વિદ્યા બાલન એ પ્રતિભાનું પાવરહાઉસ છે અને તેનું પ્રતિબિંબ તેણે અત્યાર સુધીમાં જે પ્રકારની ફિલ્મો કરી છે, તેમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે મજબૂત સ્ત્રી પાત્રોનાં કેરેક્ટર ભજવતી નજરે પડી છે. 43-વર્ષીય વિદ્યા તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘નીયત’નું શેડ્યૂલ પૂર્ણ કરીને લંડનથી પરત ફરી છે, ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેનાં ચાહકો સાથે આનંદ અને હળવાશથી વાર્તાલાપ કરતી જોવા મળી હતી. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનિથિંગ' સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણીએ પોતાનાં ચાહકો સાથે ભરપૂર ગપસપ કરી અને તેમનાં અટપટાં પ્રશ્નોનાં જવાબો પણ આપ્યાં.
આ સેશનમાં જે ટોપિક સૌથી વધુ ચર્ચાયો હતો તે છે ‘વુમન, વર્ક અને વુમન એટ વર્ક.’આ સેશનમાં એક ચાહકે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું, કે‘વુમન કાન્ટ ડુ થીંગ્સ એટલે કે સ્ત્રીઓ કંઈ જ કરી શકતી નથી’ આ સ્ટેટમેન્ટનો એકદમ મજાકિયા અંદાજમાં જવાબ આપતાં તે બોલી,‘પૂછો છો કે કહો છો?’ બીજાં એક ચાહકે એવું પૂછ્યું, કે‘લગ્ન પછી વર્કિંગ લાઈફમાં કેવા બદલાવ આવે છે?’ તેની પાસે આ સવાલનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ જવાબ હતો! તેણે લખ્યું, ‘પહેલાં ફક્ત ‘હું કામ કરતી હતી’અને હવે ‘અમે કામ કરીએ છીએ’ બસ આટલો જ ફરક છે. એક ચાહકે એવું પણ પૂછ્યું, કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને શા માટે ઓછો પગાર આપવામાં આવે છે. તેણીએ જવાબ આપ્યો, ‘ઈસ સવાલ કાં જવાબ મુજે ભી ચાહિયે.’
તેણે તેનાં જવાબો દ્વારા 'સ્ત્રીઓ' વિશે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું, કે ‘શું પતિ પર આર્થિક રીતે નિર્ભર રહેવું ખોટું છે?’ ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘ના, બિલકુલ નહીં, તે તેની પસંદગી છે, પરંતુ મને વ્યક્તિગત રૂપે લાગે છે કે કોફીનો સ્વાદ ત્યારે વધુ સારો લાગે છે જ્યારે તેનાં પૈસાં તમે ચૂકવો છો.’ એક ચાહકે તેને એવો પણ પ્રશ્ન કર્યો હતો, કે ‘કંપનીનાં મોટાભાગનાં CEO શા માટે પુરૂષ છે?’ તેનો જવાબ આપતાં અભિનેત્રીએ કહ્યું, ‘મને લાગે છે કારણ કે મહિલાઓ વર્કફોર્સમાં મોડેથી પ્રવેશે છે.’ વાતો-વાતોમાં વિદ્યાએ તેનાં નિર્માતા-પતિ સિદ્ધાર્થ રોય કપૂર ઘરનાં કામમાં કેવી રીતે મદદ કરે છે? તે અંગેનાં કેટલાક રહસ્યો અંગે પણ ચર્ચા કરી હતી.
સ્ત્રીઓએ પોતાને પ્રાથમિકતા આપવાનાં દોષ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ? તેનાં પર થોડો પ્રકાશ પાડતાં, વિદ્યા બાલને સમજાવ્યું, કે તે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. અભિનેત્રીએ કહ્યું, કે ‘તે પોતાની જાતને યાદ કરાવતી રહે છે, હમ એક બાર જીતે હૈં, એક બાર મરતે હૈં, એટલે કાં તો અત્યારે અથવા તો પછી કયારેય નહિ’આ પ્રશ્નો ઉપરાંત વિદ્યા બાલને એ હકીકત પર પણ ભાર મૂક્યો, કે ગૃહિણી બનવું એ કંઈ ખોટું નથી પણ શરત ફક્ત એક જ કે તે નિર્ણય મહિલાનો પોતાનો હોવો જોઈએ. વિદ્યા બાલન તેના મજેદાર જવાબો માટે જાણીતી છે અને આ સેશનમાં તે જોવા મળ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.