ઇન્કમ ટેક્સના દરોડા ચાલુ:એક્ટરની ઓફિસ-હોટલ સહિત 6 જગ્યાએ ફરીથી તપાસ શરૂ થઈ, આ પહેલાં 20 કલાક સુધી ફાઇનાન્શિયલ રેકોર્ડની તપાસ કરવામાં આવી

3 મહિનો પહેલા
  • IT અધિકારીઓએ અભિનેતાના ઘરે હાજર તેના પરિવાર અને સ્ટાફના લોકો સાથે પણ પૂછપરછ કરી
  • અકાઉન્ટ બુકમાં ગડબડ કરી હોવાના આરોપો બાદ પ્રોપ્રર્ટી સર્વે કર્યો

અભિનેતા સોનુ સૂદ પર ઈન્કમ ટેક્સની કાર્યવાહી ગુરુવારે સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. બુધવાર સાંજથી ગુરુવાર સવાર સુધી આ સ્થળોએ ITની ટીમો સતત 20 કલાક સુધી અકાઉન્ટ બુક્સ, ઈન્કમ, ખર્ચ અને ફાઈનાન્શિયલ રેકોર્ડ્સની તપાસ કરી હતી. ગુરુવારે સવારે એક નાનકડા બ્રેક બાદ ટીમે ફરીથી રેકોર્ડની તપાસ શરૂ કરી દીધી.

સ્ટાફ અને પરિવારની પૂછપરછ કરવામાં આવી
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અભિનેતાના ઘરે હાજર તેના પરિવાર અને સ્ટાફના લોકો સાથે પણ પૂછપરછ કરી છે. અભિનેતાના ઘરેથી અધિકારીઓ અમુક ફાઈલ અને દસ્તાવેજ પણ પોતાની સાથે લઈ ગયા છે. કોરોનાકાળમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરી. તેનું એક NGO પણ ચાલી રહ્યું છે, જેનું નામ 'સૂદ ચેરિટી ફાઉન્ડેશન' છે. આ NGO હેલ્થકેર, એજ્યુકેશન, નોકરી અને ટેક્નિકી એડવાન્સમેન્ટ પર કામ કરે છે. IT અધિકારીઓએ અહીં આવીને પણ તપાસ કરી છે. જાણકારીના અનુસાર, આવકવેરા વિભાગ એક રિયલ એસ્ટેટ સોદાની તપાસ કરી રહી છે.

થોડા દિવસ પહેલાં દિલ્હી સરકારે બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યો હતો
27 ઓગસ્ટના રોજ દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંબંધિત પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થશે એવી અટકળો પણ ચાલી રહી હતી, જોકે સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે AAP પાર્ટીની સાથે જોડાવવાને કારણે સૂદને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું
આ રેડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે સત્યના માર્ગમાં લાખો મુશ્કેલીઓ આવે છે, પરંતુ જીત હંમેશાં સત્યની જ થાય છે. સોનુ સૂદજીની સાથે ભારતના તે લાખો પરિવારોની પ્રાર્થના છે, જેમને મુશ્કેલ સમયમાં સોનુજીનો સાથ મળ્યો હતો.

આમ આદમી પાર્ટી નેતા આતિશીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને આવકવેરા વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યો. આતિશીએ કહ્યું, સોનુ સૂદ એવી વ્યક્તિ છે જે ન માત્ર બોલિવૂડનો ફિલ્મસ્ટાર છે, પરંતુ એક સોશિયલ વર્કર અને જનતાની મદદ કરનારી વ્યક્તિ છે, જેણે કોવિડ દરમિયાન લોકોને રેશન પહોંચાડ્યું. લોકોની મદદ કરી. આ ઘણી દુઃખદ વાત છે કે ભાજપની સરકાર તેને ડરાવવા માટે એક IT રેડ કરાવે છે અને તેઓ તેને સર્વે કહે છે.

સંયુક્ત રાષ્ટ્રે સોનુનું સન્માન કર્યું હતું
48 વર્ષના સોનુ હિન્દી, તેલુગુ, કન્નડ, અને તમિળ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તે એક પિરિયડ ડ્રામા પૃથ્વીરાજમાં જોવા મળશે. એ ઉપરાંત તે તેલુગુ એક્શન-ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે. સપ્ટેમ્બર 2020માં સૂદને કોરોના મહામારી દરમિયાન તેનાં માનવીય કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)એ 2020 SDG સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન અવોર્ડ આપ્યો હતો. અત્યારે તે દેશના દરેક ખાસ સામાન્ય વ્યક્તિની મદદ માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે.