હોલિવૂડના લોકપ્રિય એક્ટર તથા 'એવેન્જર્સ' સિરીઝથી લોકપ્રિય થયેલ જેરેમી રેનરનો ન્યૂ યરના દિવસે અકસ્માત થયો હતો. તે પોતાના ઘરની બહાર જામેલા બરફને હટાવતા હતા અને આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેરેમની એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જેરેમની સ્થિતિ ક્રિટિકલ હોવાનું માનવામાં આવે છે. ચાહકો તથા સેલેબ્સ એક્ટરની સલામતી માટે દુઆ માગી રહ્યા છે. જેરેમીનો પરિવાર હાલમાં હોસ્પિટલમાં જ છે.
ઘરની બહાર બરફ હટાવતા સમયે દુર્ઘટના ઘટી
જેરેમી રેનર અમેરિકાના રેનોમાં રહે છે. તેમનું ઘર માઉન્ટ રોજ-સ્કી ટેહોની નજીકમાં છે. આ વિસ્તારમાં ભારે બરફ પડ્યો હતો. આ બરફવર્ષાને કારણે નોર્થ નેવાડામાં 35 હજાર ઘરની વીજળી પણ બંધ થઈ ગઈ હતી.
જેરેમી પોતાના ઘરની બહાર જામેલા બરફને હટાવતા હતા ત્યારે આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તાત્કાલિક એરલિફ્ટ કરીને હોસ્પટિલમાં લઈ જવામાં આવ્યા હતા. જેરેમીએ થોડા દિવસ પહેલાં સો.મીડિયામાં પોતાના ઘરની આસપાસ જામેલા બરફની તસવીરો શૅર કરી હતી.
હૉકઆઇના રોલ માટે લોકપ્રિય
જેરેમીના પ્રવક્તાએ કહ્યું હતું કે હાલમાં એક્ટરની સ્થિતિ ગંભીર છે. જેરેમીના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. તે માર્વેલની 'એવેન્જર્સ' સિરીઝમાં હૉકઆઇનો રોલ પ્લે કરે છે. ગયા વર્ષે હૉકઆઇનું સ્પિન ઑફ પણ બનાવવામાં આવ્યું હતું. આ સિરીઝમાં જેરેમી લીડ રોલમાં હતા.
ભારતમાં પણ જેરેમનીના ચાહકો છે. જેરેમી ગયા વર્ષે મે મહિનામાં ભારત આવ્યા હતા. અનિલ કપૂર સાથે ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલઃ ઘોસ્ટ પ્રોટોકોલ'માં કામ કર્યું હતું.
ઓસ્કર માટે નોમિનેટ પણ થયો છે
47 વર્ષીય જેરેમી હોલિવૂડના દિગ્ગજ એક્ટરમાંથી એક છે. 2010માં ફિલ્મ 'ધ હર્ટ લૉકર' માટે ઓસ્કરમાં બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ થયા હતા. આ ઉપરાંત 'ધ ટાઉન' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે નોમિનેશન મળ્યું હતું. જેરેમી હાલમાં 'મેયર ઑફ કિંગ્સ્ટન'માં જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.