સલમાને કહ્યું, મને ધમકી મળી નથી:બાંદ્રા પોલીસને જણાવ્યું, મારો કોઈ દુશ્મન નથી, ગોલ્ડી કે લોરેન્સને ઓળખતો નથી

મુંબઈ23 દિવસ પહેલા

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ બાબતમાં મુંબઈ પોલીસે અજાણી વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે. હવે આ કેસમાં પોલીસે સલમાનનું નિવેદન પણ લીધું છે. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસને આપેલા નિવેદનમાં સલમાને ધમકી મળી હોવાની વાતની ના પાડી હતી. તેણે કહ્યું હતું, 'મારી કોઈની સાથે દુશ્મની નથી અને મને કોઈએ ધમકી આપી નથી.'

બાંદ્રા પોલીસને નિવેદન આપીને સલમાન ખાન અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ જતો રહ્યો હતો. અહીંયા તે 25 દિવસ શૂટિંગ કરશે. સલમાન હૈદરાબાદ આવે તે પહેલાં બૉડીગાર્ડ શેરા અને તેની ટીમ પહેલાં પહોંચી ગઈ હતી.

2-3-4 જૂન સલમાન ખાન IIFA અવોર્ડ માટે અબુ ધાબી ગયો હતો.
2-3-4 જૂન સલમાન ખાન IIFA અવોર્ડ માટે અબુ ધાબી ગયો હતો.

મને કોઈનો ફોન આવ્યો નથી
રિપોર્ટ પ્રમાણે, બાંદ્રા પોલીસે સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ તથા લોરેન્સ બિશ્નોઈ અંગે સવાલ કર્યા હતાં. સલમાને કહ્યું હતું કે ધમકીભર્યા પત્ર અંગે તેને કોઈની પર શંકા નથી. આજકાલ તેની કોઈની સાથે દુશ્મની નથી. લોરેન્સ અંગે 2018માં સાંભળ્યું હતું, કારણ કે તે સમયે તેણે ધમકી આપી હતી. જોકે, તે ગોલ્ડી અને લોરેન્સને ઓળખતો નથી.

ધમકી અંગે વાત કરતાં પોલીસને જણાવ્યું હતું કે હાલમાં તેનો કોઈની સાથે ઝઘડો થયો નથી અને બોલાચાલી પણ થઈ નથી. તેને ધમકીભર્યો મેસેજ કે ફોન આવ્યો નથી. પત્ર પણ તેને નહીં, પરંતુ તેના પિતાને મળ્યો હતો. તેના પિતા મોર્નિંગ વૉક પર ગયા ત્યારે પત્ર મળ્યો હતો.

નિવેદન આપીને સલમાન હૈદરાબાદ ગયો હતો.
નિવેદન આપીને સલમાન હૈદરાબાદ ગયો હતો.

પોલીસે તપાસ ઝડપી બનાવી
મુંબઈ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. 8 ટીમ તપાસ કરી રહી છે. બાંદ્રા વિસ્તારના 200 CCTV ફુટેજની તપાસ કર્યા બાદ કેટલાંક શંકાસ્પદોની જાણ થઈ છે, પરંતુ પોલીસે એકની પણ ધરપકડ કરી નથી.

ક્રાઇમ બ્રાંચે સલમાનના ઘરે જઈને એક્ટર, સલીમ ખાન તથા સિક્યોરિટી સ્ટાફનું નિવેદન લીધું હતું.
ક્રાઇમ બ્રાંચે સલમાનના ઘરે જઈને એક્ટર, સલીમ ખાન તથા સિક્યોરિટી સ્ટાફનું નિવેદન લીધું હતું.

પત્ર અંગે પોલીસ મૂંઝવણમાં
મુંબઈ પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે સલમાનને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રના અંતે GB તથા LB લખ્યું હતું. આનો અર્થ ગોલ્ડી બરાડ તથા લોરેન્સ બિશ્નોઈ થઈ શકે છે. જોકે, આ પત્ર બિશ્નોઈ ગેંગે જ આપ્યો છે કે પછી કોઈએ મજાક કરી છે તે વાત હજી સુધી પોલીસ સ્પષ્ટ કરી શકી નથી.

ધમકીની વચ્ચે સલમાનના ચાહકે સ્કેચ બનાવીને એક્ટરની સુરક્ષાની માગણી કરી છે.
ધમકીની વચ્ચે સલમાનના ચાહકે સ્કેચ બનાવીને એક્ટરની સુરક્ષાની માગણી કરી છે.

શું હતું ધમકીભર્યા પત્રમાં?
રવિવાર, પાંચ જૂનના રોજ સવારે સલમાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. વૉક બાદ સલીમ ખાન જે જગ્યા પર બેસે છે, ત્યાંથી ગાર્ડને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું, 'સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધૂ મૂસેવાલા જેવી થશે.' પોલીસે ભારતીય બંધારણની કલમ 506 હેઠળ કેસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામેલ હોવાની વાત સામે આવી છે. કાળિયાર હરણ કેસ બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.