ફ્લેશબેક:ગોવિંદાએ સલમાન સાથેની ફિલ્મ ઠુકરાવી હતી, કહ્યું- હું કામનો ભૂખ્યો છું, પરંતુ તેનો અર્થ એવો નથી કે હું કંઈ પણ કરી લઉં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોવિંદા તથા સલમાન ખાનને 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'પાર્ટનર' તથા 'સલામ-એ-ઈશ્ક'માં સાથે કામ કર્યું હતું. 'પાર્ટનર'માં સલમાન તથા ગોવિંદની જોડી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. જોકે, પછી બંને કોઈ ફિલ્મમાં (સ્પેશિયલ અપીયરન્સને બાદ કરતાં) સાથે જોવા મળ્યા નથી. હવે ગોવિંદાએ કહ્યું હતું કે સલમાને તેની સાથે મરાઠી સુપરહિટ ફિલ્મ 'શિક્ષાંચ્યા આઈચા ઘો'ની હિંદી રીમેક માટે અપ્રોચ કર્યો હતો. આ ફિલ્મ મહેશ માંજરેકર ડિરેક્ટ કરવાના હતા. જોકે, તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

ગોવિંદાએ ફિલ્મ ના કરવાનું કારણ કહ્યું
ફિલ્મ ના કરવાના કારણ અંગે ગોવિંદાએ કહ્યું હતું, 'સાચું કહું તો મને ફિલ્મની વાર્તા ગમીનહોતી. જ્યારે તમામ લોકો એક પિતાની વિરુદ્ધમાં થઈ જાય ત્યારે તે મુખ્યમંત્રીની પાસે જાય છે. જ્યારે ભૂલની શરૂઆત તેનાથી જ થાય છે. મને ખ્યાલ છે કે મરાઠીમાં આ ફિલ્મ ઘણી જ હિટ થઈ હતી. જોકે, મને આ ફિલ્મનો કોન્સેપ્ટ પસંદ આવ્યો નહોતો.'

વધુમાં ગોવિંદાએ કહ્યું હતું, 'આમાં કોઈ શંકા નથી કે હું કામનો ભૂખ્યો છું, પરંતુ એનો અર્થ એવો નથી કે જે મને પસંદ ના આવે તે પણ હું કરી લઉં. મહેશ માંજરેકર મારો સારો મિત્ર છે અને જ્યારે કંઈ સારું લઈને આવે ત્યારે હું તેની સાથે કામ કરીશ. જ્યાં સુધી સલમાનની વાત છે તો હું અને તે કમર્શિયલ મસાલા ફિલ્મ માટે ઠીક છીએ, આ રીતની આર્ટ ફિલ્મ માટે નહીં.'

ફિલ્મ 'શિક્ષાંચ્યા આઈચા ઘો' અંગે
'શિક્ષાંચ્યા આઈચા ઘો'માં એક એવા પિતાની વાત હતી, જેમાં તે પોતાના દીકરાને જબરજસ્તી ભણવા માગે છે, પરંતુ તેના પર ક્રિકેટનું જુનૂન છે. મહેશ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સચિન ખેડેકર, ભરત જાદવ, સક્ષમ કુલકર્ણી, સિદ્ધાર્થ જાવ તથા મહેશ માંજરેકરની મહત્ત્વની ભૂમિકા હતી. ફિલ્મ 15 જાન્યુઆરી, 2010માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ ફિલ્મની તમિળ તથા તેલુગુમાં 'ધોની' રીમેક બની હતી. બંગાળીમાં 'ચલો પલતાઈ' તથા પંજાબીમાં 'સન ઓફ મનજોત સિંહ' નામથી બની હતી.