રિયલ લાઇફ હીરો:'સ્લમડૉગ મિલિયોનર' ફૅમ દેવ પટેલની નજર સામે મહિલાએ પુરુષ પર ચાકુથી હુમલો કર્યો, એક્ટરે પીડિતને હોસ્પિટલ ભેગો કર્યો

એડિલેડ16 દિવસ પહેલા

32 વર્ષીય હોલિવૂડ એક્ટર દેવ પટેલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. અહીંયા તે પોતાના મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ફરતો હતો.. આ દરમિયાન પેટ્રોલ સ્ટેશનની બહાર મહિલા-પુરુષ વચ્ચે ઝઘડો ચાલતો હતો. મહિલાએ ગુસ્સામાં આવીને પુરુષને છાતી પર ચાકુથી હુમલો કર્યો હતો. દેવ પટેલ બંને વચ્ચે પડ્યો હતો અને શાંત પાડ્યા હતા.

ક્યારે ઘટના બની હતી?
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના પહેલી ઓગસ્ટની રાત્રે 8.45 વાગે ઓસ્ટ્રેલિયાના એડિલેડની ગૌગર સ્ટ્રીટમાં બની હતી. પેટ્રોલ સ્ટેશન આગળ પુરુષ-મહિલા વચ્ચે ઝઘડો થયો હતો. ઇમરજન્સી સર્વિસને ફોન કરવામાં આવ્યો હતો. આવેશમાં આવીને મહિલાએ પુરુષની છાતી પર ચાકુથી હુમલો કર્યો હતો. દેવ પટેલ મિત્રો સાથે નજીકના સ્ટોરમાં હતો. આ ઝઘડાના તેઓ સાક્ષી રહ્યા હતા.

દેવની ટીમે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યું હતું કે દેવ પટેલના મનમાં તત્કાળ જે વિચાર આવ્યો તે પ્રમાણે તેણે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બંનેને શાંત કરાવ્યા હતા. પોલીસ તથા એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી દેવ પટેલ ત્યાં હાજર રહ્યો હતો. સ્ટેટમેન્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે દેવ પટેલે હીરો બનીને કંઈ જ કર્યું નથી. આશા છે કે તંત્ર આ પ્રકારની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ શોધી કાઢે.

પોલીસ સાથે વાત કરતો દેવ પટેલ.
પોલીસ સાથે વાત કરતો દેવ પટેલ.

મહિલાની ધરપકડ કરવામાં આવી છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે 34 વર્ષીય મહિલાની પાર્ક હોમમાંથી ધરપકડ કરી હતી. મહિલા પર ગંભીર હુમલો કર્યો હોવાનો ચાર્જ ફાઇલ કરવામાં આવ્યો છે અને તેના જામીન નકારી કાઢવામાં આવ્યા હતા. 32 વર્ષીય પીડિત પુરુષને રોયલ એડિલેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ગંભીર ઈજા થઈ નથી.

દેવ પટેલ એક્શન થ્રીલર ફિલ્મમાં જોવા મળશે
1990માં લંડનમાં જન્મેલા દેવ પટેલે 2008માં ફિલ્મ 'સ્લમડૉગ મિલિયોનર'થી ડેબ્યૂ કર્યું હતું. દેવ પટેલની ફિલ્મ 'ધ ગ્રીન નાઇટ' 2021માં રિલીઝ થઈ હતી. હવે તે એક્શન થ્રીલર ફિલ્મ 'મંકી મેન'માં જોવા મળશે. આ ફિલ્મને દેવ પટેલે ડિરેક્ટ પણ કરી છે. દેવ પટેલના સંબંધો ફ્રિડા પિન્ટો સાથે હતા. છ વર્ષના ડેટિંગ બાદ બંને 2014માં અલગ થયા હતા. માર્ચ, 2017થી દેવ પટેલના સંબંધો ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ ટિલ્ડા સાથે છે.

અન્ય સમાચારો પણ છે...