શાહનો સ્પેશિયલ સંવાદ:અમિત શાહે પત્ની સોનલ સાથે 'સમ્રાટ પૃથ્વીરાજ' જોઈ, 13 વર્ષ બાદ સાથે ફિલ્મ જોવા ગયા અને પછી બોલ્યા- 'ચલિયે હુકુમ'

મુંબઈએક મહિનો પહેલા
  • ગૃહમંત્રીએ ફિલ્મના વખાણ કર્યાં હતાં

અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય તેના બે દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું.

અમિત શાહ પત્ની સોનલ સાથે 13 વર્ષ બાદ ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પૂરી થઈ તો શાહ થિયેટરમાંથી બહાર જવા લાગ્યા હતા. જોકે, પત્ની સોનલ ત્યાં જ ઊભાં રહ્યાં હતાં. આ દરમિયાન અમિત શાહે કંઈક સ્પેશિયલ કર્યું હતું. શાહે એ જ અંદાજમાં પત્નીને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો, જે અંદાજમાં ફિલ્મમાં સંવાદ બોલવામાં આવ્યો હતો. શાહે પત્નીને કહ્યું હતું, 'ચલિયે હુકુમ.'

દિલ્હીમાં સ્ક્રીનિંગ યોજાયું
પહેલી જૂન એટલે કે બુધવારે દિલ્હીના ચાણક્ય થિયેટરમાં ગૃહમંત્રી અમિત શાહ માટે 'સમ્રાટ પૃથ્વીરાજ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું.

ફિલ્મ જોયા બાદ શું કહ્યું?
ફિલ્મ જોયા બાદ અમિત શાહે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ ફિલ્મ માત્ર એક અદ્વિતીય યૌદ્ધાની વાત નથી કરતી, પરંતુ તે આપણી સંસ્કૃતિની મહાનતાને પણ દર્શાવે છે. આ ફિલ્મની વાર્તા ભારતીય સંસ્કૃતિ તથા મહિલા સશક્તિકરણને ઘણી જ સારી રીતે દર્શાવે છે. હોમ મિનિસ્ટરે ફિલ્મની ટીમને શુભેચ્છા પાઠવી હતી.

અક્ષય કુમારે શું કહ્યું?
ગૃહમંત્રીએ ફિલ્મની પ્રશંસા કરી તો અક્ષય કુમારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેમનો આભાર માન્યો હતો. અક્ષયે કહ્યું હતું, 'મારા માટે આ સાંજ ભાવુક તથા ગર્વથી ભરેલી હતી. ગૃહમંત્રી અમિત શાહે અમારી ફિલ્મ જોઈ. તેમણે અમારી ફિલ્મની પ્રશંસા કરીને અમારી મહેનત સફળ બનાવી છે.. તેમનો ઘણો જ આભાર.'

ફિલ્મમાં કોણ કોણ છે?
પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે.