સોનુની મુશ્કેલી વધી:ITનો દાવો- સોનુ સૂદે 20 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી, તેને વિદેશમાંથી ગેરકાયદે ફંડિંગ મળ્યું,ED પણ તપાસ શરૂ કરી શકે છે

4 મહિનો પહેલા
આવકવેરા વિભાગે નિવેદનમાં કહ્યું, અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં સર્ચ દરમિયાન કરચોરી સાથે સંબંધિત શંકાસ્પદ પુરાવા મળ્યા છે.
  • વિભાગનું કહેવું છે કે સોનુ સૂદ 20 કરોડથી વધુની ટેક્સ ચોરીમાં સંડોવાયેલો છે
  • સોનુ સૂદના ઘરે 15 સપ્ટેમ્બરના રોજ ITના દરોડા પડ્યા હતા
  • દરોડા બાદ એક્ટર અથવા તેની PR ટીમની તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની વિરુદ્ધ દરોડામાં આવકવેરા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. વિભાગનું કહેવું છે કે સોનુ સૂદ 20 કરોડથી વધુની ટેક્સ ચોરીમાં સંડોવાયેલો છે. આવકવેરા વિભાગે સતત ત્રણ દિવસ સુધી અભિનેતાના મુંબઈના ઘરે સર્વે કર્યો હતો. વિભાગે નિવેદનમાં કહ્યું કે, અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં તપાસ દરમિયાન કર ચોરી સાથે સંબંધિત શંકાસ્પદ પુરાવા મળ્યા છે.

વિભાગે કહ્યું કે, સૂદે વિદેશી ડોનર્સ પાસેથી 2.1 કરોડની નોન-પ્રોફિટ રકમ ભેગી કરી છે, જે આવા પ્રકારના લેવડદેવડને નિયંત્રિત કરતા કાયદાનું ઉલ્લંઘન છે. અત્યાર સુધીની તપાસમાં 20 એવી એન્ટ્રીઓ વિશે જાણવા મળ્યું છે, જેને આપનાર લોકોએ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. તેમણે રોકડ ચેક જાહેર કરવાની વાત પણ સ્વીકારી. CBDTના અનુસાર, મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત કુલ 28 જગ્યાએ દરોડા પાડ્યા છે.

કોરોનાકાળમાં ગરીબ અને મજૂરોની મદદ કરીને દુનિયાભરમાં ચર્ચામાં રહેલા અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. આવકવેરા વિભાગે તેના મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત 28 જગ્યાએ 3 દિવસની રેડ બાદ 20 કરોડની ટેક્સ ચોરીનો દાવો કર્યો છે. આ દરોડા બાદ એક્ટર અથવા તેની PR ટીમની તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું.

ITનો દાવો છે કે ,તપાસમાં બહાર આવ્યું છે કે સોનુ સૂદે વિદેશી ડોનર્સ પાસેથી 2.1 કરોડનું નોન-પ્રોફિટ ફંડિંગ ભેગું કર્યું છે, જે આ પ્રકારની લેવડદેવડને નિયંત્રિત કરતા કાયદાનું ઉલ્લંઘન છે.

લખનઉની એક કંપનીનાં 11 લોકર મળ્યાં
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને તેની ચેરિટી ટ્રસ્ટ પર ફોરેન કોન્ટ્રિબ્યુશન એક્ટના નિયમોનું ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. આવકવેરાના આ ખુલાસા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પણ આવનાર સમયમાં આ કેસમાં એન્ટ્રી થઈ શકે છે.

આવકવેરા વિભાગે જણાવ્યું છે કે લખનઉની એક ઈન્ફ્રા કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીમાં મુંબઈ બેસ્ડ એક્ટરની ભાગીદારી છે અને આ કંપનીએ મોટા પાયે ટેક્સ ચોરી કરી છે. કંપનીના દિલ્હી, જયપુર, લખનઉ અને ગુરુગ્રામ સ્થિતિ આવેલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન 1 કરોડ 3 લાખની રોકડ મળી આવી હતી. 11 લોકરો પણ મળી આવ્યા છે. આવકવેરા વિભાગને આ કંપનીના 175 કરોડ રૂપિયાની લેવડદેવડ પર પણ શંકા છે.

સૂદની ઘણી જગ્યાએથી ઘણા દસ્તાવેજો મળ્યા
IT વિભાગનો દાવો છે કે સોનુ સૂદ પોતાની આવકને લઈને જે જાણકારી આવકવેરા વિભાગને આપી રહ્યો છે તે શંકાના દાયરામાં છે. આવકવેરા વિભાગે સોનુ સૂદના ઠેકાણામાંથી એવા દસ્તાવેજો મળ્યા, જેનાથી જાણવા મળ્યું કે તેને મોટાપાયે ટેક્સ ચોરી કરી છે.

શેલ કંપનીઓ દ્વારા પૈસાની હેરાફેરી કરવાનો પ્રયાસ
સૂત્રોના અનુસાર, સોનુ સૂદને ફિલ્મ ઉદ્યોગમાંથી જે પૈસા મળતા હતા, તેમાંથી તે ઘણા પૈસા પોતાની આવકમાં ન બતાવીને નકલી કંપનીઓ દ્વારા અનસિક્યોર્ડ લોન બતાવી છે. આ શેલ કંપનીઓના કર્તાહર્તાથી પૂછપરછ કરવામાં આવી તો તેમને સોગંદનામા દ્વારા સ્વીકાર્યું કે તેઓએ સોનુ સૂદને બોગસ એન્ટ્રી આપી હતી. આવકવેરા વિભાગના દાવા અનુસાર, અત્યાર સુધી 20 કરોડ રૂપિયાથી વધારેની ટેક્સ ચોરી પકડાઈ છે.

ટ્રસ્ટના નામે 18.94 કરોડ રૂપિયા ભેગા કર્યા
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સોનુ સૂદે ચેરિટી ટ્રસ્ટ 2 જુલાઈ 2020ના રોજ બનાવ્યું હતું અને આ ટ્રસ્ટમાં 18 કરોડ 94 લાખ રૂપિયા આવ્યા હતા. તેમાંથી 1 કરોડ 90 લાખ રૂપિયા ધાર્મિક કામમાં ખર્ચ કરવામાં આવ્યા. જ્યારે 17 કરોડ રૂપિયા હજી પણ આ ટ્રસ્ટના ખાતામાં છે. આવકવેરા વિભાગના અનુસાર, આ ખાતાના દસ્તાવેજોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સોનુ સૂદના ચેરિટી ટ્રસ્ટને વિદેશમાંથી પણ 2 કરોડ 1 લાખ રૂપિયા મળ્યા છે.

ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં વધુ પુરાવા મળી શકે છે
આવકવેરા વિભાગના અનુસાર, દરોડા દરમિયાન જે દસ્તાવેજ તથા અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મળ્યા છે, તેની તપાસ ચાલુ છે. જો તેમાંથી કંઈક પુરાવા મળે છે તો અભિનેતાની મુશ્કેલી વધી શકે છે.

AAPના એક પ્રોજેક્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર છે સોનુ
27 ઓગસ્ટના રોજ દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંબંધિત પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થશે એવી અટકળો પણ ચાલી રહી હતી. જોકે, સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે AAP પાર્ટીની સાથે જોડાવાને કારણે સૂદને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

આરોપ છે કે સિંગાપોરમાં પણ એક ઓફિસ છે?
કોઈ ઓફિસ નથી. હજી છ મહિના પહેલાં સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરવામાં આવી છે તો બીજી ઓફિસ કેવી રીતે શરૂ કરીશું. દુબઈમાં એક મેનેજર રહે છે. ઓફિસ તો મુંબઈમાં જ છે. સંસ્થાએ કેટલા લોકોને અત્યાર સુધી મદદ કરી, તેની ગણતરી કરવા બેસીએ તો 25 દિવસ થશે.

બધું જ વ્યવસ્થિત છે તો દરોડા કે સર્વે કેમ? વિદેશમાંથી લોકોને દેશમાં લાવ્યા તેના પૈસા ક્યાંથી આવ્યા હતા?
મારા મતે, તે લોકો કંટાળી ગયા હતા. તો તેમણે વિચાર્યું કે ચલો જરા ધમાકેદાર રીતે સોનુ સૂદને મળીએ. દરેક જગ્યાએ ફંડિંગ નથી. ઘણી જગ્યાએ અમને વિમાન કંપનીઓએ મદદ કરી છે. સામાન્ય રીતે જે ટિકિટ 45 હજાર રૂપિયાની હતી, તેના અમારી પાસેથી 30 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. વિદેશથી જેટલા પણ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા, તેમાં અમે ક્યાંય કહ્યું નથી કે અમે રકમ ચૂકવી છે. અમે માત્ર એટલું જ કહ્યું કે વ્યવસ્થા કરી આપી છે. તમામ દસ્તાવેજો અમારી પાસે છે. રહી વાત રેમડિસિવર ઇન્જેક્શનની તો તેમાં વિવિધ રાજ્યોએ મદદ કરી હતી. હોસ્પિટલ સાથે ટાઇ-અપ હતું. માર્કેટ રેટ પર દસ લાખની સર્જરી ફાઉન્ડેશને દોઢ લાખમાં કરી આપી હતી.

સોનુ સૂદ પદ્મશ્રી અવોર્ડ લેવા માગતો હતો?
ના, ના, ના, બિલકુલ નહીં. અમારો કોઈ પોલિટિકલ એજન્ડા નથી. સોનુએ ક્યારેય પોતાને આવા અવોર્ડ માટે નોમિનેટ કર્યો નથી. સાચું કહું તો પદ્મશ્રી અવોર્ડની ઑફર આવી હતી, પરંતુ સોનુએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. સોનુને ક્યારેય ભાજપ તરફથી અવોર્ડની ઈચ્છા નહોતી. કોરોનાકાળમાં સોનુએ કોઈ પ્રકારના અવોર્ડની ઈચ્છાને કારણે મદદ કરી નહોતી. તેણે બદલામાં કંઈ જ જોઈતું નથી.

પ્રેસ કોન્ફરન્સ થાય તેવી શક્યતા
કહેવાય છે કે આજે (17 સપ્ટેમ્બર) કાર્યવાહી પૂરી થઈ શકે છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી જાહેર કરી શકે છે. ટીમે સોનુની અકાઉન્ટ બુક, આવક, ખર્ચ તથા ફાઇનાન્શિયલ રેકોર્ડ્સની તપાસ કરી છે. ગુરુવાર, 16 સપ્ટેમ્બરના રોજ નાનકડા બ્રેક બાદથી ટીમ સતત મુંબઈ તથા લખનઉની જગ્યા પર તપાસમાં વ્યસ્ત છે.