મહેશ બાબુ બોલિવૂડ પર બગડ્યો:કહ્યું, 'મને અફોર્ડ કરવાની બોલિવૂડની તાકાત નથી, હિંદીમાં કામ કરીને મારે ટાઇમ બરબાદ નથી કરવો’

હૈદરાબાદ3 મહિનો પહેલા
  • મહેશ બાબુએ કહ્યું, મને સાઉથ ઇન્ડસ્ટ્રીએ માન-સન્માન આપ્યું છે

હિંદી તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે ચાલતા ભાષા વિવાદમાં હવે મહેશ બાબુએ બોલિવૂડ અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં મહેશ બાબુએ કહ્યું હતું, બોલિવૂડ મને અફોર્ડ કરી શકે એમ નથી.

શું કહ્યું મહેશ બાબુએ?
મહેશ બાબુ ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચિંગમાં આવ્યો હતો. અહીં મીડિયાએ એક્ટરને બોલિવૂડ ડેબ્યુ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં મહેશ બાબુએ કહ્યું હતું, 'એવું નથી કે મને બોલિવૂડમાંથી ઑફર્સ મળતી નથી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને અફોર્ડ કરી શકશે નહીં. જે ઇન્ડસ્ટ્રી મને અફોર્ડ ના કરી શકે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી.' ઉલ્લેખનીય છે કે તેલુગુ સ્ટાર મહેશ બાબુ ‘મેજર’ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે. મેજર ફિલ્મ 26/11ના મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા NSG કમાન્ડો મેજર સંદીપ ઉન્નીક્રિશ્નનની બાયોપિક છે.

સાઉથમાં માન-સન્માન મળ્યાં
તેણે વધુમાં કહ્યું હતું, 'મને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જે માન-સન્માન તથા સ્ટારડમ મળ્યું છે એ ઘણું જ મોટું છે. આથી જ હું આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા અંગે વિચારી શકતો નથી. હું ફિલ્મ કરવામાં તથા મોટા બનવા અંગે વિચારતો હતો અને હવે મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે.'

તેલુગુ ફિલ્મ કરવા માગતો હતો
તેણે આગળ જણાવ્યું હતું કે 'મારો હેતુ મારી જાતને પેન ઇન્ડિયા સ્ટાર તરીકે રજૂ કરવાનો નથી, પરંતુ સાઉથની ફિલ્મને આખા ભારતમાં સફળ બનાવવાનો છે. હું હંમેશાંથી તેલુગુ ફિલ્મ કરવા માગતો હતો અને એ પણ ઈચ્છતો હતો કે તેલુગુ ફિલ્મ આખો દેશ જુએ. હવે એવું થઈ રહ્યું છું અને હું ઘણો જ ખુશ છું. હું હંમેશાંથી એવું માનું છું કે મારી તાકાત તેલુગુ ફિલ્મ્સ જ છે. આ ફિલ્મ્સે તમામ મર્યાદા પાર કરીને ટોલિવૂડને ભારતીય સિનેમા બનાવ્યું છે.' મહેશ બાબુને ડિજિટલ ડેબ્યુ અંગે પણ સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે એ બિગ સ્ક્રીન માટે છે અને ડિજિટલ સ્પેસમાં આવવાનું વિચારી શકે તેમ નથી.

અપકમિંગ ફિલ્મ 12 મેએ રિલીઝ થશે
મહેશની અપકમિંગ ફિલ્મ 'સરકારુ વારી પેટલા' 12 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને એસ પરુસુરામ પેટલાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ બાદ હવે મહેશ ડિરેક્ટર એસએસ રાજમૌલિની અપકમિંગ ફિલ્મમાં કામ કરશે.