ઇન્સ્પાયરિંગ સ્ટોરી:'ગુલ્લક' ફૅમ વૈભવ રાજ ગુપ્તા ક્યારેક રેલવે સ્ટેશન પર કામ કરતો હતો, કહ્યું- તે મારી સૌથી મુશ્કેલ નોકરી હતી

મુંબઈ15 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

વેબ સિરીઝ 'ગુલ્લક 3'ની સફળતા બાદ અન્નુ ઉર્ફે વૈભવ રાજ ગુપ્તા થોડાં દિવસ માટે સો.મીડિયામાંથી બ્રેક લેવા ઈચ્છે છે. આ વેબ સિરીઝના સો.મીડિયામાં ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે અને અનેક મીમ્સ બન્યા છે. આ જ કારણે વૈભવ થોડો બ્રેક લેવા માગે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વૈભવે સિરીઝની સફળતા, પોતાની સંઘર્ષની વાત તથા અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી.

દર્શકોના પ્રેમ માટે આભાર
'ગુલ્લક'ને જે રીતનો પ્રેમ મળ્યો તે ખરેખર પ્રશંસનીય છે. જોકે, સાચું કહું તો હવે હું વખાણથી થાકી ગયો છું. સો.મીડિયામાં મીમ્સ બને છે, પ્રશંસા થાય છે. વારંવાર આ બધું સ્ક્રીન પર જોઈને કંટાળો આવે છે. થોડાં સમય માટે સો.મીડિયામાંથી બ્રેક લેવા માગું છું. એવું નથી કે મને વખાણ ગમતા નથી, પરંતુ હવે થોડો થાક લાગે છે. એક્ટર તરીકે આગળ વધવા માગું છું. નવું વાંચવા, સાંભળવા માગું છે. ઓડિયન્સના પ્રેમ માટે હંમેશાં આભારી રહીશ.'

પપ્પા ઈચ્છતા કે હું લખનઉથી CAનો અભ્યાસ કરું
'મારો પરિવાર આર્ટ તથા કલ્ચર સાથે જોડાયેલો છે. મારા દાદા ઉત્તર પ્રદેશના સીતાપુરના જાણીતા ચિત્રકાર હતા. મારામાં પણ અભ્યાસને બદલે આર્ટ વધુ હતી. જોકે, કરિયર માટે મને કોઈ શંકા નહોતી. 2007માં મિસ્ટર સીતાપુર સ્પર્ધા યોજાઈ હતી. તે દરમિયાન સ્ટેજ જોઈને મને અલગ જ લાગણી થઈ હતી. ત્યાંથી મારી મોડલિંગ કરિયર શરૂ થઈ હતી. જોકે, પિતા ઈચ્છતા હતા કે હું લખનઉથી CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)નો અભ્યાસ કરું.

મારે તે બિલકુલ કરવું નહોતું. અનેક તપાસ કર્યા બાદ મેં મુંબઈમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કરવાનું નક્કી કર્યું અને મુંબઈ આવ્યો. મારા મિત્રના કહેવાથી મેં થિયેટર જોઇન કર્યું. મારું પહેલું નાટક 'અગ્નિ ઔર બરખા' હતું. તે હિટ રહ્યું હતું. અહીંથી મારી એક્ટિંગ સફર શરૂ થઈ હતી.

મુંબઈના લોકલ રેલવે સ્ટેશન પર છ મહિના સુધી કામ કર્યું
જ્યારે મુંબઈ આવ્યો ત્યારે હું કોલ સેન્ટરમાં જોબ કરવા માગતો હતો. તે સમયે એમ વિચારીને ખુશ થતો કે ACમાં બેસીશ, અંગ્રેજી બોલીશ અને પગાર પણ સારો હશે. જોકે, જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં જતો તો મારી પસંદગી થતી નહોતી. બીજી બાજુ થિયેટરમાં પૈસા હતા નહીં અને પૈસાની જરૂરિયાત પણ હતી. હું મુંબઈમાં લોકલ ટ્રેનમાં સફર કરતો હતો. અહીંયા મેં સ્ટેશન પર કેટલાંક છોકરાઓને 'ગ્રીનપીસ' નામની સ્વૈચ્છિક સંસ્થાના પેમ્પલેટ વહેંચતા જોયા હતા.

આ જોઈને તે છોકરાઓ પાસેથી સ્વૈચ્છિક સંસ્થાની માહિતી લીધી અને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. બીજા દિવસે જ મેં પણ રેલવે સ્ટેશન પર કામ શરૂ કરી દીધું હતું. આ મારી સૌથી મુશ્કેલ જોબ હતી. રેલવે સ્ટેશન પર બધાને રોકીને સ્વૈચ્છિક સંસ્થા અંગે માહિતી આપવાની હતી. મેં છ મહિના સુધી અહીંયા કામ કર્યું હતું. મારો પગાર મહિને આઠ હજાર રૂપિયા હતો. જોકે, મેં ક્યારેય થિયેટર છોડ્યું નહીં. સવારે રેલવે સ્ટેશન પર કામ કરતો અને સાંજે રિહર્સલ કરતો.

'ગુલ્લક 4' આવી શકે છે
'ગુલ્લક 4' અંગે વાતો થઈ રહી છે, પરંતુ હજી સુધી કંઈ જ ફાઇનલ થયું નથી. દર્શકો માટે અમે ફરીથી લાવવા માગીએ છીએ. આશા છે કે અમે ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરીશું.

અન્ય સમાચારો પણ છે...