આ સ્ટાર્સ પર લાગી ચૂક્યા છે આરોપ:દીપિકાથી લઈને આમિર ખાન સુધીના સેલેબ્સ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ રહ્યા છે ચર્ચામાં

18 દિવસ પહેલા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થઇ છે. આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સારું રહ્યું છે. પરંતુ આ ફિલ્મ વિવાદને કારણે પણ ચર્ચામાં રહી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ એક્ટર રણબીર કપૂર વિરુદ્ધ શુક્રવારે વારાણસીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ થર્ડની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ રાજા આનંદ જ્યોતિ સિંહે એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ફિલ્મમાં રણબીર હિંદુ ધર્મની આસ્થાના પ્રતીક મંદિરમાં જૂતાં પહેરીને પ્રવેશતો અને પછી ઘંટ વગાડતો દેખાડવામાં આવ્યો છે.

તો બીજી તરફ ફિલ્મના રિલીઝ પહેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહાકાલ દર્શન માટે ઉજ્જૈન ગયાં હતાં, પરંતુ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે બંને સ્ટાર્સ મંદિરમાં દર્શન કર્યાં વગર જ પરત ફર્યાં હતા. આ બંનેની સાથે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ હતા. જેઓ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી. આ પાછળ એવું કારણ છે કે, ફિલ્મની રિલીઝ પહેલાં જ રણબીરની એક જૂની ઇન્ટરવ્યૂની ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં રણબીરે કહ્યું હતું કે તેને બીફ ખાવું ગમે છે. રણબીરે આ ઈન્ટરવ્યૂ 2011માં આપ્યો હતો.

રણબીર સિવાય અન્ય સેલેબ્સ પણ છે, જેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

આમિર ખાન
આમિર ખાનની ફિલ્મ 'પીકે' 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કારણે એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આમિર ખાન પર ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ હતો. વિગતે વાત કરવામાં આવે તો, ફિલ્મના એક સીનમાં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા અભિનેતાને દોડતો, ભાગતો અને છુપાયેલો બતાવવામાં આવ્યો છે.

અક્ષય કુમાર
2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'લક્ષ્મી'ને લઈને અક્ષયકુમાર પણ વિવાદોમાં આવ્યો હતો. વાસ્તવમાં આ ફિલ્મનું પહેલું ટાઈટલ 'લક્ષ્મી બોમ્બ' હતું, જેના કારણે અક્ષય પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ વિવાદ પછી મેકર્સે ફિલ્મનું ટાઈટલ બદલીને 'લક્ષ્મી' કરી દીધું હતું.

અનુષ્કા શર્મા
એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ વેબ સિરીઝ 'પાતાળ લોક'ને લઈને વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. આ સીરિઝ તેના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટમાં બનાવવામાં આવી હતી અને એક્ટ્રેસ પર સિરીઝમાં બે ધર્મોનો ટકરાવ બતાવવાનો આરોપ હતો. હિંદુ દેવી-દેવતાઓને પણ મંદિરની સામે માંસ ખાતા બતાવવામાં આવ્યાં હતાં અને શીખ સમુદાયને પણ ખરાબ રીતે દેખાડવામાં આવ્યો હતો.

અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચનનો પુત્ર અને એક્ટર અભિષેક બચ્ચન પણ વિવાદમાં આવી ચૂક્યો છે. એક ફિલ્મના સીનમાં કાલી મા અને ભગવાન શિવનું રૂપ ધારણ કરીને 2 લોકો એક્ટરની ગાડીને ધક્કો આપી રહ્યા હતા.

સૈફ અલી ખાન
'સેક્રેડ ગેમ્સ-2' ને લઈને લોકોનો એક્ટર પર ગુસ્સો ભભૂકી ઊઠ્યો હતો. સૈફ અલી ખાન પર હિન્દુ અને શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ ફિલ્મના એક દ્રશ્યમાં બતાવવામાં આવ્યું છે કે એક ધાર્મિક નેતા છે, જે મુંબઈ પર પરમાણુ હુમલો કરવા માગે છે. સોશિયલ મીડિયા પર આ શોને એન્ટિ હિન્દુ કહેવામાં આવ્યો હતો.

દીપિકા પાદુકોણ
ફિલ્મ 'પદ્માવત'ને કારણે દીપિકા પાદુકોણ પણ કરણી સેનાના નિશાના પર હતી અને તેને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ મળી હતી. દીપિકા પર આરોપ છે કે તેણે 'ઘૂમર ડાન્સ' ખૂબ જ ખરાબ કર્યો છે. જ્યાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાં કેટલાક લોકોએ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી પર હુમલો કર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, આ ફિલ્મ માટે ઈતિહાસ સાથે રમત રમી છે. આ હુમલામાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા બચી ગયાં હતાં. આ સિવાય દીપિકાની ફિલ્મ 'છપાક' પણ હિંદુ વિરોધી હોવાનું કહેવાય છે.