પોર્નોગ્રાફી કેસમાં બોમ્બે હાઇકોર્ટે બિઝનેસમેન રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે. કોર્ટે બુધવાર, 18 ઓગસ્ટના રોજ સાયબર સેલે દાખલ કરેલા કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ માટે એક અઠવાડિયાની રોક લગાવી દીધી છે. તેની જામીન અરજીનો પણ સ્વીકાર કરીને 25 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં 7 ઓગસ્ટે કોર્ટે જામીન અરજી ઠુકરાવી દીધી હતી. વર્ષ 2020માં રાજ કુંદ્રા પર અનેક ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાનો આરોપ મૂકતો કેસ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આ જ કેસના સંદર્ભમાં સુનાવણી થઈ હતી.
વકીલે પૂનમ પાંડે, શર્લિન ચોપરાનું ઉદાહરણ આપ્યું
આ કેસના સંદર્ભે હાઇકોર્ટમાં જસ્ટિસ સંદીપ કે શિંદેની સિંગલ બેંચે રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી કરી હતી. કુંદ્રા વિરુદ્ધ 2020માં કરવામાં આવેલા આ કેસમાં સંગીન આરોપ મૂકવામાં આવ્યો છે. રાજ કુંદ્રાના વકીલ પ્રશાંત પાટિલે કોર્ટમાં દલીલ કરી હતી કે શર્લિન ચોપરા, પૂનમ પાંડે સહિત અન્ય આરોપીને હાઇકોર્ટે વચગાળાની રાહત આપી છે. રાજ કુંદ્રાની ધરપકડ કરીને પૂછપરછ કરવાની જરૂર નથી. આટલું જ નહીં રાજ કુંદ્રા વિરુદ્ધ જે પણ કલમો લગાવવામાં આવી છે, તેમાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે. આથી જ રાજની ધરપકડ કરવી જોઈએ નહીં.
વકીલે કહ્યું, દલીલો માટે એક અઠવાડિયાનો સમય આપો
કોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર પ્રાજક્તા શિંદેએ રાજ કુંદ્રાની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેસમાં રાજ કુંદ્રાની ભૂમિકા અન્ય આરોપીઓથી અલગ હતી અને આથી જ સમાનતાના ધોરણે તે રાહતની માગણી કરી શકે નહીં. વકીલે અરજીના મેરિટ્સના આધારે દલીલ કરવ માટે કોર્ટ પાસેથી સમય માગ્યો છે. કોર્ટે આ વાત સ્વીકારી છે. કોર્ટે વકીલને સમય આપતા વર્ષ 2020ની FIR કેસમાં રાહત આપતા એક અઠવાડિયા સુધી ધરપકડ પર રોક લગાવી છે. આ સાથે આગામી સુનાવણી 25 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.
શું છે કેસ?
મહારાષ્ટ્ર સાયબર સેલે કથિત રીતે અશ્લીલ વીડિયો બતાવવા પર એકતા કપૂરના અલ્ટ બાલાજી સહિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ તથા વેબસાઇટના માલિકો કે CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર) વિરુદ્ધ કેસ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદને આધારે કેસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સાયબર સેલે રિલીઝ કરેલા નિવેદન પ્રમાણે, અલ્ટ બાલાજી, હોટશોટ્સ, ફ્લીઝમૂવીઝ, ફેનૂ, કુકુ, નિયોફ્લિક્સ, ઉલ્લુ, હોટમસ્તી, ચીકૂફ્લિક્સ, પ્રાઇમફ્લિક્સ, વેટફ્લિક્સ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલતા તથા અશ્લીલ વીડિયો મળ્યા હતા. ત્યારબાદ આ તમામ પર કેસ કરવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટે જામીન અરજી ઠુકરાવી હતી
ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચે ફેબ્રુઆરી, 2021ના પોર્ન રેકેટમાં રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદથી તે જેલમાં છે. રાજ કુંદ્રાના વચગાળાની જામીન અરજી સેશન્સ કોર્ટે ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
રાજ કુંદ્રાએ કહ્યું- FIRમાં મારું નામ નથી
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રાજ કુંદ્રાએ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે સાયબર સેલે ગયા વર્ષે જે FIR (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) કરી તેમાં તેનું નામ ક્યાંય જ નથી. તેણે પોલીસને તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે. તેણે અનેકવાર નિવેદન પણ આપ્યું છે. તપાસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો પણ પોલીસને આપ્યા છે.
આર્મ્સપ્રાઇમમાં માત્ર રોકાણ કર્યું હતું
રાજ કુંદ્રાએ બોમ્બે હાઇકોર્ટને જે અરજી આપી, તેમાં કહ્યું હતું કે ફેબ્રુઆરી, 2019માં તેના એક ઓળખીતાએ તેને આર્મ્સપ્રાઇમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં રોકાણ કરવા માટે સંપર્ક કર્યો હતો. આ કંપની આર્ટિસ્ટ્સને પોતાની ટેલેન્ટ બતાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ બિઝનેસ સબસ્ક્રિપ્શન મોડલ પર આધારિત હતું. આ આઇડિયા સાંભળ્યા બાદ તેને આ યુનિક લાગ્યું હતું. તે માત્ર ફેબ્રુઆરીથી ડિસેમ્બર, 2019 સુધી આ કંપની સાથે જોડાયેલો હતો. તેણે ક્યારેય કંપનીના કોન્ટ્રાક્ટ બનાવવામાં તથા કન્ટેન્ટ ક્રિએશનમાં કોઈ સક્રિય ભૂમિકા ભજવી નથી. તેને ખ્યાલ નથી કે આર્ટિસ્ટ પાસે કેવા પ્રકારના કોન્ટ્રાક્ટ્સ સાઇન કરાવવામાં આવતા હતા અને કેવા પ્રકારનું કન્ટેન્ટ બનાવવામાં આવે છે.
હોટશોટ્સને પોર્નોગ્રાફી સાથે કોઈ લેવા-દેવા નથી
કુંદ્રાએ પોતાની અરજીમાં એમ પણ કહ્યું હતું કે આ કંપનીએ જે એપ્સ બનાવી, તેમાંથી જ એક એપનું નામ હોટશોટ્સ હતું. રાજે દાવો કર્યો છે કે આ એપને પોર્નોગ્રાફી સાથે કંઈ જ લેવા-દેવા નથી. આ કેસમાં તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.