'જુગ જુગ જિયો' માટે ગુડ ન્યૂઝ:નીતુ કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી- શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે આભાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્ટ્રેસ નીતુ કપૂરનો શુક્રવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકરી નીતુની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર તેની સાથેનો ફોટો શેર કરીને આપી છે. હાલમાં જ નીતુ ચંદીગઢમાં તેની અપકમિંગ ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગ દરમ્યાન કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ નીતુને એર એમ્બ્યુલન્સમાં ચંદીગઢથી મુંબઈ લાવવામાં આવ્યા હતા.

રિદ્ધિમા કપૂરે માતા નીતુ સાથેનો ફોટો શેર કરી લખ્યું, 'તમારા બધાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે આભાર. આજે મારી માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.' જણાવી દઈએ કે નીતુ સિવાય ફિલ્મના ડિરેક્ટર રાજ મેહતા, એક્ટર વરુણ ધવન અને મનીષ પોલ પણ કોરોના પોઝિટિવ છે. સંક્રમિત થયા બાદ મનીષ પોલ મુંબઈ પરત ફર્યો જ્યારે રાજ મેહતા અને વરુણ ધવન ચંદીગઢમાં જ ક્વોરન્ટીન છે. આ બધા ચંદીગઢમાં અનિલ કપૂર, કિઆરા અડવાણી અને આખી ટીમ સાથે 'જુગ જુગ જિયો'નું શૂટિંગ કરી રહ્યા હતા. અનિલ કપૂર અને કિઆરા અડવાણીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ બંને પણ મુંબઈ પરત ફર્યા છે. હાલ, તો ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું છે.

નીતુએ ગુરુવારે પોતાની હેલ્થ અપડેટ શેર કરી હતી
કોરોના આવ્યા બાદ નીતુ કપૂરે ગુરુવારે સોશિયલ મીડિયા પર તેની હેલ્થ અપડેટ શેર કરી હતી. નીતુએ લખ્યું હતું, 'અઠવાડિયાની શરૂઆતમાં હું કોરોના પોઝિટિવ આવી હતી. બધી સાવચેતી રાખવામાં આવી રહી છે અને હું અધિકારીઓનો આભાર માનવા ઈચ્છું છું કે તેમણે અમારી આટલી મદદ કરી અને રિસ્પોન્સ પણ જલ્દી આપ્યો. હું સેલ્ફ ક્વોરન્ટીન છું. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ લઇ રહી છું અને અગાઉ કરતાં બેટર ફીલ કરી રહી છું. હું તમે આપેલા પ્રેમ અને દુઆ માટે આભાર વ્યક્ત કરું છું. તમે લોકો પણ સેફ રહો, માસ્ક પહેરીને રાખો, સાવધાનીથી અંતર રાખીને ચાલો અને તમારું ધ્યાન રાખો.'

વરુણે પોસ્ટ શેર કરીને પોતાના કોરોના પોઝિટિવ હોવાની વાત કન્ફર્મ કરી હતી
આ પહેલાં વરુણ ધવને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરીને પોતાના કોરોના પોઝિટિવ હોવાની વાત કન્ફર્મ કરી હતી. તેણે લખ્યું હતું, 'આ મહામારીના સમયમાં હું કામ પર પરત ફર્યો અને મને કોવિડ 19નો ચેપ લાગ્યો. પ્રોડક્શને તમામ પ્રકારની સાવધાની રાખી હોવા છતાંય જીવનમાં કંઈ જ નક્કી હોતું નથી અને તેમાંય ખાસ કરીને કોવિડ 19. મહેરબાની કરીને વધુ પડતી કાળજી લો. હું માનું છું કે મારે હજી વધુ સાવચેતી રાખવાની જરૂર હતી. રોજ મને જલદી સાજા થઈ જવાના મેસેજ આવે છે અને મારો ઉત્સાહ વધારે છે. આભાર.'

રિશી કપૂરના નિધન બાદ પત્ની નીતુની પહેલી ફિલ્મ
'જુગ જુગ જિયો' 30 એપ્રિલે રિશી કપૂરના નિધન બાદ તેની પત્ની નીતુ કપૂરની પહેલી ફિલ્મ છે. નીતુએ શૂટિંગ માટે રવાના થવાના સમયે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી લખ્યું હતું, 'આ મુશ્કેલીના સમયમાં મારી પહેલી ફ્લાઇટ. આ જર્નીને લઈને નર્વસ છું.' તેની આગળ તેમણે રિશી કપૂરને યાદ કરીને લખ્યું હતું, 'કપૂર સાહેબ તમે અહીંયા મારો હાથ પકડવા માટે નથી, હું જાણું છું કે તમે મારી સાથે છો.' ફિલ્મના ડિરેક્ટર 'ગુડ ન્યૂઝ' ફેમ રાજ મેહતા છે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.