આ ગીત સાંભળીને 200 લોકોએ આત્મહત્યા કરી:ગીતકારે વીજળીના તારથી ગળેફાંસો ખાધો, જે ગર્લફ્રેન્ડ માટે ગીત લખ્યું તેણે પણ સુસાઇડ કર્યું

એક મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી

આજની વણકહી વાર્તા કંઈક અલગ છે. આજે ના ફિલ્મસ્ટારની વાત છે, ના તો ફિલ્મની વાત છે. આજે અમે તમને દુનિયાના સૌથી અપશુકનિયાળ ગીત અંગે જણાવવા જઈ રહ્યા છીએ. ગીત બનવાની વાત રસપ્રદ છે. લવસ્ટોરી છે. હંગેરી (યુરોપ)ના એક સ્ટ્રગલિંગ સોંગ રાઇટર અને તેની ગર્લફ્રેન્ડનું બ્રેકઅપ થયું છે. આ બ્રેકઅપ બાદ પ્રેમીએ 30 મિનિટની અંદર એક દુઃખદ ગીત લખી નાખ્યું.

અધૂરી લવસ્ટોરીમાંથી નીકળેલું આ ગીત આખી દુનિયા માટે જીવલેણ સાબિત થયું હતું. આ ગીતનું ટાઇટલ 'ગ્લૂમી સન્ડે' એટલે કે ઉદાસ રવિવાર હતું. આ ગીત એ હદે ડિપ્રેસિંગ હતું કે દુનિયાભરમાંથી 200થી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. અનેક લોકોએ સુસાઇડ નોટમાં આ ગીતની લાઇન લખી હતી અથવા રૂમમાંથી ગીતનું રેકોર્ડિંગ મળી આવ્યું.

ગીત લખનારે પણ વીજળીના તારથી ગળેફાંસો ખાઈ લીધો હતો. જે ગર્લફ્રેન્ડ માટે લખ્યું તેણે પણ આ ગીત સાંભળ્યા બાદ સુસાઇડ કરી લીધું હતું. આત્મહત્યાના કેસ વધતાં ગીત પર બૅન મૂકવામાં આવ્યો હતો. 63 વર્સ સુધી આ બૅન રહ્યો.

1933માં બનેલું આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે હંગેરીમાં સુસાઇડના કેસ વધી ગયા હતા. આત્મહત્યાના કેસમાં હંગેરી વિશ્વમાં 11મા નંબરે આવી ગયો હતો.

આજની વણકહી વાર્તાઓમાં 'ગ્લૂમી સન્ડે' ગીત અંગે વાત કરીશું....
1933નો સમય હતો. દુનિયાએ પહેલું વિશ્વયુદ્ધ જોઈ લીધું હતું અને બીજું આવવાની તૈયારીમાં હતું. આ સમયે હંગેરીમાં એક સ્ટ્રગલિંગ સોંગ રાઇટર રેજ્સો સેરેસ હતો. તે પેરિસની એક રેસ્ટોરાંમાં પિયાનો વગાડતો હતો. તે રેસ્ટોરાંની મહિલા વેટર પ્રત્યે તેને ઘણી જ લાગણી હતી. યુવતી પણ રેજ્સોને પ્રેમ કરતી હતી, પરંતુ તેની ઈચ્છા હતી કે રેજ્સો પિયાનો વગાડવાનું કામ છોડીને કોઈ સારી નોકરી કરે.

બંને વચ્ચે આ અંગે ઘણીવાર વાત થઈ હતી. રેજ્સો પોતાનું કામ છોડવા તૈયાર નહોતો, કારણ કે તેણે ગરીબાઈ જોઈ લીધી હતી. એ સમયે બેરોજગારી વધારે હતી. પછી એક દિવસ યુવતીએ રેજ્સો સાથેના સંબંધો તોડી નાખ્યા. રેજ્સો માટે આ વાત દુઃખદાયક હતી. એક રવિવારે તોફાન ને વરસાદની વચ્ચે રેજ્સોએ પેરિસમાં પોતાના એક નાના એપાર્ટમેન્ટમાં 30 મિનિટની અંદર પોતાના જીવનના તમામ ભાવ એક પાનામાં ઉતારી નાખ્યા. તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે ગીત લખ્યું અને તે મોતને ગળે લગાવી બીજી દુનિયામાં પોતાના બોયફ્રેન્ડને મળે છે. એ ગીતનું નામ 'ગ્લૂસી સન્ડે' આપવામાં આવ્યું.

પોતાનું લખેલું ગીત મિત્રને આપ્યું
રેજ્સોએ આ ગીત લખ્યું, પરંતુ એની સાથે શું કરવું એ ખબર ના પડતાં તેણે આ ગીત મિત્ર લાસ્લો જેવોરને આપ્યું. લાસ્લો એ સમયે જાણીતો ગીતકાર હતો. તેણે આ ગીતને રી-રાઇટ કર્યું. લાસ્લોની થોડા સમય પહેલાં જ સગાઈ તૂટી હતી. તેણે આ ગીતને વધુ દર્દભર્યું બનાવી દીધું.

બંને મિત્રોએ આ ગીતને કમ્પોઝ કરીને રિલીઝ કરવાનું નક્કી કર્યું. રેજ્સોએ આ ગીતને કમ્પોઝ કર્યું અને 1933માં આ ગીત બનીને તૈયાર થયું અને તેને "Vége a világnak" નામ આપવામાં આવ્યું. અંગ્રેજીમાં આનો અર્થે ગ્લૂમી સન્ડ કે સેડ સન્ડે એવો થાય છે. ગીત બન્યા બાદ સોંગ રાઇટર્સને પબ્લિશર મળ્યો નહીં. મોટા ભાગના પબ્લિશર્સે એમ કહ્યું કે આ ગીત કોઈ સાંભળશે નહીં, કારણ કે એ ઘણું જ ડિપ્રેસિંગ છે.

જે પબ્લિશરને ગીત સંભળાવ્યું, તેણે જ આત્મહત્યા કરી
રેજ્સો ને લાસ્લોએ સૌ પહેલા જે પબ્લિશરને આ ગીત સંભળાવ્યું તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેણે ગીત ખરીદવાની ના પાડી હતી. તેણે કહ્યું હતું કે એવું નથી કે આ ગીત ઉદાસી ને નિરાશાવાદી છે. જોકે આ ગીત સાંભળવામાં સારું લાગતું નથી. થોડા સમય બાદ ગીતને પબ્લિશર મળી ગયા. 1933માં શીટ મ્યુઝિકે ગીતનું પહેલું રેકોર્ડિંગ માર્કેટમાં રજૂ કર્યું.

1936માં આ ગીત સુસાઇડનું કારણ બન્યું
ગીત આવતાં જ સુસાઇડના કેસ આવવા લાગ્યા. 30 માર્ચ, 1936માં ટાઇમ મેગેઝિનમાં છપાયેલા સમાચાર પ્રમાણે, 1933થી 1935ની વચ્ચે 17-18 આત્મહત્યાના કેસ સામે આવતા હતા. સૌથી વધુ કેસ ત્રણ વર્ષ બાદ એટલે કે 1936માં આવ્યા હતા. આ સમયે આ ગીત વિશ્વભરમાં અલગ અલગ ભાષામાં રિલીઝ થયું હતું.

સૌથી વધુ સુસાઇડના કેસ હંગેરીમાં આવ્યા હતા. 1936માં અહીં 17 લોકોએ આત્મહત્યા કરી હતી. આ ગીત લોકપ્રિય થતાં સુસાઇડનો આંકડો 100એ પહોંચી ગયો હતો. 1936માં 24 ફેબ્રુઆરીએ લોસ એન્જલસ ટાઇમ્સે પહેલી જ વાર આ સુસાઇડ અંગે સમાચાર છાપ્યા હતા.

અમેરિકામાં અંગ્રેજી લિરિક્સ સાથે રિલીઝ થયું
ગીતની વધતી લોકપ્રિયતાને કારણે અમેરિકામાં અંગ્રેજી લિરિક્સ સાથે ગીત રિલીઝ કરવામાં આવ્યું. ગીતના લિરિક્સ સેમ એમ લેવિસે લખ્યા હતા. અવાજ હલ કેમ્પે આપ્યો હતો. પૉલ રોબસન જેવા વિશ્વભરના અનેક જાણીતા સિંગર્સે લિરિક્સમાં ફેરફાર કરીને આ ગીતને રેકોર્ડ કર્યું હતું. અંગ્રેજીમાં ગીત આવતાં જ અંગ્રેજી દેશોમાં આ ગીત લોકપ્રિય થઈ ગયું હતું અને સુસાઇડ કેસ વધવા લાગ્યા હતા.

જે યુવતી પર આ ગીત લખવામાં આવ્યું, તેણે પણ આત્મહત્યા કરી
'ગ્લૂમી સન્ડે' કમ્પોઝ કર્યા બાદ રેજ્સો સેરેસે પોતાની પૂર્વ પ્રેમિકાને મળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે મળવા ગયો તો તેને ખ્યાલ આવ્યો કે આ ગીત સાંભળ્યા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. તે યુવતી પાસેથી ગીતના રેકોર્ડિંગની એક કૉપી મળી હતી. લાશની પાસેથી 'ગ્લૂમી સન્ડે'ની કેટલીક લાઇન્સ લખેલી હતી.

ગીત જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં આત્મહત્યાના કેસ વધ્યા
6 એપ્રિલ, 1936માં ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારના 9મા પેજ પર સમાચાર હતા કે 13 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. તે ડિવોર્સી પિતા સાથે રહેતો હતો. જે રૂમમાં ગળેફાંસો ખાધો એ રૂમમાંથી 'ગ્લૂમી સન્ડે'ની કૉપી મળી હતી.

વિએનામાં એક ટીનેજર યુવતીએ ગીત સાંભળીને પાણીમાં ડૂબીને આત્મહત્યા કરી લીધી. લંડનમાં એક મહિલાએ આ ગીત અનેકવાર સાંભળ્યું ને પછી ઊંઘની દવાઓનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી હતી. બુડાપેસ્ટમાં દુકાનદાર જોસેફ કેલરે ગીત સાંભળીને તરત જ આત્મહત્યા કરી હતી. તેણે સુસાઇડ નોટમાં 'ગ્લૂમી સન્ડે'ની લાઇન્સ લખી હતી.

80 વર્ષીય વૃદ્ધે સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તપાસમાં તેમના ગ્રામોફોનમાં 'ગ્લૂમી સન્ડે' વાગતું હતું. એક ગ્રુપના અનેક લોકોએ એક સાથે જર્મનીની ડાનૂબી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી પણ 'ગ્લૂમી સન્ડે'નું રેકોર્ડિંગ મળ્યું હતું.

ઇટાલીના એક યુવકે રસ્તામાં ભિખારીની નજીક વાગતા 'ગ્લૂમી સન્ડે'ને સાંભળ્યા બાદ ડૂબરીને આત્મહત્યા કરી લીધી હતી. મરતાં પહેલાં તે યુવકે પોતાની પાસે રહેલી તમામ વસ્તુઓ ભિખારીને આપી દીધી હતી.

આ આત્મહત્યાને ગીત સાથે એટલા માટે જોડવામાં આવી, કારણ કે મોટા ભાગના લોકો ગ્રામોફોન પર 'ગ્લૂમી સન્ડે' સાંભળતા હતા. અનેક લોકોની સુસાઇડ નોટ્સમાં આ ગીતની લાઇન્સ મળી હતી.

BBCએ 63 વર્ષ સુધી આ ગીત પર બૅન મૂક્યો
અમેરિકન પોપ્યુલર સિંગર બિલી હોલિડેએ આ ગીતને 1941માં રેકોર્ડ કર્યું, પરંતુ BBCએ બૅન મૂકી દીધો હતો. આ બૅન 63 વર્ષ સુધી રહ્યો હતો. 2002માં આ બૅન હટાવવામાં આવ્યો હતો. બૅન હટાવ્યા બાદ 23 ઓક્ટોબર, 2003ના રોજ BBC રેડિયોમાં આ ગીત બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું. એક વર્ષ બાદ 12 જૂન, 2004ના રોજ આ ગીત બીજીવાર દર્શકોને સંભળાવવામાં આવ્યું હતું. BBC રેડિયોની વેબસાઇટ્સને મળેવા વોટ્સમાં આજે પણ આ ગીત સેડ સોંગ્સની યાદીમાં ટોપ 5માં છે.

કેમ આ ગીત સાંભળ્યા બાદ લોકો આત્મહત્યા કરતા હતા?
આ ગીતમાં ઘણી જ નિરાશાવાદી શબ્દો લખવામાં આવ્યા હતા. ગીતના ભાવ મોતને સારું અને જીવનને ખરાબ બતાવતા હતા. આ ગીતમાં માત્ર ને માત્ર મરવાની વાત લખવામાં આવી છે. આ ગીત દુઃખભર્યા અંદાજમાં ગાવામાં આવ્યું હતું. આથી જ લોકો જીવવાને બદલે મોતને સારું માનવા લાગ્યા. આ ગીત આત્મહત્યા પ્રેરવા માટે હતું, કારણ કે 1933માં વિશ્વભરના અનેક દેશો બરબાદીની રાહ પર હતા. યુદ્ધનો માહોલ હતો. પહેલા વિશ્વયુદ્ધે અનેક દેશોનું અર્થતંત્ર ભાંગી નાખ્યું હતું. ચારેબાજુ નિરાશાનો માહોલ હતો. 1929-1939 સુધી વિશ્વભરે ગ્રેટ ડિપ્રેશનનો સામનો કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટના સ્ટોક માર્કેટ ક્રેશ (બ્લેક ફ્રાઇડે)થી અનેક દેશમાં ભૂખમરો આવ્યો હતો. અનેક લોકોના જીવ ગયા હતા. અનેક લોકોએ પોતાનો દેશ છોડ્યો હતો. આ દર્દનાક સ્થિતિમાં આ ઉદાસ ગીત જીવલેણ સાબિત થયું હતું.

ગીત રિલીઝનાં 35 વર્ષ બાદ કમ્પોઝરે રવિવારે આત્મહત્યા કરી
11 જાન્યુઆરી, 1968ના રોજ ઓરિજિનલ 'ગ્લૂમી સન્ડે'ના કમ્પોઝર રેજ્સો સેરેસે આત્મહત્યા કરી હતી. આ જોગાનુજોગ હતું કે સમજીવિચારીને ભરવામાં આવેલું પગલું એ તો ખ્યાલ નથી, પણ રેજ્સોએ રવિવારના રોજ આત્મહત્યા કરી હતી. તેણે અપાર્ટમેન્ટની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વીજળીના તારથી ગળું દબાવીને જીવ આપી દીધો હતો.

રેજ્સો સેરેસ કોણ હતો?
'ગ્લૂમી સન્ડે'ના કમ્પોઝર રેજ્સોનો જન્મ બુડાપેસ્ટમાં થયો હતો. તે સામાન્ય પિયાનિસ્ટ હતો. ગીત રિલીઝ થયા બાદ બીજા વિશ્વયુદ્ધમાં તેને નાઝી લેબર કેમ્પમાં બંદીવાન બનાવવામાં આવ્યો હતો, કારણ કે તે યહૂદી હતો. નાઝી કેમ્પમાંથી જીવ બચ્યા બાદ રેજ્સોએ થિયેટર ને સર્કસમાં કામ કર્યું હતું. એક દુર્ઘટનામાં હાથમાં ઈજા થતાં તેણે સર્કસની નોકરી છોડવી પડી. એક હાથથી પિયાનો વગાડતો હતો. નાઝી કેમ્પમાંથી નીકળ્યા બાદ રેજ્સો ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. તેની માતા પણ તેને આમાંથી બહાર કાઢી શકી નહીં.

'ગ્લૂમી સન્ડે' બનાવ્યા બાદ રેજ્સો ઉદાસ રહેતો
રેજ્સોની કરિયરનું સૌથી હિટ 'ગ્લૂમી સન્ડે' હતું, પરંતુ તેને આ ગીત બનાવ્યા બાદ ઉદાસ રહેતો હતો, કારણ કે આ ગીત બનાવ્યા બાદ તેનું એકપણ ગીત લોકપ્રિય થયું નહોતું.

સોંગના લિરિસિસ્ટ તથા પૂર્વ ફિયાન્સીએ પણ આત્મહત્યા કરી હતી
અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગીત લખ્યા બાદ લાસ્લોએ પણ આત્મહત્યા કરી હતી. તેની એક્સ ફિયાન્સીએ ગીત રિલીઝ થયા બાદ આત્મહત્યા કરી હતી.

100થી વધુ સિંગર્સે આ વિવાદાસ્પદ ગીતને સ્વર આપ્યો
1933માં બનેલા આ ગીતને વિશ્વભરની અલગ અલગ 28 ભાષામાં અંદાજે 100 જેટલા સિંગર્સે અવાજ આપ્યો છે. 100થી વધુ સિંગર્સે આ ગીત ગાયું હોવા છતાં બિલી હોલીડેએ ગાયેલું ગીત લોકપ્રિય થયું હતું. બિલી હોલીડેએ ગાયેલા ગીત પર બૅન મૂકવામાં આવ્યો હતો.

ગીતની દર્દનાક વાત પર ફિલ્મ બની ચૂકી છે
21 ઓક્ટોબર, 1999માં હંગેરી, જર્મનીમાં ફિલ્મ 'ગ્લૂમી સન્ડે' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગીતના ભયાવહ ઈતિહાસ, કમ્પોઝર રેજ્સો સેરેસ તથા તેની અધૂરી લવસ્ટોરીની વાત કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મને ઑફિશિયલી રેજ્સોની બાયોગ્રાફી જાહેર કરવામાં આવી નહોતી.

Reference-

https://www.researchgate.net/publication/328278226_Gloomy_Sunday_Did_the_Hungarian_Suicide_Song_Really_Create_a_Suicide_Epidemic

https://www.mentalfloss.com/article/28525/songs-killer-strange-tale-gloomy-sunday

https://www.thesun.co.uk/living/2052069/hungarian-suicide-song-that-was-linked-to-100-deaths-and-banned-by-the-bbc-resurfaces-online/

https://www.bbc.com/news/blogs-news-from-elsewhere-31992667

https://www.ranker.com/list/gloomy-sunday-song-curse/jessika-gilbert

અન્ય સમાચારો પણ છે...