પત્રકાર સાથે ગેરવર્તૂણક કેસ:ફરિયાદી અશોક પાંડેએ કહ્યું, હું માત્ર એટલું જ ઈચ્છું છું કે સલમાન મારી માફી માગે; એકટરે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા

મુંબઈ4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

માર્ચ 2019માં જર્નલિસ્ટ અશોક પાંડેએ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર દુર્વ્યહારનો આરોપ મૂકીને કેસ કર્યો હતો. આ કેસમાં અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે એક્ટરને 5 એપ્રિલે હાજર થવાનું ફરમાન કર્યું હતું. જોકે, સલમાન ખાન હાજર રહ્યો નહોતો અને હવે આ કેસની સુનાવણી 9 મેના રોજ થશે. સલમાન ખાન પર ફરિયાદીએ મારપીટ તથા ફોન ઝૂંટવી લીધા હોવાનો આરોપ મૂક્યો છે. સલમાને ફિઝિકલ અપીરિયન્સથી બચવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ફરિયાદી અશોક પાંડેએ કહ્યું હતું, 'આ પહેલાં પણ અનેક સુનાવણીમાં સલમાને કોઈને કોઈ બહાનું બતાવીને કોર્ટમાં હાજર થવા અંગે અસમર્થતા બતાવી હતી. મારા માટે આ કોઈ નવી વાત નથી. જોકે, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે. આ ઘટનાને 3 વર્ષ થઈ ગયા અને મને આશા છે કે હવે મને જરૂરથી ન્યાય મળશે.'

સલમાનની ટીમે ફોન કર્યો હતો
વધુમાં અશોકે કહ્યું હતું, 'જ્યારે આ ઘટના બની હતી, તેના થોડાં દિવસ બાદ સલમાનની ટીમના સભ્ય શોએબનો ફોન આવ્યો હતો. તેણે મને કેસ પરત લેવાનું કહ્યું હતું અને આ કેસને પૂરો કરવાની સલાહ આપી હતી. જોકે, મેં તે સમયે એટલું જ કહ્યું હતું કે સલમાન તથા તેના બૉડીગાર્ડ મારી માફી માગે. હું આનાથી વધુ કંઈ જ ઈચ્છતો નથી. આ વાત અમે પોલીસને પણ કહી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે અમારી કોઈ ભૂલ નહોતી. અમે વીડિયો બનાવવા માટે બૉડીગાર્ડની પરવાનગી લીધી હોવા છતાંય અમારી સાથે મારપીટ કરવામાં આવી અને ફોન ઝૂંટવી લીધો હતો.'

કેટલાંક સ્ટાર્સ પત્રકારો સાથે ખરાબ વર્તન કરે છે
અશોકે માને છે કે કેટલાંક બોલિવૂડ એક્ટર જર્નલિસ્ટ સાથે દુર્વ્યવહાર કરતાં હોય છે, પરંતુ તેઓ આ અંગે ક્યારેય ખુલીને વાત કરતા નથી, પરંતુ તે તેમના જેવો નથી. તેની સાથે જો કંઈક ખોટું થાય છે તો તે વિરોધ કરે છે, પછી ભલેને સલમાન ખાન જેવી મોટી પર્સનાલિટી જ કેમ ના હોય.

શું છે સમગ્ર ઘટના?
24 એપ્રિલ, 2019ના રોજ અશોક પાંડે જુહૂથી કાંદિવલી કેમેરામેન સાથે પોતાની કારમાં ટ્રાવેલ કરતો હતો. આ દરમિયાન તેણે રસ્તામાં સલમાન ખાનને સાયકલ ચલાવતો જોયો હતો. અશોકે સલમાનના બૉડીગાર્ડ પાસે વીડિયો લેવાની પરવાનગી માગી હતી. બૉડીગાર્ડે પત્રકાર અશોકને વીડિયો રેકોર્ડ કરવાની પરમિશન આપી હતી. જોકે, સલમાને પત્રકારને વીડિયો રેકોર્ડ કરતા જોયો તો તેણે વિરોધ કર્યો હતો અને પછી બૉડીગાર્ડે અશોકને માર માર્યો હતો. એક્ટરે પણ માર માર્યો હતો અને ફોન ઝૂંટવી લીધો હતો.

અશોકે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં સલમાન વિરુદ્ધ IPC (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 504 તથા 506 હેઠળ કેસ કર્યો હતો. જર્નલિસ્ટનો આરોપ છે કે સલમાને તેને માર માર્યો અને પછી ફોન ઝૂંટવી લીધો હતો. આ ઘટના બાદ અશોકે સલમાન વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી ના કરી હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

સલમાને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા
જર્નલિસ્ટ સાથેના આ કેસમાં હવે સલમાન ખાને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહી શકતો નથી. સલમાને ફિઝિકલ અપીરિયન્સથી બચવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં સલમાનના બૉડીગાર્ડનું નામ પણ સામેલ છે.