પોર્નોગ્રાફી કેસમાં સંડોવાયેલી ગેહનાનો દાવો:'રાજ કુંદ્રા પોતાની નવી એપની ફિલ્મમાં સાળી શમિતા શેટ્ટી સાથે કામ કરવાનો હતો'

મુંબઈ3 મહિનો પહેલા
  • ગેહનાનો દાવો, ધરપકડ થઈ એના થોડા દિવસ પહેલાં જ રાજ કુંદ્રાની ઓફિસ ગઈ હતી

પોર્નોગ્રાફી કેસમાં 19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની અન્ય આરોપી તથા એક્ટ્રેસ ગેહના વશિષ્ઠે દાવો કર્યો છે કે રાજ કુંદ્રા પોતાની સાળી શમિતા શેટ્ટીને લઈ એક ફિલ્મ બનાવવાનો હતો. રાજ કુંદ્રા આ ફિલ્મને નવી એપ પર રિલીઝ કરવાનું વિચારતો હતો. ગેહના વશિષ્ઠે કહ્યું હતું કે તે આ ફિલ્મને ડિરેક્ટ કરવાની હતી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં ગેહના વશિષ્ઠની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગેહનાને અંદાજે પાંચ મહિના બાદ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

રાજ કુંદ્રાની ઓફિસ ગઈ હતી
નવભારત ટાઇમ્સ સાથેની વાતચીતમાં ગેહનાએ કહ્યું હતું, 'જેલ ગઈ તેના થોડા દિવસ પહેલાં જ હું રાજ કુંદ્રાની ઓફિસ ગઈ હતી. ત્યાં ખબર પડી કે રાજ નવી એપ બોલિફેમ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરતો હતો. આ એપ પર રિયાલિટી શો, ચેટ શો, મ્યુઝિક વીડિયો, કોમેડી શો તથા નોર્મલ ફિલ્મ રિલીઝ કરવાની હતી. આ એપમાં બોલ્ડ ફિલ્મ રિલીઝ કરવાની નહોતી. આ દરમિયાન અમે સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી હતી. પછી એક સ્ક્રિપ્ટ માટે શમિતા શેટ્ટીને અને એક સ્ક્રિપ્ટ સઈ તામ્હણકરને તથા એક-બે આર્ટિસ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતું. મારી ધરપકડ થઈ તેના 3-4 દિવસ પહેલાં આ ફિલ્મના શૂટિંગ અંગે વિચાર્યું હતું. હું આ ફિલ્મ્સને ડિરેક્ટ કરવાની હતી.'

શમિતા શેટ્ટી સાથે મુલાકાત થઈ નહોતી
શમિતા શેટ્ટી સાથેની મુલાકાત પર ગેહનાએ કહ્યું હતું, 'હું શમિતા શેટ્ટીને ક્યારેય મળી નથી. મેં ફિલ્મની સ્ક્રિપ્ટ ઉમેશ કામતના માધ્યમથી મોકલાવી દીધી હતી. મારું કામ માત્ર ડિરેક્શનનું હતું. સેટ પર જઈને ફિલ્મ ડિરેક્ટ કરવાની હતી. તે કેટલા પૈસા લે છે અને કઈ શરતો છે એની સાથે મારે કોઈ લેવા-દેવા નહોતી. હું આ બધી વાતોમાં ક્યારેય પડતી નથી. શમિતા શેટ્ટીએ ઉમેશ કામત સાથે વાત કરી હતી અને તે ફિલ્મ માટે તૈયાર થઈ ગઈ હતી.'

કંગનાએ અંગે આ વાત કહી
ગેહના વશિષ્ઠે કંગના રનૌત અંગે કહ્યું હતું કે તેને બોલિવૂડ સામે આટલો બધો વાંધો છે તો તે કેમ છોડીને જતી નથી. તે જે થાળીમાં ખાય છે એમાં જ થૂંકે છે. કંગનાને મહેશ ભટ્ટે બ્રેક આપ્યો હતો અને આજે તે તેમની સામે જ આંગળી ચીંધે છે. તે અવારનવાર નેપોટિઝ્મ પર વાત કરે છે, પરંતુ તેણે પોતાની બહેનને મેનેજર બનાવી છે. પૂનમ પાંડે તથા શર્લિન અંગે કહ્યું હતું કે જો સાચે જ પોર્નોગ્રાફીનો કેસ થાય તો આ બંને પર જ થવો જોઈએ.

કેટલાક લોકોએ ફ્લેટ પચાવી પાડ્યો
ગેહના વશિષ્ઠે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક લોકોએ મુંબઈના માલવણી સ્થિત ફ્લેટ ગેરકાયદે રીતે પડાવી લીધો છે. જે લોકોએ ફ્લેટ પચાવી પાડ્યો છે તે લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. પોલીસે આ અંગે ફરિયાદ લેવાની ના પાડી દીધી છે. તેની પાસે ફ્લેટના તમામ પેપર્સ છે. તેણે આ ફ્લેટ માટે બેંકમાંથી લોન લીધી હતી અને એના પણ પેપર છે.