બોલિવૂડના લોકપ્રિય સિંગર કૃષ્ણકુમાર કુન્નથ એટલે કેકેનું માત્ર 53 વર્ષની ઉંમરમાં હાર્ટ-એટેકને કારણે કોલકાતામાં 31 મેના રોજ અવસાન થયું હતું. હાલમાં જ મ્યુઝિક કમ્પોઝર તથા સિંગર જીત ગાંગુલીએ તેમને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે હજી તેમણે બે દિવસ પહેલાં જ કેકે સાથે વાત કરી હતી. જીત ગાંગુલીએ કેકેની અંતિમ ક્ષણો અંગે પણ વાત કરી હતી.
હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ કેકેનું મોત થયું હતું
જીતે કહ્યું હતું કે તે પત્ની સાથે રેસ્ટોરાંમાં ડિનર પર ગયો હતો. આ સમયે તેને કેકે અંગે વાત જાણવા મળી હતી. તેણે તરત જ કેકેના મેનેજરને ફોન કર્યો હતો. તે ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. તે તરત જ દોડીને હોસ્પિટલ ગયો હતો. જોકે અહીં બધું જ પૂરું થઈ ગયું હતું.
હોસ્પિટલમાં શું થયું?
હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેકેને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનામાં કોઈ હલન-ચલન જોવા મળ્યું નહોતું. તેમના ધબકારા બંધ હતા. કેકેનો જ્યારે ECG રિપોર્ટ કાઢવામાં આવ્યો તો તેમનું મોત પહેલાં જ થઈ ચૂક્યું હતું.
જીતને કોન્સર્ટમાં ઇન્વાઇટ કર્યો હતો
જીતે વધુમાં કહ્યું હતું કે તેને હજી પણ વિશ્વાસ નથી. બે દિવસ પહેલાં જ કેકે સાથે વાત થઈ હતી અને કોલકાતામાં પર્ફોર્મ કરવા આવશે એમ કહ્યું હતું. કોન્સર્ટમાં આવવાનું કહ્યું હતું, પરંતુ તે બિઝી હોવાથી જઈ શક્યો નહોતો.
કોલકાતાથી મુંબઈ સાથે આવવાના હતા
જીતે આગળ વાત કરતાં કહ્યું હતું કે તે કોલકાતાથી મુંબઈ સાથે આવવાનો હતો. આ સમાચાર સાંભળ્યા પછી તેને ઘણું જ દુઃખ થયું હતું. આ કંઈ જવાની ઉંમર છે. તેઓ હજી માંડ 53ના જ હતા.
પગ ને હાથના મસલ્સમાં દુખાવો હતો
જીતે કેકેની અંતિમ ક્ષણો અંગે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે કેકેએ ડ્રાઇવરને કારનું એસી વધારવાનું કહ્યું હતું. ડ્રાઇવરે એવો જવાબ આપ્યો હતો કે એસી ચાલુ જ છે તો કેકેએ એમ કહ્યું હતું કે તેને બહુ જ ગરમી લાગે છે. તેના હાથ ને પગના મસલ્સમાં દુખાવો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.