વિવાદોમાં રાજ:IPL ફિક્સિંગથી લઈ અંડરવર્લ્ડ સાથેની ડીલ સુધી, અનેક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે શિલ્પા શેટ્ટીનો પતિ

મુંબઈએક વર્ષ પહેલા
  • પૂનમ પાંડેએ પણ રાજ કુંદ્રા પર આક્ષેપ મૂકીને કહ્યું હતું કે તેણે તેની તસવીરોનો ખોટો ઉપયોગ કર્યો હતો
  • ડોન ઈકબાલ મિર્ચી સાથે રાજ કુંદ્રાનું નામ જોડવામાં આવ્યું હતું.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફિક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ પર મોબાઇલ એપના માધ્યમથી ફિલ્મ બનાવવાનો તથા વેચવાનો આરોપ છે. પોલીસના મતે, રાજ પર ફેબ્રુઆરીમાં કેસ કરવામાં આવ્યો હતો અને રાજ મહત્ત્વની ભૂમિકામાં છે. જોકે, આ પહેલીવાર નથી કે રાજ કોઈ વિવાદમાં ફસાયો હોય.

મોડલની તસવીરોને કારણે વિવાદમાં રહ્યો હતો
રાજ કુંદ્રા પર મોડલ તથા એક્ટ્રેસ પૂનમ પાંડેએ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. પૂનમે આક્ષેપ કર્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેની તસવીરોનો ખોટો ઉપયોગ કર્યો છે. જોકે, રાજ કુંદ્રાએ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.

IPL વિવાદ
રાજ કુંદ્રાના સૌથી ચર્ચિત વિવાદમાંથી એક IPL વિવાદ છે. 2009માં રાજ કુંદ્રા તથા શિલ્પા શેટ્ટીએ મોરેશિયસની એક કંપનીની મદદથી IPLમાં રોકાણ કર્યું હતું. તેઓ રાજસ્થાન રૉયલ્સના માલિક બન્યા હતા. માનવામાં આવે છે કે શિલ્પા શેટ્ટીની લોકપ્રિયતાને IPLમાં એનકેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માર્કેટિંગ, મીડિયા, વેપાર તમામ બાબતો કરવામાં આવી હતી, જેથી સ્પોન્સર મળી શકે. જોકે, 2013માં દિલ્હી પોલીસે રાજ કુંદ્રાની સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ કરી હતી.

આ કેસમાં રાજસ્થાન રોયલ્સના કેટલાંક ખેલાડીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુંદ્રાએ એ વાત સ્વીકારી હતી કે તેણે ટીમ માટે સટ્ટો રમ્યો હતો અને ઘણાં પૈસા રોક્યા હતા. રાજ કુંદ્રાના ફિક્સિંગ તથા તેની ટેકનિક અંગે વિવાદ થયો તો કોર્ટે કહ્યું કે રાજે BCCIના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2015માં રાજ કુંદ્રા પર આજીવન ક્રિકેટ સંબંધિત કોઈ પણ એક્ટિવિટીમાં સામેલ થઈ શકે નહીં તે રીતનો આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શિલ્પા શેટ્ટીનું નામ પણ આ કેસમાં ચર્ચાયું હતું.

મલ્ટીલેવલ માઇનિંગ સ્કીમ અંગે વિવાદ
2018માં રાજ કુંદ્રા પર ગેનબિટક્વાઇન નામની કંપની સાથે જોડાવવાનો આક્ષેપ હતો. આ કંપની 2 હજાર કરોડનું કૌભાંડમાં સામેલ હતી. EDએ રાજની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પુના સ્થિત આરોપી તથા આ બનાવટી સ્કેમના માસ્ટર માઇન્ડ અમિત ભારદ્વાજ તથા તેના ભાઈની ધરપકડ કરી હતી. આ મલ્ટીલેવલ માઇનિંગ સ્કીમમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ સામેલ હતા. પુન પોલીસની ક્રાઇમ સેલ તથા EDની તપાસમાં રાજનું નામ સામે આવ્યું હતું. રાજ પણ અન્ય સ્ટાર્સની જેમ આ કંપનીની સ્કીમને પ્રમોટ કરતો હતો.

છેતરપિંડીનો વિવાદ
2017માં રાજ કુંદ્રા તથા શિલ્પા પર છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો હતો. એક વેપારીએ રાજ તથા શિલ્પાની કંપની બેસ્ટ ડીલ ટીવીના એક કેસમાં તેમના વિરુદ્ધ કેસ કર્યો હતો. આ કેસમાં પોલીસે 5 લોકો વિરુદ્ધ IPCની કલમ 420, 406 હેઠળ FIR કરી હતી.

અંડરવર્લ્ડ સાથે પણ નામ
રાજ કુંદ્રાનું નામ અંડરવર્લ્ડ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. રાજનું નામ ઇકબાલ મિર્ચી ડૉન સાથે જોડવામાં આવ્યું હતું. 2019માં EDએ 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. રાજે કહ્યું હતું કે તેના સંબંધો અંડરવર્લ્ડ સાથે નથી.

સચિન જોષી સાથે વિવાદ
રાજ કુંદ્રા તથા ગુટખા કિંગ તથા એક્ટર સચિન જોષી સાથે પણ વિવાદ થયો હતો. 2017માં રાજે પોકર લીગ લૉન્ચ કરી હતી. કુંદ્રાનો આક્ષેપ હતો કે સચિન આ લીગનો હિસ્સો હતો. સચિન ઇન્ડિયન પોકર લીગમાં પોતાની ટીમ લઈને આવ્યો હતો. જોકે, લીગમાં તેને કોઈ પેમેન્ટ કર્યું નહોતું. સચિને 40 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને તે બાઉન્સ થઈ ગયો હતો. આ સમયે સચિને કહ્યું હતું કે રાજે આ ટૂર્નામેન્ટમાં ઘાલમેલ કરી હતી. તેમાં પહેલેથી જ નક્કી હતું કે કઈ ટીમ જીતશે. જ્યારે તેને આ વાતની જાણ થઈ તો તેણે પોતાની ટીમનું નામ હટાવી લીધું હતું. તેમણે રાજ સાથે કોઈ એગ્રીમેન્ટ સાઇન કર્યો નહોતો અને તેથી જ પેમેન્ટનો સવાલ નથી. આ અંગે સચિન તથા રાજ વચ્ચે સો.મીડિયામાં બબાલ થઈ હતી.

ગોલ્ડ વિવાદ
સચિન જોષીએ 2020માં શિલ્પા તથા રાજ વિરુદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સચિનનો આક્ષેપ હતો કે એક કિલો સોનું ખરીદવાની બાબતમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેણે આ સોનું સતયુગ ગોલ્ડ પાઇવેટ લિમિટેડ કંપનીની ગોલ્ડ સ્કીમ યોજના હેઠળ ખરીદ્યું હતું. સચિનના મતે, શિલ્પા તથા રાજ આ કંપનીના પ્રમુખ હતા. જોશીના મતે, માર્ચ 2014માં તેણે 18.58 લાખ રૂપિયાનું એક કિલો સોનું ખરીદ્યું હતું. તે સમયે પાંચ વર્ષની યોજના હેઠળ એક ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યું હતું અને નિશ્ચિચ સમય પૂરો થયા બાદ સોનું લઈ શકાય તેવું વચન આપવામાં આવ્યું હતું. રોકાણ કરતી વખતે શિલ્પા તથા રાજ તે કંપનીના પ્રમુખ હતા. માર્ચ 2019માં પાંચ વર્ષનો સમય પૂરો થતાં જોશીએ સોનુ લેવાનો પ્રયાસ કર્યો તો તેને ખ્યાલ આવ્યો કે બાંદ્રા-કુર્લા સ્થિત કંપનીની ઓફિસ બંધ છે અને તેણે સતત સંપર્ક કર્યો હોવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો.