સુરેન્દ્ર રાજન પોતાની ફિલ્મ પણ જોતા નથી:ના લગ્ન કર્યા કે ના ઘર ખરીદ્યું, વધુ કમાણી થાય તો લોકોમાં વહેંચી દે છે

11 દિવસ પહેલા

બસ, રુલાયેગા ક્યા? કામ કરને દે...

'મુન્નાભાઈ MBBS'ના આ સીનમાં હોસ્પિટલમાં કચરો વાળતા મકસૂદભાઈ તથા તેમનો આ સંવાદ તો તમને યાદ જ હશે...

આ સુરેન્દ્ર રાજન છે. તેમને અનેક ફિલ્મમાં જોયા હશે અને તેમાંય ખાસ કરીને મહાત્મા ગાંધીના રોલમાં. બાપુના રોલ માટે સુરેન્દ્રથી સારો કોઈ કલાકાર નથી. કદ-કાઠી, ચહેરો અને ત્યાં સુધી કે અવાજ પણ થોડો થોડો ગાંધીજીને મળતો આવે છે. આ જ કારણે તેમણે 12થી વધુવાર મહાત્મા ગાંધીનો રોલ પ્લે કર્યો છે.

હવે સુરેન્દ્ર રાજન ફિલ્મમાં નાના-મોટા રોલમાં જોવા મળે છે, પરંતુ તે સારા કલાકાર અને સારી વ્યક્તિ છે. તેમને ફિલ્મ જોવી બિલકુલ પસંદ નથી. તે પોતાની પણ ફિલ્મ જોતા થી. 1970 પછી તેમણે માત્ર બે ફિલ્મ જોઈ હતી અને તે પણ લોકોએ જબરજસ્તી જોવડાવી હતી. તેમને સ્ટારડમ તથા બોલિવૂડની લૅવિશ લાઇફથી ચીડ છે. ફિલ્મમાં એટલા માટે કામ કરે છે, કારણ કે તેનાથી આખી દુનિયા ફરવાનો ખર્ચ નીકળી જાય છે.

સુરેન્દ્ર રાજન માત્ર એક એક્ટર નથી. દુનિયાની જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સમાં તેમનું નામ સામેલ છે. તેઓ વર્લ્ડક્લાસ પેઇન્ટર છે. મૂર્તિકળામાં પણ માહિર છે. તેઓ એક જગ્યાએ ટકતા નથી, ફરતા રહે છે. તેમણે પોતાના માટે કંઈ જ ભેગું કર્યું નથી. ના ઘર, ના કાર, ના કોઈ સુવિધા કે ના કોઈ સામાન. તેઓ બસ દુનિયા ફરે રાખે છે અને લોકોને મળે છે.

સુરેન્દ્ર રાજન થોડાં દિવસ પહેલા પોતાની એક ફિલ્મના શૂટિંગ અર્થે ભોપાલ આવ્યા હતા. ભાસ્કરે તેમની સાથે વાત કરી હતી.

આજની વણકહી વાર્તાઓમાં સુરેન્દ્ર રાજનની વાત....

દાદા પાસે બે ગામની જમીનદારી, હવેલીમાં અવર-જવર
હું સુરેન્દ્ર રાજન. જન્મ 1939માં મધ્યપ્રદેશના અજયગઢ, પન્ના જિલ્લામાં થયો. આ સમયે દેશ રજવાડા હતા અને અંગ્રેજોનું રાજ હતું. મારા દાદા અજયગઢના જમીનદાર હતા. તેમની પાસે બે ગામની જમીનદારી હતી. નાનપણ રાજા-મહારાજાઓને જોઈને પસાર થયું છે. તે સમયે અજયગઢના રાજા પુણ્યપ્રતાપ સિંહ મારા પિતાની નિકટ હતા. અમે તેમની હવેલીમાં જતા-આવતા હતા. રાજા કોલકાતામાં ભણ્યા હતા અને તેમની પાસે સાહિત્યને લગતું ઘણું જ નોલેજ હતું.

રાજા પાસેથી ફોટોગ્રાફી શીખી
તે સમયે ફોટોગ્રાફી બહુ અઘરી બાબત હતી. સામાન્ય જનતા માટે કાલ્પનિક બાબત હતી, પરંતુ રાજાની પાસે ફોટોગ્રાફી માટે કેમેરા, મ્યૂઝિક સિસ્ટમ તથા દરેક વસ્તુઓ હતી. રાજા જ્યારે પણ ફોટોગ્રાફી કરે તો મને શીખવતા હતા. ત્યાંથી જ હું ફોટોગ્રાફી શીખ્યો હતો.

દેશ આઝાદ થયો ત્યારે હું સ્કૂલમાં ભણતો હતો. તે સમયે રેડિયો માત્ર રાજાના મહેલમાં રહેતો અને અમારા ઘરમાં. જ્યારે દેશ આઝાદ થયો તો ગામના લોકોએ અમારા ઘરમાં ભેગા થઈને આઝાદી મળી હોવાના સમાચાર સાંભળ્યા હતા.

એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો, પરંતુ આર્ટ્સમાં રસ હતો
આઝાદી પછી દેશ પ્રગતિ કરતો હતો. સરકાર રાહ જોતી હતી કે ક્યારે એગ્રીકલ્ચર કોલેજમાંથી વિદ્યાર્થીઓ નીકળે અને નોકરી પર રાખીએ. આથી જ મારા પિતાએ રીવાની એગ્રીકલ્ચર કોલેજમાં એડમિશન કરાવ્યું. તે દિવસોમાં દિલ્હીમાં પ્રગતિ મેદાન બન્યું હતું. અહીંયા એગ્રીકલ્ચરનું પહેલું એક્ઝિબિશન તથા મેળો હતો. કોલેજ તરફથી મને ત્યાં મોકલવામાં આવ્યો હતો. અહીંયા મારી મુલાકાત વડાપ્રધાન પં. જવાહર નેહરુ સાથે થઈ હતી.

નાનપણથી મને સાયન્સ, આર્ટ્સમાં રસ હતો. હું ડ્રોઇંગમાં માહિર હતો, પરંતુ ક્યારેય તેને કરિયર બનાવવા અંગે વિચાર્યું નહોતું. તે સમયે આર્ટ્સને માત્ર હૉબી તરીકે જોવામાં આવતું. જ્યારે કોલેજના ફાઇનલ યરમાં હતો ત્યારે મેગેઝિનમાં એક ઇલેસ્ટ્રેટર છપાયું હતું, જેમાં હેનરી રુસો, જોન મેરો જેવા લોકપ્રિય પેઇન્ટર અંગે વાત કરવામાં આવી હતી. આર્ટ્સમાં રસ હતો અને આર્ટિકલ વાંચ્યા પછી મને આર્ટિસ્ટ બનવાનો વિચાર આવ્યો. પછી ધર્મયુદ્ધ મેગેઝિનમાંથી સુધીર રંજન અંગે જાણ થઈ. સુધીર રંજન પેઇન્ટર, મૂર્તિકાર તથા આર્ટ્સ કોલેજ, લખનઉમાં પ્રિન્સિપાલ હતા. પહેલી જ વર મને જાણ થઈ કે આર્ટ્સ કોલેજ જેવી કોઈ જગ્યા પણ હોય છે.

પિતા કળાની વિરુદ્ધ થયા તો જાતે એડમિશન લીધું
જ્યારે પિતાની સામે આર્ટ્સ કોલેજમાં એડમિશન લેવાની વાત કરી તો તેમને નવાઈ લાગી. તેમણે કહ્યું કે આપણે તો ક્લાર્ક, ટીચર ને ડૉક્ટર જોયા છે, આર્ટિસ્ટ એટલે શું? આ કોઈ કામ નથી. મને ખ્યાલ હતો કે પિતા માનશે નહીં. જાતે જ આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું. ત્યાં પૂછવામાં આવ્યું કે કયા સબ્જેક્ટમાં એડમિશન લેવું છે તો વધુ કંઈ ખબર નહોતી એટલે એમ કહ્યું કે ખાલી આર્ટ્સમાં.

જવાબ મળ્યો કે અહીંયા 10 અલગ અલગ સબ્જેક્ટ છે. તમારે શું શીખવું છે. પેઇન્ટિંગની માહિતી હતી તો મેં પેઇન્ટિંગ પસંદ કર્યું. જોકે, પછી પસ્તાવો થયો કે મારે સ્કલ્પચર લેવાની જરૂર હતી. આર્ટ્સ કોલેજમાં ભણતા સમયે અઢળક અવૉર્ડ મળ્યા. હું ટીચર્સનો ફેવરિટ વિદ્યાર્થી હતો. હું પેઇન્ટિંગ સબ્જેક્ટ ચેન્જ કરીને સ્કલ્પચરમાં જવા માગતો હતો, પરંતુ ટીચરે કહ્યું કે તારે કોલેજના દરેક સબ્જેક્ટ શીખવાની જરૂર છે અને તને દરેક ડિપાર્ટમેન્ટમાં ભણવાની પરમિશન છે.

લખનઉ છોડ્યા બાદ ક્યારેય એક જગ્યાએ રોકાયા નથી
અભ્યાસ પૂરો થયા બાદ હું લખનઉમાં રહેવા માગતો હતો, પરંતુ ટીચરે કહ્યું કે તું ઇન્ટરનેશનલ લેવલનો આર્ટિસ્ટ છે તો અહીંયા સમય બરબાદ કર્યા વગર દિલ્હી કે મુંબઈ જેવા મોટા શહેરમાં જવું જોઈએ. હું દિલ્હી આવ્યો. મિત્રની મદદથી રહેવાની જગ્યા મળી ગઈ. દિલ્હીમાં રહીને અનેક નેશનલ-ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં ભાગ લીધો. પેઇન્ટિંગમાં માહિર હતો, પરંતુ કળા વેચતા મને આવડતું નહોતું. મને તો માત્ર પેઇન્ટિંગ બનાવતા આવડતું, પરંતુ પછી ખબર પડી કે તેને વેચવાના પણ હોય.

1983ની આસપાસ જ્યારે લાગ્યું કે હું કળા વેચીને એક જગ્યાએ રહી શકીશ નહીં. મેં સામાન બાંધ્યો અને લખનઉ છોડી દીધું. એક ગાડી હતી, તેની બેક સીટ કાઢીને જે જગ્યા હતી ત્યાં સામાન મૂક્યો અને નીકળી પડ્યો. ત્યારથી લઈને આજ સુધી ક્યારેય એક જગ્યાએ રોકાયો નથી. દુનિયા જોવા માટે શહેર બદલ્યા, કામ પણ બદલ્યું. ક્યારેક સર્વાઇવલ માટે પૈસાની જરૂર પડી તો નાના-મોટા કામ કર્યું. ક્યારેક ખજુરાહો ઉત્સવમાં ડાન્સ કર્યો તો ક્યારેક બીજા કામો કર્યા.

એક્ટિવિસ્ટ અરુંધતિ રોયના માધ્યમથી એક્ટિંગ સાથે સંબંધ બંધાયો
બાંધવગઢ નેશનલ પાર્કમાં વાઇલ્ડ લાઇફ ફોટ્ગારફી કરતા સમયે એક્ટિવિસ્ટ અરુંધતિ રોયનો ફોન આવ્યો હતો. તે સમયે BBC લંડન તેમની વાર્તા પરથી એક અંગ્રેજી ફિલ્મ બનાવતું હતું. અરુંધતિએ મને જગદીશ જોનસનનો રોલ પ્લે કરવાનું કહ્યું. પહેલાં તો ના પાડી, પછી તેમણે જીદ કરી તો માની ગયો.

તે ફિલ્મ બની અને અનેક અવૉર્ડ મળ્યા. ન્યૂઝપેપરમાં છપાયું કે સુરેન્દ્ર પેઇન્ટર તથા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને સારો એક્ટર પણ છે. લોકો એકવાર સ્ક્રીન પર આવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરે છે તો હું મારી ફિલ્મથી ખાસ ખુશ નહોતો. મારા માટે આ એક સામાન્ય કામ હતું. એક મેગેઝિને મારી ક્લીન શૅવ તસવીર છાપી તો લોકોએ મારી તુલના ગાંધીજી સાથે કરી, કારણ કે મારો લુક ગાંધીજી સાથે ખૂબ મળતો આવતો હતો.

NSDમાં ફોટોગ્રાફીનો હેડ હતો, ત્યાંથી ફિલ્મી સફર શરૂ થઈ
હું એક સમયે NSD (નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા)માં ફોટોગ્રાફી ડિપાર્ટમેન્ટમાં હતો. મારો વામન કેન્દ્રે નામનો એક વિદ્યાર્થી હતો. તેને આઝાદીના 50 વર્ષ થયા ત્યારે લાઇવ શોનું અસાઇન્મેન્ટ મળ્યું હતું. તેને ગાંધી જેવા દેખાતા કલાકારની જરૂર હતી. ત્યારે તેને મારો વિચાર આવ્યો, પરંતુ કોઈની પાસે મારું એડ્રેસ નહોતું. દિલ્હીના NSDના વિદ્યાર્થીઓમાં એ વાત ફેલાવવામાં આવી કે જેને પણ સુરેન્દ્ર રાજન મળે, તે તેને મુંબઈ મોકલે. આ સમાચાર મળ્યા બાદ હું 15 દિવસ માટે મુંબઈ ગયો, પરંતુ એક પછી એક એટલું કામ મળ્યું કે 15 વર્ષ મુંબઈમાં રહેવું પડ્યું.

માત્ર સર્વાઇવલ માટે ફિલ્મમાં કામ કર્યું
મને ક્યારેય ફિલ્મમાં રસ નહોતો, પરંતુ કામ મળતા હતું તો સર્વાઇવલ માટે કરી લેતો. જે પૈસા મળતા, તેમાંથી દુનિયા ફરી લેતો. પછી મને ખ્યાલ આવ્યો કે પેઇન્ટિંગ, ફોટોગ્રાફી તથા સ્કલ્પચર માટે મારે સ્ટૂડિયો, જગ્યા, કેનવાસ તથા બહુ બધા સામાનની જરૂર પડતી હતી, પરંતુ એક્ટિંગમાં તમારે કંઈ જ કરવાનું હોતું નથી. કપડાં પણ સેટ પરથી જ મળતા અને કોઈ મહેનત કરવાની નહોતી. થોડા સમય બાદ મને લાગ્યું કે સર્વાઇવલ માટે આ સૌથી સરળ રીત છે. એક્ટિંગના માધ્યમથી જ હું અલગ અલગ શહેરોમાં ફરતો હતો.

ક્યારેય પોતાની ફિલ્મ જોઈ નથી, લોકોએ જબરજસ્તી 'મુન્નાભાઈ' બતાવી
સર્વાઇવલ માટે ફિલ્મમાં કામ કરવા લાગ્યો, પરંતુ ખાસ લગાવ નહોતો. ફિલ્મ સાઇન કરતા સમયે ક્યારેય નથી પૂછતો કે ફિલ્મનું નામ શું છે, કોણ કલાકાર છે. સેટ પર જતો અને મારો શોટ આપીને નીકળ જતો. મને લાગે છે કે પોતાને એક્ટિંગ કરતો જોઈને મને સંતોષ થશે નહીં.

1970 પછી માત્ર બે ફિલ્મ જોઈ
હું ફિલ્મ જોતો નથી. 1970 પછી માત્ર 2 ફિલ્મ જોઈ છે. પ્રોડક્શનના લોકોએ 'મુન્નાભાઈ MBBS' જબરજસ્તી બતાવી હતી. બીજી ફિલ્મ 'લીજેન્ડ ઑફ ભગતસિંહ' છે. આ ફિલ્મમાં મેં ગાંધીજીનો રોલ પ્લે કર્યો હતો.

ફિલ્મમાંથી વધુ કમાણી થાય તો વિદેશ જતો રહું
ઘણીવાર એવું થાય કે મારી પાસે વધુ પૈસા રહેતા અને મારી જરૂરિયાત ઓછી છે. જ્યારે કોઈ ફિલ્મમાં કામ કરવા બદલ વધુ પૈસા મળે તો મને ટેન્શન થઈ જાય કે હું વધેલા પૈસાનું શું કરું. ત્યારે હું પૈસા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દઉઁ અથવા તો વિદેશ ફરવા જાઉં.

પર્વતો પ્રત્યે પ્રેમ ને દુનિયા ફરવાનો શોખ
જીવનમાં કેટલાક નિયમો બનાવીને રાખ્યા છે, જેમ કે દર વર્ષે થોડો સમય કાઢીને હિમાલય જાઉં જ છું. મને પર્વતોથી પ્રેમ છે. થોડા વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે 75 વર્ષ પછી હિમાલય જઈને રહીશ. એકવાર એવું થયું કે ત્યાંનું તાપમાન અને વાતાવરણ મારા શરીરને અનુકૂળ ના આવ્યું અને હું પરત આવી ગયો. તબિયત ખરાબ થઈ તો સારવાર માટે દિલ્હી જવું પડ્યું. સારવાર પછી મુંબઈમાં એક ફિલ્મ મળી. એટલા પૈસા મળ્યાકે મોરેશિયસ ફરવા ગયો.

મોરેશિયસથી પરત આવવાનો વિચાર નહોતો
મારે મોરેશિયસમાં જ રહેવુ હતું. અહીંયા રહેવાનું પણ નક્કી કરી રાખ્યું હતું, પરંતુ એક ફિલ્મને કારણે ભારત આવવું પડ્યું અને પછી કોરોનાને કારણે રિટર્ન ટિકિટ હોવા છતાંય પાછો મોરેશિયસ જઈ શક્યો નહીં.

સાઉથમાં જ રહી ગયો
થોડાં સમય પહેલાં મારી સારવાર માટે સાઉથ ગયો હતો, ત્યાં એટલું સારું લાગ્યું કે ત્યાં જ રહેવાનં નક્કી કર્યું. અહીંયાનું વાતાવરણ, કલ્ચર તથા લોકો ઘણાં જ ગમ્યા. મને ત્યાંની ભાષા આવડતી નથી તો મગજ પર બહુ અસર થતી નથી, કારણ કે કોઈની વાત સાંભળીને તમે અશાંત થઈ જાવ છો, પણ જ્યારે તમને ભાષા જ ના આવડે તો મન શાંત જ રહે છે.

પૈસાની અછત નથી પણ ઘર ખરીદ્યું નથી
જ્યારે સુરેન્દ્રને ઘર-પરિવાર અંગે સવાલ કર્યો તો જવાબ મળ્યો, આ સંસાર જ મારું ઘર છે અને અહીંયા રહેતા લોકો મારો પરિવાર છે. જે શહેરમાં જઉં છું, ત્યાંના લોકો સાથે જોડાઈ જાઉં છું. ત્યાંના લોકો મારો પરિવાર બને છે, જેવી રીતે પક્ષીઓની કોઈ બોર્ડર હોતી નથી, તેવી જ રીતે હું કોઈ દેશ, રાજ્ય કે શહેરને અલગ સમજતો નથી. મને નવાઈ લાગે છે કે લોકો જાતિ, ધર્મ તથા દેશ અંગે વિચારે છે, પરંતુ હું આવું ક્યારેય વિચારતો નથી.

આગામી દિવસોમાં શું કરશો? જવાબમાં તેમણે કહ્યું કે થોડી ફિલ્મના શૂટિંગ કરીને કોઇમ્બ્તૂર પરત ફરીશ. અહીંયા ભાડેથી ઘર ખરીદ્યું છે. એકાંતમાં ઝાડ-વૃક્ષ સાથે રહીશ, પશુ-પક્ષીઓના અવાજ સાંભળીશ. મોટા શહેરમાં મને ગભરામણ થાય છે, કાન પણ મોટાભાગે બંધ રાખું છું. બની શકે કે થોડાં સમય બાદ હું જ્યાં ઓછા લોકો હોય ત્યાં જાઉં. જ્યાં સુધી મારા હાથ-પગ કામ કરે છે ત્યાં સુધી ફરીશ. મોબાઇલ પણ બંધ કરી દઈશ.

લૉકડાઉન ટાઇમ મારા માટે મુશ્કેલ હતો
સોનુ સૂદે લૉકડાઉનમાં મદદ કરી હતી. મારી પાસે પૈસા નહોતા એવું નહોતું, પરંતુ મુંબઈથી જવા માટે મારી પાસે કોઈ સાધન હોતું. હું શૂટિંગ અર્થે મુંબઈ આવ્યો હતો અને અહીંયા ફસાઈ ગયો. સોનુએ મને ટેક્સી કરી આપી અને પછી ફાર્મહાઉસમાં જઈને રહેવા લાગ્યો. સમાચાર મળતા રહેતા કે હજારો લોકો હજારો કિમી ચાલીને જાય છે, પગમાં ફોલ્લા પડે છે, મરી રહ્યા છે. મેં અનેક મિત્રો ગુમાવ્યા અને મને તેનો અફસોસ છે.

પૈસા કે નામ બનાવવું મારા માટે જરૂરી નથીઃ સુરેન્દ્ર
મેં એકવાર ગોપી ગજવાણીનું કાર્ટૂન જોયું હતું, તેમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડના ત્રણ વિનર બોક્સ હતા. ફર્સ્ટના કાણામાંથી એક ઉંદર તસવીર ક્લિક કરાવતો હતો. તેની સાથે લખ્યું હતું, જો તમે ઉંદર સાથેની રેસમાં ફર્સ્ટ આવી ગયા તો પણ તમે ઉંદર જ રહેશો. મને તે કાર્ટૂન ગમી ગયું. પૈસા કમાવવા, નામ કમાવવું મારા માટે જરૂરી નથી.

અન્ય સમાચારો પણ છે...