લીગલ એક્શન:FWICE એ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ લીગલ એક્શન લીધા, ડિરેક્ટર પર ફેડરેશનના વર્કર્સને સવા કરોડ રૂપિયા ન ચૂકવવાનો આરોપ

એક વર્ષ પહેલા

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને એમ્પ્લોયઝ (FWICE)એ પ્રોડ્યુસર- ડિરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ લીગલ એક્શન લીધા છે. કલાકારો, ટેક્નિશિયન અને વર્કર્સને મહેનતાણું ન ચૂકવવાની સ્થિતિમાં હવે ભવિષ્યમાં ફેડરેશનના 32 યુનિયનના એકપણ સભ્ય રામગોપાલ સાથે કામ નહીં કરે. ખબર અનુસાર રામ ગોપાલ વર્માએ કલાકારો, ટેક્નિશિયન અને વર્કર્સને સવા કરોડ રૂપિયા આપ્યા નથી. જ્યારે ફેડરેશન તેમને 2018થી પેમેન્ટ કરવા માટે કહેતું આવતું રહ્યું છે.

રામે મુંબઈ ફેડરેશનના સવા કરોડ રૂપિયા નથી ચૂકવ્યા
દિવ્ય ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં ફેડરેશનના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ જણાવ્યું કે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ 2018થી લોકોની ફરિયાદ આવી રહી છે. પહેલા તેમણે મુંબઈ છોડ્યું, અહીંયા પણ ઓફિસના લોકોને પેમેન્ટ આપ્યું ન હતું. ત્યારબાદ તે હૈદરાબાદ અને ત્યાંથી ગોવા જતા રહ્યા. હૈદરાબાદના એસોસિએશનના પણ પૈસા બાકી છે, પણ કેટલા બાકી છે તે ખ્યાલ નથી. પરંતુ મુંબઈ ફેડરેશનના સવા કરોડ રૂપિયા બાકી છે. તેના માટે અમારે બે વખત ગોવા જવું પડ્યું. તે બોલતા રહ્યા કે તમે આવો, આપણે મળીને વાત કરી લઈએ છીએ પણ ત્યાં ગયા બાદ અમારા ફોન રિસીવ કરવાના બંધ કરી દેતા હતા.

ગરીબ વર્કર્સને પૈસા ન આપીને ખરાબ કામ કરી રહ્યા છે
બીએન તિવારીએ આગળ જણાવ્યું, હજુ 4 જાન્યુઆરી, 2021ના રોજ અમને રામ ગોપાલે હૈદરાબાદ મળવા બોલાવ્યા હતા. કહ્યું અહીંયા આવી જાઓ, વાત કરીશું. ત્યાં જઈને ફોન પર હેલો, હેલો બોલીને ફોન કાપી નાખતા હતા. ત્યારબાદ ફોન જ સ્વિચ ઓફ કરી દીધો. તેમની સાથે મુલાકાત પણ ન થઇ. આ માણસે અમને ઘણા હેરાન કર્યા છે. એક ફેમસ ડિરેક્ટર- પ્રોડ્યુસર થઈને આ રીતે કલાકારો, ટેક્નિશિયન અને ગરીબ વર્કર્સને પૈસા ન આપીને ખરાબ કામ કરી રહ્યા છે. જેના પૈસા બાકી છે, તે ઓછામાં ઓછા 50 લોકો હશે. અમે 2018માં જ તેમને નોન કોઓપરેશન નોટિસ મોકલી દીધી હતી. તેની જાણકારી બોડી વગેરેને પણ આપી દેવામાં આવી છે પણ રામ ગોપાલ ટાઈમ આપતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ કઈ કર્યું નહીં.

ભવિષ્યમાં રામ ગોપાલ સાથે કામ ન કરવાનો નિર્ણય
ફેડરેશનના પ્રેસિડેન્ટ બીએન તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેઝરર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ ભાઈ) એ પ્રેસ નોટ રિલીઝ કરી જણાવ્યું કે આ બાબતે અમે લોકોએ તેમને પહેલાં જ નોટિસ મોકલી છે. FWICE તરફથી રામ ગોપાલ વર્માને 17 સપ્ટેમ્બર, 2020ના રોજ લેટર લખીને તે કલાકારો, ટેક્નિશિયન અને ગરીબ વર્કર્સનું આખું લિસ્ટ અને પેમેન્ટની રકમ વિશે જણાવવામાં આવ્યું હતું.

આ વિશે અન્ય ઘણીવાર પણ રામ ગોપાલ વર્માને FWICE એ લેટર લખ્યો, પરંતુ તેમણે લેટર લેવાની જ ના પાડી દીધી. અમે ગોવાના મુખ્યમંત્રીને પણ 10 સપ્ટેમ્બરે, 2020ના લેટર લખ્યો હતો. પણ હવે મજબૂરીમાં તેમની સાથે ભવિષ્યમાં કામ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે IMPPA અને GUILD તથા બધા પ્રમુખ યુનિયનોને સૂચિત કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...