પોર્નોગ્રાફી કેસ:આખરે કેવી રીતે રાજ કુંદ્રાની પોર્ન બિઝનેસમાં થઈ એન્ટ્રી, હવે આ રાઝ ખૂલ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રા જાન્યુઆરી, 2019માં એપ બિઝનેસમાં આવ્યો હતો
  • 85 લાખના રોકાણ સાથે ArmsPrime કંપનીમાં ડિરેક્ટર બન્યો હતો
  • ડિસેમ્બર, 2019માં રાજ કુંદ્રાએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હતું

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુંદ્રા અચાનક આ બિઝનેસમાં કેવી રીતે આવ્યો એ સવાલ દરેકના મનમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન એક કંપની ArmsPrimeનું નામ સામે આવી રહ્યું છે. આ કંપનીના ફાઉન્ડર સૌરભ કુશવાહાએ હવે મુંબઈ ક્રાઇમ બ્રાંચને કહ્યું હતું કે જાન્યુઆરી, 2019માં 85 લાખના રોકાણ સાથે રાજ કુંદ્રા એપ બિઝનેસમાં આવ્યો હતો.

2 કંપનીના દરેક કર્મચારીની પૂછપરછ
ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, પોર્નોગ્રાફી કેસમાં ક્રાઇમ બ્રાંચ હવે હોટશોટ્સ તથા આર્મ્સપ્રાઇમ કંપનીમાં છેલ્લાં 3 વર્ષમાં રાજ કુંદ્રા સાથે કામ કર્યું હોય તે તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી રહી છે. હાલમાં જ ક્રાઇમ બ્રાંચે સૌરભ કુશવાહાનું નિવેદન લીધું હતું. આર્મ્સપ્રાઇમનો તે ફાઉન્ડર છે.

2019માં મુલાકાત
સૌરભે કહ્યું હતું કે અલગ અલગ કંપનીમાં નોકરી કર્યા બાદ તે પોતાનો OTT બિઝનેસ કરવા માગતો હતો, જેમાં ટેક્નોલોજીના ઉપયોગથી સેલિબ્રિટી, ઇન્ફ્યુલએન્સર તથા ક્રિએટર્સ સાથે ચાહકોનું ઇન્ટરેક્શન કરાવીને સર્વિસ ચાર્જ લેવાનો પ્લાન હતો. આ બિઝનેસ શરૂ કરવા માટે શરૂઆતી મૂડીની જરૂર હતી. એ સમયે તેણે પોતાના મિત્ર સંજય ત્રિપાઠીના કહેવા પર જાન્યુઆરી, 2019માં રાજ કુંદ્રાના બંગલા કિનારામાં મીટિંગ કરી હતી.

રાજ કુંદ્રા શરૂઆતમાં 2.7 કરોડનું રોકાણ કરવા માગતો હતો
સૌરભ કુશવાહાએ વધુમાં કહ્યું હતું કે રાજ કુંદ્રાને આ આઇડિયા ઘણો જ પસંદ આવ્યો હતો અને તે તેના બિઝનેસમાં 2 કરોડ 70 લાખ રૂપિયાનું રોકાણ કરીને કંપનીમાં ડિરેક્ટર બનવા તૈયાર થઈ ગયો હતો. જોકે પછી તે માત્ર 85 લાખ રૂપિયાનું રોકાણ કરીને કંપનીમાં ડિરેક્ટર બન્યો હતો અને આ રીતે આર્મ્સપ્રાઇમ કંપનીની શરૂઆત થઈ હતી.

35 સેલેબ્સ માટે એપ બનાવી
સૌરભ કુશવાહા આગળ કહ્યું હતું કે કંપનીએ હરભજન સિંહ, પૂનમ પાંડે, સપના સપ્પુ, ગેહના વશિષ્ઠ, મિનિષા લાંબા સહિત અંદાજે 35 સેલેબ્સ માટે એપ બનાવી હતી. કંપની બે રીતે કામ કરતી હતી. પહેલી રીત એ હતી કે બિલ્ડ એન્ડ હેન્ડ ઓવર, જેમાં કોઈપણ સેલેબની જરૂરિયાત પ્રમાણે એપ બનાવીને તેમને વેચી દેવામાં આવતી. બીજી રીત એ હતી કે એપ બનાવીને કંપની તેમાં પોતાનો હિસ્સો રાખતી. ટેક્નિકલ રાઇટ્સ કંપની પાસે રહેતા અને એપના કન્ટેન્ટ રાઇટ્સ સેલેબ્સ પાસે રહેતા. 70% હિસ્સો આર્ટિસ્ટની પાસે તથા 30% હિસ્સો આર્મ્સપ્રાઇમની પાસે રહેતો.

18.59 લાખમાં હોટશોટ્સ એપ બની હતી
સૌરભે કહ્યું હતું કે કંપની શરૂ થયાના 3 મહિના બાદ રાજે તેને કહ્યું હતું કે લંડનમાં રહેતા તેના એક સંબંધી પ્રદીપ બક્ષીને એક એપ બનાવવી છે. ઓક્ટોબર 2019માં કંપનીએ બિલ્ડ એન્ડ હેન્ડઓવરની રીતે હોટશોટ્સ એપ બનાવી હતી. આ એપ કેનરીન કંપનીને 25 હજાર ડોલર એટલે કે 18.59 લાખમાં વેચવામાં આવી હતી. આ પેમેન્ટ 5થી 6 ઇન્સ્ટોલમેન્ટમાં આવ્યું હતું.

ઉમેશ કામત એપની સમસ્યા અંગે વાત કરતો
વધુમાં સૌરભે જણાવ્યું હતું કે હોટશોટ્સનું ભારતનું કામ ઉમેશ કામત જોતો હતો. તે એપ સાથે જોડાયેલી સમસ્યા લઈને તેની પાસે આવતો હતો. આ સાથે જ રાજ કુંદ્રાની કંપનીમાં IT હેડ તરીકે કામ કરતો રયાન થોરપ પણ હોટશોટ્સ તથા અન્ય OTT સાથે જોડાયેલી માહિતી તેની પાસેથી લેતો હતો.

કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ થતાં રાજ કુંદ્રાએ રાજીનામું આપ્યું
સૌરભ કુશવાહાએ છેલ્લે એમ કહ્યું હતું કે એપ્રિલ-મે 2019માં આર્મ્સપ્રાઇમની આર્થિક સ્થિતિ બગડવા લાગી હતી. રાજ કુંદ્રાને એવું બિઝનેસ મોડલ જોઈતું હતું, જેમાં બિઝનેસ શરૂ થતાં જ ફાયદો દેખાવા લાગે. જોકે OTT તથા એપ બિઝનેસમાં કામ કરતી કંપની આર્મ્સપ્રાઇમમાં બિઝનેસનો બેઝ તૈયાર કરવામાં ઘણા રોકાણની જરૂર હતી. થોડા મહિના પછી રાજને લાગ્યું કે તેનો દાવ ઊંધો પડ્યો છે અને ડિસેમ્બર, 2019માં રાજે કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...