવરઓલ ઇમોશનથી મેકર્સે દર્શકોને જકડી રાખ્યા છે. કોવિડ 19 બાદ દર્શકો માટે આ ફિલ્મ સૌથી બેસ્ટ ભેટ છે. આ ફિલ્મ પરિવાર સાથે જરૂરથી જોવા જવી જોઈએ.