ITના રડાર પર બોલિવુડ:રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સહિત 4 કંપનીઓના અનેક ઠેકાણાંઓ પર દરોડા, સરકારનો વિરોધ કરનારા અનુરાગ કશ્યપ અને તાપસીની પુણેમાં પૂછપરછ

મુંબઈએક વર્ષ પહેલા
આવકવેરાના દરોડામાં હજી અન્ય બિગ સ્ટાર્સ તથા પ્રોડ્યુસર્સનાં નામ આવી શકે છે.
  • આવકવેરા વિભાગને શંકા છે કે મધુ મન્ટેનાની કંપનીમાં લેવડ-દેવડ અંગે કંઈક ઘાલમેલ થઈ છે

આવકવેરા વિભાગે બુધવારે ફિલ્મમેકર્સ અને એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. પ્રોડ્યુસર-ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, એક્ટ્રેસ તાપસી પન્નૂના ઘર અને ઓફિસ ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, Kwan ટેલેન્ટ હંટ કંપની અને એક્સીડ કંપનીના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા છે. રિપોટ્સ મુજબ, અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂની પુણેમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલો સમજો સવાલ-જવાબમાં

ક્યાં કેટલી જગ્યાએ દરોડા પડ્યા?
મુંબઈના લોખંડવાલા, અંધેરી, બાંદ્રા અને પુણેમાં બુધવારે સવારે 8થી 9 વચ્ચે રેડ શરૂ થઈ. લગભગ 30 જગ્યાઓ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તપાસ કરી. જેમાં અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂના મુંબઈ સ્થિત ઘર પણ સામેલ છે.

કઈ-કઈ હસ્તિઓ રડારમાં?
અનુરાગ અને તાપસી ઉપરાંત Kwan અને ફેન્ટમ ફિલ્મ્સના પાર્ટનર મધુ મંટેના અને ડાયરેક્ટર વિકાસ બહલના ઠેકાણાંઓ પર દરોડા પડ્યા છે. રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ ગ્રુપના CEO શિબાશીષ સરકારના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડાનું કારણ શું?
હજુ સુધી IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યા, પરંતુ ડિપાર્ટમેન્ટને ફેન્ટમ ફિલ્મ્સ કંપનીના કામકાજ અને લેવડદેવડમાં ગરબડીની શંકા છે. દરોડામાં મળેલા દસ્તાવેજ અને પુરાવાઓને આધારે તપાસનો વ્યાપ વધી શકે છે.

શું તમામ દરોડા એક-બીજા સાથે જોડાયેલા છે?
ફેન્ટમ ફિલ્મ્સ કંપનીને 2010માં અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના તથા વિકાસ બહલે લૉન્ચ કરી હતી. 2018માં વિકાસ બહલ પર યૌન શોષણનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને પછી આ કંપની બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ ચારેય પાર્ટનર અલગ થઈ ગયા છે. આ ચારેય પર આક્ષેપ છે કે તેમણે ફેન્ટમ ફિલ્મમાંથી થયેલી કમાણીની યોગ્ય માહિતી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપી નથી અને કમાણી ઓછી બતાવી છે.
બીજી શક્યતા એવી છે કે મંટેનાએ એક મહિના પહેલાં જ ફેન્ટમ ફિલ્મ્સમાં અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને વિક્રમાદિત્ય મોટવાણીની કુલ 37.5% હિસ્સો ખરીદી લીધો છે. 12.5% હિસ્સો તેમની પાસે પહેલેથી જ હતો. આ પ્રોડક્શન હાઉસમાં બાકી 50%ની ભાગીદારી અનિલ અંબાણી ગ્રુપના રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટની પાસે છે. એટલે કે દરોડા કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે.

અનુરાગ-તાપસી કેમ નિશાના પર?
અનુરાગ અને તાપસી દેશમાં ચાલી રહ્યાં મુદ્દાઓ પર નીડરતાથી પોતાની વાત રાખવા માટે જાણીતા છે.તાપસી કિસાન આંદોલનનું સમર્થન કરે છે. આ આંદોલન પર પોપ સ્ટાર રિહાનાએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી તો જવાબમાં બોલિવુડ અને ખેલ જગતની અનેક હસ્તિઓએ સરકારના પક્ષમાં ટ્વીટ કર્યા હતા. તાપસીએ આ સેલિબ્રિટિઝ વિરૂદ્ધ પોતાનું મંતવ્ય આપ્યું હતું. તો અનુરાગ કશ્યપ CAA જેવાં મુદ્દે મોદી સરકારને ઘેરી ચુક્યા છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે ઓશિવારાના વિન્ડર વેર અપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા છે. અહીં અનુરાગ કશ્યપનો ફ્લેટ છે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે ઓશિવારાના વિન્ડર વેર અપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા છે. અહીં અનુરાગ કશ્યપનો ફ્લેટ છે.

ફેન્ટ્મ ફિલ્મ્સે કઈ કઈ ફિલ્મો બનાવી છે?
ફેન્ટ્મ ફિલ્મ્સ કંપનીની પહેલી ફિલ્મ લુટેરા 2013માં આવી હતી. જે બાદ આ બેનર અંતર્ગત હંસી તો ફંસી, ક્વીન, અગલી, NH-10, હંટર, મુંબઈ વેલવેટ, મસાન, શાનદાર, ઉડતા પંજાબ, રમન રાઘવ-2, રોંગ સાઈડ રાજુ, મુક્કેબાજ, સુપર 30 અને ધૂમકેતુ જેવી ફિલ્મો બનાવી છે. ધૂમકેતુ 2020માં રિલીઝ થઈ હતી.

દરોડા પર શું રિએક્શન આવ્યાં છે?
મહારાષ્ટ્રની મહિલા તથા બાળ વિકાસ મંત્રી યશોમતી ઠાકુરે કહ્યું હતું, 'દેશમાં લોકતંત્ર રહ્યું જ નથી. કેન્દ્ર પોતાની એજન્સીઓનો ઉપયોગ લોકોને હેરાન કરવા માટે કરી રહી છે. કેન્દ્રની વિરોધમાં બોલવામાં આવે એટલે કલાકારોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.'

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અશોક ચવ્હાણે કહ્યું હતું, 'દરોડા કંઈ નવી વાત નથી. આજકાલ તો આ રોજનું થઈ ગયું છે. જે પણ કેન્દ્ર સરકારની વિરોધમાં બોલે છે, તેમના પર દબાણ બનાવવા માટે સરકાર આમ કરે છે. સરકાર આવા માધ્યમથી લોકોનો અવાજ બંધ કરવાનું કામ કરી રહી છે.'

અનુરાગ ફરી મુશ્કેલીમાં મુકાયો
અનુરાગ કશ્યપ પર આ પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે યૌનશોષણનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી હતી. મુંબઈ પોલીસે અનુરાગની પૂછપરછ પણ કરી હતી. અનુરાગે પોતાની પર કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પાયલ ઘોષ સમયાંતરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાને ન્યાય મળે એવી અપીલ કરતી હોય છે.

તાપસી એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે
તાપસી પન્નુ છેલ્લે 2020માં અનુભવ સિંહાની ફિલ્મ 'થપ્પડ'માં જોવા મળી હતી. તાપસી પન્નુ 'લૂપ લપેટા', 'રશ્મિ રોકેટ', 'હસીન દિલરૂબા', 'શાબાશ મિઠ્ઠુ' જેવી ફિલ્મમાં જોવા મળશે. હાલમાં જ 'સ્કેમ 1992' ફૅમ પ્રતીક ગાંધી સાથે તાપસી પન્નુ 'વો લડકી હૈ કહાં'માં જોવા મળશે.

'રશ્મિ રોકેટ'ના શૂટિંગ દરમિયાન તાપસી.
'રશ્મિ રોકેટ'ના શૂટિંગ દરમિયાન તાપસી.

તાપસી ફિલ્મ 'દોબારા'માં પણ કામ કરી રહી છે. આટલું જ નહીં, તાપસી તમિળ ફિલ્મ 'જન ગણ મન'માં પણ જોવા મળશે. તાપસીને ફીમેલ અક્ષય કુમાર કહેવામાં આવી રહી છે. તે એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...