બોલિવૂડમાં હંમેશાંથી સ્ટાર કિડ્સ તથા નેપોટિઝ્મ અંગે ચર્ચા ચાલતી હોય છે. હંમેશાં એમ કહેવામાં આવે છે કે સ્ટાર કિડ્સને સરળતાથી ફિલ્મમાં બ્રેક મળી જાય છે. તેમણે ઓડિશન આપવા પડતા નથી અને કોઈ ફિલ્મમેકર કે પ્રોડ્યૂસરની ઓફિસના ચક્કર કાપવા પડતા નથી, પરંતુ સ્વ. ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાન સાથે આવું નથી. બાબિલ બોલિવૂડમાં 'કલા'થી ડેબ્યૂ કરી રહ્યો છે. સ્ટાર કિડ હોવા છતાં બાબિલે ફિલ્મ માટે ઓડિશન આપવા પડે છે.
અન્ય સ્ટાર કિડ્સ ફિલ્મમાં ડેબ્યૂ કરે તે પહેલાં જ લાઇમલાઇટમાં આવી જતા હોય છે અને ટ્રોલ્સના નિશાને હોય છે. બાબિલ ખાન આ બધાથી દૂર છે. બાબિલે આ બધાનું શ્રેય પિતા ઈરફાનને આપ્યું છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં બાબિલે કહ્યું હતું કે બાબા ઈરફાનની વિશ્વસનીયતા તથા લોકો સાથેના કનેક્શનને કારણે આમ થઈ શક્યું.
ઓડિશન આપે છે
બાબિલ ખાને કહ્યું હતું કે તેને પિતાની એક્ટિંગ વારસામાં મળી છે. તે પોતાના ખભા પર પિતાની લેગેસીનો ભાર અનુભવે છે. તે પુષ્કળ ઓડિશન આપે છે અને રિજેક્ટ પણ થાય છે. બાબિલને આમાં પિતાના નામનો કોઈ ફાયદો મળતો નથી.
બાબિલે વધુમાં કહ્યું હતું કે બાબાનું બધું જ કામ લોકોની સાથેના કનેક્શનની આસપાસ રહેતું. તેમણે અવૉર્ડની ક્યારેય પરવા ના કરી અને ના એ વાતની ચિંતા વ્યક્ત કરી કે ફિલ્મને કોણ ડિરેક્ટ કરે છે અને કોણ પ્રોડ્યૂસ કરે છે. તેમને બસ એટલી જ ખબર હતી કે તેમણે આ પાત્ર ભજવવાનું છે અને તે સામાન્ય લોકોના જીવનમાંથી પ્રેરિત થઈને રોલ પ્લે કરતા હતા. તેમની આ બાબતો તેનામાં પણ છે.
માતા ક્યારેય ફોન કરીને કામ અપાવવાનું નહીં કહે
બાબિલે કહ્યું હતું કે કામ મેળવવા માટે પિતાના નામનો ઉપયોગ કરવો તેના સિદ્ધાંતની વિરુદ્ધમાં છે. તેને નથી લાગતું કે તેની માતા ક્યારેક એક ફોન કરીને તેના માટે ફેવર માગશે. તેણે ઓડિશન આપવા પડશે, નહીંતર તેને ઘરમાં માર પડશે. આ તેમના સંસ્કાર છે અને તેને તોડવા અશક્ય છે. તે હજી પણ ઓડિશન આપે છે અને અનેકવાર રિજેક્ટ થઈ ચૂક્યો છે. જો આજે પણ તે કોઈ ઓડિશનમાં જો તે પાસ ના જાય તો માતા ગુસ્સે થઈ જાય છે, પરંતુ તે ક્યારેય કોઈને ફોન કરીને એમ નહીં કે આને લઈ લો. તેને લાગે છે કે લોકો આ વાતને સમજે છે.
2 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
બાબિલ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કલા' 2 ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ત્યારબાદ તે વેબ સિરીઝ 'ધ રેલવે મેન'માં જોવા મળશે. નોંધનીય છે કે ઈરફાન ખાનને 2018માં રેર ગણાતી બીમારી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયું હતું. તેની સારવાર લંડનમાં કરાવી હતી. ઈરફાન ખાનને કોલન ઈન્ફેક્શન (પાચનનો એક જાતનો રોગ) થયું હતું અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. અહીંયા જ તેમણે 29 એપ્રિલ, 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.