સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR 95મા એકેડેમી અવૉર્ડ સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો છે. એક્ટર છ માર્ચના રોજ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. વીડિયોમાં એક્ટર કેઝ્યુ્લ લુકમાં હતો.
રામચરણ તથા રાજમૌલિ અમેરિકામાં જ છે
જુનિયર NTR તથા રામચરણની ફિલ્મ 'RRR'નું ગીત 'નાટુ નાટુ' ઓસ્કર અવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ થયું છે. ફિલ્મના ડિરેક્ટર રાજમૌલિ તથા રામચરણ પહેલેથી જ અમેરિકામાં છે. ઓસ્કર અવૉર્ડ 12 માર્ચે લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાશે. ભારતીય સમય પ્રમાણે 13 માર્ચે 5.30 વાગ્યે જોવા મળશે. નોંધનીય છે કે ત્રણ માર્ચના રોજ આ ફિલ્મ અમેરિકાના 200 થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે.
ગોલ્ડન ગ્લોબ ને ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ મળ્યા
'RRR'ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ તથા ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં 2 અવૉર્ડ મળ્યા હતા. એસ એસ રાજમૌલિની આ ફિલ્મને ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા 'નાટૂ નાટૂ'ને બેસ્ટ સોંગનો અવૉર્ડ મળ્યો છે. ગોલ્ડન ગ્લોબમાં 'નાટૂ નાટૂ'ને શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગનો ખિતાબ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જુનિયર NTR તથા આલિયા ભટ્ટને હોલિવૂડ ક્રિટિક્સ એસોસિયેશન 2023નો સ્પોટલાઇટ અવૉર્ડ મળ્યો છે. જોકે, બંનેમાંથી એક પણ એક્ટર અવૉર્ડ લેવા માટે આવી શક્યા નહોતા. બંનેને અવૉર્ડ ટ્રોફી અઠવાડિયાની અંદર મોકલી દેવામાં આવશે.
ગયા વર્ષે માર્ચમાં ફિલ્મ રિલીઝ થઈ હતી
ફિલ્મ 'RRR' ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને એણે બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.