કન્ફર્મ:સિદ્ધાર્થ આનંદની 'ફાઈટર'માં પહેલી જ વાર રીતિક રોશન-દીપિકા પાદુકોણ કામ કરશે

મુંબઈએક વર્ષ પહેલા

'વૉર' તથા 'બેંગ બેંગ' ફૅમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ 'ફાઈટર'માં રીતિક રોશન તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે કામ કરશે. રીતિકના 47મા જન્મદિવસ પર આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને ફિલ્મનો અનાઉન્સમેન્ટ વીડિયો પણ શૅર કરવામાં આવ્યો હતો.

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
રિલીઝ કરેલાં વીડિયોમાં રીતિક રોશનનો વોઈસ ઓવર સાંભળવા મળે છે, 'દુનિયા મેં મિલ જાયેંગે આશિક કઈ, પર વતન સે હસીન સનમ નહીં હોતા. હીરો મેં સિમટ કર, સોને સે લિપટ કર મરતે હૈ કઈ, પર તિરંગે સે ખૂબસુરત કફન નહીં હોતા.' આ ફિલ્મ આવતા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મથી સિદ્ધાર્થ આનંદ પ્રોડ્યૂસર બની રહ્યો છે.

રીતિકે ઈમોશનલ નોટ શૅર કરી
રીતિકે ફિલ્મનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'એક એક્ટર તરીકે મમતા તથા સિદ આનંદના પહેલાં પ્રોડક્શન 'ફાઈટર'ની સાથે કામ કરવું અને ફિલ્મનો હિસ્સો બનવું મારા માટે ગર્વની લાગણી છે. આ બહુ જ ખાસ છે. કારણ કે એક ડિરેક્ટર તથા મિત્રની સાથે મારા સંબંધો વધુ ગાઢ બન્યા છે. તેમની સફર મારા સેટ પર AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે થઈ હતી અને પછી મને 'બેંગ બેંગ' તથા 'વૉર'માં મને ડિરેક્ટ કર્યો હતો. હવે તેઓ 'ફાઈટર' માટે પ્રોડ્યૂસર બન્યા છે. હું ફિલ્મ અંગે ઘણો જ ઉત્સુક છું. આભાર સિદ, મારી પર વિશ્વાસ કરવા માટે અને મને ફરીથી તમારી યાત્રામાં સહ-યાત્રી બનાવવા માટે.'

પ્રોડ્યૂસર-ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું, 'રીતિક રોશન તથા દીપિકાને એક સાથે લાવવા મારા માટે સૌથી રોમાંચક ક્ષણ છે. મેં ભારતમાં એક્શન ફિલ્મ બનાવવા માટે મારફ્લિક્સની સફર શરૂ કરી છે. મારી જીવનસાથી મમતા આનંદ સાથે આ સફર શરૂ કરી છે. રીતિકની સાથે મારફ્લિક્સ શરૂ કરવું ખાસ છે. તેમણે મને AD તરીકે જોયો હતો અને પછી બે ફિલ્મના ડિરેક્ટર તરીકે. હવે હું માત્ર ડિરેક્ટર જ નથી, પરંતુ પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. મારફ્લિક્સને મારી દૃષ્ટિએ ભારતમાં એક્શન ફિલ્મ પ્રોડક્શન હાઉસ તરીકે સ્થાપિત કરવું છે. જો ભારતમાં એક્શન ફિલ્મની વાત કરવામાં આવે તો સૌ પહેલાં મારફ્લિક્સનું નામ આવવું જોઈએ. આ પ્રયાસ છે અને ત્યાં પહોંચવા માટે અમારે ઘણી જ મહેનત કરવાની છે. આ તો હજી શરૂઆત છે પરંતુ અમારી સફર શરૂ થઈ ગઈ છે.'

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ આનંદ હાલમાં શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન'ને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ લીડ રોલમાં છે.

લૉકડાઉનમાં સ્ક્રીનપ્લે ફાઈનલ કરવામાં આવ્યો
સૂત્રોના મતે, સિદ્ધાર્થ તથા તેની ટીમે 'ફાઈટર'નો સ્ક્રીનપ્લે લૉકડાઉનમાં ફાઈનલ કર્યો હતો. રીતિકે પણ સ્ક્રીનપ્લેમાં ખાસ ધ્યાન આપ્યું હતું. આ ફિલ્મ ફાઈટર જેટ પર આધારિત છે. આ હાઈ ઓક્ટેન એક્શન ફિલ્મમાં દીપિકા તથા રીતિક રોશન જબરજસ્ત એક્શન કરતાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...