5 દિવસમાં જેકલિનની બીજીવાર પૂછપરછ:મની લોન્ડરિંગ કેસમાં EOWએ ફરી બોલાવી, આ પહેલાં 8 કલાકમાં 100 સવાલ પૂછ્યા હતા

નવી દિલ્હી11 દિવસ પહેલા

200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આર્થિક ગુના શાખા (EOW)એ સોમવાર (19 સપ્ટેમ્બર)ના રોજ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવી છે. એક્ટ્રેસને 11 વાગે બોલાવી હતી, પરંતુ તે અઢી વાગ્યાની આસપાસ પૂછપરછ માટે આવી હતી.

14 સપ્ટેમ્બરના રોજ જેકલિનની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન 100 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા. EOWના જોઈન્ટ કમિશનર છાયા શર્મા તથા સ્પેશિયલ કમિશનર રવીન્દ્ર યાદવની ટીમના છ અધિકારી સવાલ પૂછશે.

જેકલિનના આ ત્રણ મહત્ત્વના સવાલ પુછાશે
1. જેકલિનના સુકેશ સાથે શું સંબંધો છે?
2. જેકલિનને મોંઘી ગિફ્ટ્સ કેમ મળી?
3. સુકેશને કેટલી મળી હતી અને ક્યારથી ઓળખે છે?

ગઈ વખતની પૂછપરછમાં જેકલિને શું કહ્યું?
જેકલિને અનેક સવાલોના જવાબ આપ્યા નહોતાઃ 14 સપ્ટેમ્બરે થયેલી પૂછપરછમાં ઠગ સુકેશની સાથીદાર પિંકી ઇરાનીને પણ બોલાવવામાં આવી હતી. અનેક સવાલોના બંનેમાંથી કોઈએ જવાબ આપ્યા નહોતાં.

સુકેશ સાથે રિલેશન હોવાની વાત સ્વીકારીઃ રિપોર્ટ્સ પ્રમાણે, જેકલિને સુકેશ સાથે સંબંધો હોવાની વાત સ્વીકારી હતી. તેને કરોડોની ગિફ્ટ્સ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગથી પ્રપોઝ કર્યું હતું.

EDનું સ્ટેન્ડઃ જેકલિન શરૂઆતથી જ બધું જાણતી હતી
જેકલિન તથા સુકેશની અનેક પ્રાઇવેટ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. ત્યાર બાદ EDએ જેકલિનની પૂછપરછ કરી હતી. EDએ કહ્યું હતું કે જેકલિનને પહેલેથી જ ખબર હતી કે સુકેશ ઠગ છે અને ખંડણી વસૂલે છે.

મોંઘી ગિફ્ટ્સ આપી હતી
પટિયાલા કોર્ટમાં 17 ઓગસ્ટના રોજ ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જેકલિને સુકેશ પાસેથી 5.71 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. EDએ એમ પણ કહ્યું હતું કે સુકેશ પાસેથી ગિફ્ટ લેવાના કેસમાં જેકલિન પોતાને વિક્ટિમ બતાવી રહી છે, જ્યારે તેને સુકેશના કામની ખબર હતી. EDએ જેકલિનને પણ સહઆરોપી ગણાવી છે. ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલિન જ નહીં, પરંતુ તેનાં ભાઈ-બહેનની ટ્રિપના પણ પૈસા આપ્યા હતા. ED પ્રમાણે, સુકેશે જેકલિનની બહેનને એક લાખ અમેરિકન ડૉલર (અંદાજે રૂ. 79,42,000) તથા ભાઈને 26,740 ઓસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે રૂ. 14,79,267) ગિફ્ટમાં આપ્યા હતા.

EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.

નોરાની છ કલાક પૂછપરછ થઈ હતી
જેકલિન બાદ નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. નોરાની પૂછપરછ છ કલાક કરવામાં આવી હતી. નોરાએ BMW ગિફ્ટમાં મળી હોવાની વાત સ્વીકારી હતી.

200 કરોડ ખંડણીનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ કેદ સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની હેરફેર ચેન્નઈની એક કંપની દ્વારા કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...