એક્ટરનો ઓપન લેટર:હૃતિક રોશને શાહરુખના દીકરા આર્યનનો સપોર્ટ કરીને કહ્યું, 'ભૂલ, નિષ્ફળતા અને સફળતા...'

મુંબઈ2 મહિનો પહેલા
  • હૃતિક રોશને સો.મીડિયામાં પ્રેમભર્યો પત્ર શૅર કર્યો

શાહરુખના દીકરા આર્યનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. શરૂઆતમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા અને પછી 7 ઓક્ટોબર સુધી રિમાન્ડ આપ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સે શાહરુખ ખાનની આ મુશ્કેલ ઘડીમાં સપોર્ટ કર્યો છે. હવે હૃતિક રોશને સો.મીડિયામાં આર્યનના નામે ઓપન લેટર લખ્યો છે.

શું લખ્યું છે હૃતિકે?
'મારા પ્રિય આર્યન, જીવનની સફર ઘણી જ વિચિત્ર છે. આ ઘણું જ સારું છે, કારણ કે આ અનિશ્ચિત છે. આ એટલા માટે પણ સારું છે, કારણ કે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ આવે છે, પરંતુ ભગવાન દયાળુ છે. તે માત્ર સ્ટ્રોંગ લોકોને જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે. જ્યારે તમે ઊથલપાથલમાં પોતાની જાતને સંભાળવા માટે પ્રેશર અનુભવો છો ત્યારે તમને પસંદ કર્યા એ વાતની તમને જાણ થાય છે.'

'મને ખ્યાલ છે કે તું આ સમયે આ ફીલ કરતો હોઈશ. ગુસ્સો, કન્ફ્યુઝન, લાચારી. આ તમામ બાબતો તારી અંદરના હીરોને બહાર આવવા માટે જરૂરી છે. જોકે સાવચેત રહેજે, આ વસ્તુઓ તારી સારપ, તારાં દયાળુ, કરુણા, પ્રેમને નષ્ટ પણ કરી શકે છે. જાતને તપાવો...પરંતુ એક હદ સુધી. જો તને એ ખ્યાલ હોય કે કયા હિસ્સાને પોતાની સાથે રાખવો છે અને કયા હિસ્સાને અનુભવમાંથી બહાર કાઢવાનો છે તો ભૂલો, પડવું, જીત, નિષ્ફળતા, સફળતા આ બધું સમાન છે.'

'યાદ રાખજે કે આ તમામ બાબતો તને સારી વ્યક્તિ બનાવી શકે છે. હું તને નાનપણથી ઓળખું છું અને તું મારી નજરની સામે જ મોટો થયો છે. આનો સ્વીકાર કર. જે પણ અનુભવ છે એનો સ્વીકાર કર. આ તારા માટે ભેટ સ્વરૂપ છે. વિશ્વાસ કર, સમયની સાથે જ્યારે તું આ બધી બાબતોને જોડીને જોઈશ...હું વચન આપું છું કે તને આ બધું જ સમજાઈ જશે. બસ, શરત એટલી જ કે તું શેતાનની આંખોમાં આંખો નાખીને જો અને શાંત રહે. જો તું શાંત રહી શક્યો તો તું બધું જ સમજી જઈશ. ધ્યાન આપ, આ ક્ષણ તારી આવતીકાલ બનશે અને આવતીકાલ એક તપતા સૂરજની જેમ ચમકી રહી છે, પરંતુ આ માટે તારે અંધકારમાંથી પસાર થવું પડશે. શાંત, સ્થિર અને પોતાની જાતને સંભાળો, પ્રકાશ પર વિશ્વાસ કર, આ તારી અંદર છે તથા હંમેશાં તારી અંદર રહેશે. લવ યુ મેન.'

બોલિવૂડ સેલેબ્સે શાહરુખનો સપોર્ટ કર્યો
પૂજા ભટ્ટથી લઈ સુનીલ શેટ્ટી સહિતના સેલેબ્સે શાહરુખને સાથ આપ્યો છે. આર્યનની ધરપકડ થઈ એ દિવસે સલમાન મળવા આવ્યો હતો. ત્યાર બાદ સલમાનની બહેન અલીવરા, ભાભી સીમા ખાન આવ્યાં હતાં. કાજોલ, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માએ ફોન પર શાહરુખ સાથે વાત કરી છે. આર્યનની ધરપકડ બાદ સૌ પહેલા સલમાન ખાન શાહરુખના બંગલે આવ્યો હતો. ત્યાર બાદ સલમાનની બહેન અલવીરા, ભાભી સીમા ખાન પણ આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...