તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉંમર તો માત્ર નંબર:અનિલ કપૂરથી લઈ જેકી શ્રોફ સહિતના આ સ્ટાર્સ 60+ હોવા છતાંય ફિટનેસમાં યુવાનોને પણ શરમાવે

મુંબઈ3 મહિનો પહેલા
  • 85 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્ર વોટર એરોબિક્સ કરે છે
  • અમિતાભ બચ્ચન 78 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ જોવા મળે છે

બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રે સો.મીડિયામાં હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ધરમપાજી સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે. આ વીડિયોની સાથે તેમણે કહ્યું હતું કે યોગ તથા હળવી કસરતની સાથે વોટર એરોબિક્સ શરૂ કર્યાં છે. ધર્મેન્દ્રે ગયા વર્ષે લૉકડાઉનમાં પોતાના લોનાવલા સ્થિત ફાર્મહાઉસમાં સ્વિમિંગ પૂલ બનાવ્યો હતો. જોકે, બોલિવૂડમાં ખાલી ધર્મેન્દ્ર જ એવા નથી, જે 85 વર્ષની ઉંમરે પણ ફિટ છે. બોલિવૂડના 60થી વધુ ઉંમરના એવા કલાકારો છે, જે આજે પણ એકદમ ફિટ છે અને એક્ટિવ છે.

અનિલ કપૂર

64 વર્ષીય અનિલ કપૂરની ઉંમર વધવાને બદલે ઘટતી હોય એમ લાગે છે. તે પોતાની ફિટનેસ તથા એક્ટિંગને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. 64 વર્ષની ઉંમરમાં પણ અનિલ કપૂર યંગ એક્ટર્સને શરમાવે તે રીતે વર્કઆઉટ કરે છે. અનિલ કપૂર યોગ્ય ડાયટ તથા વર્કઆઉટને કારણે એકદમ ફિટ છે. તે રનિંગ, સાયકલિંગ, પ્લૅન્ક્સ, વેઈટ લિફ્ટિંગ સહિત વિવિધ એક્સર્સાઈઝ કરે છે. અનિલ કપૂર સો.મીડિયામાં પણ વર્કઆઉટની તસવીર શૅર કરે છે. અનિલ કપૂરની ગયા વર્ષે અનુરાગ કશ્યપ સાથેની ફિલ્મ 'AK vs AK' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તે પહેલાં અનિલ કપૂરે 'મલંગ'માં પોલીસનો રોલ પ્લે કર્યો હતો. અનિલ કપૂરે ફિલ્મ 'જુગ જુગ જિયો'નું શૂટિંગ ગયા વર્ષે પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં નીતુ સિંહ, વરુણ ધવન, કિઆરા અડવાણી છે.

રજનીકાંત

70 વર્ષીય રજનીકાંતે પહેલાં રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી, પરંતુ પછી તબિયતને કારણે તેમણે રાજકારણમાં ઝંપલાવવાનું માંડી વાળ્યું હતું. ગયા વર્ષે રજનીકાંતે 'ધ વાઈલ્ડ વિથ બેઅર ગ્રીલ્સ'ના શઓમાં જોવા મળ્યાં હતાં. તેમણે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. રજનીકાંતની વર્કઆઉટ કરતી તસવીરો ઘણીવાર વાઈરલ થતી હોય છે. રજનીકાંત વર્કઆઉટ ઉપરાંત નિયમિત રીતે યોગ તથા સ્વિમિંગ કરે છે.

સની દેઓલ

ગયા વર્ષે ઓક્ટોબરમાં દેઓલ પરિવારે સની દેઓલનો 64મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સની દેઓલે જોઈને કોઈ એમ ના કહે તેની ઉંમર 64ની છે. ભાજપની ટિકિટ પરથી ગુરદાસપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી. સાંસદ હોવા છતાંય સની દેઓએલ રોજ એકથી 2 કલાક વર્કઆઉટ કરે છે. સની દેઓલ સવારે વેઈટ લિફ્ટિંગની એક્સર્સાઈઝ કરે છે તો સાંજે સ્પોર્ટ્સ રમે છે. 2019માં સની દેઓલે ડિરેક્ટર તરીકે 'પલ પલ દિલ કે પાસ'ને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મથી સનીએ પોતાના દીકરા કરન દેઓલને બોલિવૂડમાં લૉન્ચ કર્યો હતો. હવે સની દેઓલ ભાઈ બોબી, દીકરા કરન તથા પિતા ધર્મેન્દ્ર સાથે ફિલ્મ 'અપને 2'માં કામ કરી રહ્યો છે.

અમિતાભ બચ્ચન​​​​​​​

ફિટ એક્ટરની વાત આવે ત્યારે અમિતાભ બચ્ચનનું નામ ના હોય તે વાત શક્ય જ નથી. 78ની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન સતત કામ કરે છે. હાલમાં અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ'ના પ્રોમોનું શૂટિંગ કર્યું હતું. આ શો એકાદ-બે મહિનામાં શરૂ થશે. આ ઉપરાંત અમિતાભ રેગ્યુલર જીમમાં જાય છે. અહીંયા તેઓ ટ્રેડમિલ, વેઈટ લિફ્ટિંગ સહિતની કસરતો કરે છે. વર્કઆઉટ ઉપરાંત અમિતાભ બચ્ચન યોગ તથા મેડિટેશન પણ કરે છે. અમિતાભ સો.મીડિયામાં પણ એટલા જ એક્ટિવ છે. તેમની ફિલ્મ 'ઝુંડ', 'ચેહરે' બનીને તૈયાર છે, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન પહેલાં 'મેડે' તથા 'ગુડ બાય'નું શૂટિંગ કરતાં હતાં. દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ધ ઈન્ટર્ન'માં પણ તેઓ જોવા મળશે. 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા તથા રણબીર સાથે કામ કરે છે. ગયા વર્ષે બિગ બીની ફિલ્મ 'ગુલાબો સિતાબો' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

અનુપમ ખેર

66 વર્ષીય અનુપમ ખેર વેઈટ લિફ્ટિંગ, પુશ-અપ્સ સહિતની એક્સર્સાઈઝ કરે છે. લૉકડાઉનમાં પણ અનુપમ ખેર પોતાની ફિટનેસ પ્રત્યે સજાગ રહ્યાં હતાં. સો.મીડિયામાં ઘણીવાર અનુપમ ખેર વર્કઆઉટ વીડિયો કે તસવીરો શૅર કરે છે. 2016માં અનુપમ ખેરે 14 કિલો વજન ઘટાડીને ટ્રાન્સફોર્મેશનની તસવીરોથી ચાહકોને નવાઈમાં મૂકી દીધા હતા. અનુપમ ખેર બટાટા, ભાત તથા સ્વીટ્સ બિલકુલ ખાતા નથી. આટલું જ નહીં તેઓ રોજ ઓછામાં ઓછા દસ હજાર સ્ટેપ્સ ચાલે છે. અનુપમ ખેરે છેલ્લે અમેરિકન સિરીઝ 'ન્યૂ એમ્સર્ટડેમ'માં જોવા મળ્યા હતા.

જેકી શ્રોફ​​​​​​​

ટાઈગર શ્રોફ પોતાની ફિટનેસને કારણે ચાહકોમાં પ્રિય છે. તે પોતાની ટોન્ડ બૉડી તથા મસલ્સને કારણે યુવતીઓનો ફેવરિટ છે. જોકે, ટાઈગર શ્રોફના પિતા જેકી આજે પણ એકદમ યંગ લાગે છે. 64 વર્ષીય જેકી શ્રોફ રોજ યોગ કરે છે. આ ઉપરાંત વિવિધ વર્કઆઉટ કરે જ છે. ચાહકો જેકી શ્રોફને રિયલ 'બાગી' કહે છે. જેકી શ્રોફ છેલ્લે સલમાન ખાનની ફિલ્મ 'રાધે'માં જોવા મળ્યો હતો.

કબીર બેદી​​​​​​​

હેન્ડસમ હંક કબીર બેદી 75 વર્ષના છે, તે કોઈને ખ્યાલ આવે તેમ નથી. આ ઉંમરે પણ કબીર બેદી પોતાના સોલ્ટ એન્ડ પીપર લુકને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. કબીર બેદીએ પોતાના 70મા જન્મદિવસના એક દિવસ પહેલાં 28 વર્ષ નાની પ્રેમિકા પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યાં હતાં. કબીર બેદી છેલ્લે 2018માં ફિલ્મ 'સાહબ બીવી ઔર ગેંગસ્ટર 3'માં જોવા મળ્યા હતા. 2019માં વેબ સિરીઝ 'થિંકિસ્તાન'માં કામ કર્યું હતું.

કમલ હાસન

66 વર્ષીય કમલ હાસન રાજકારણમાં એક્ટિવ છે. આ જ કારણથી ફિલ્મ કરવાનું ઓછું કરી નાખ્યું છે. આ ઉંમરે પણ કમલ હાસન રોજ 8-10 કિમી રનિંગ કરે છે. આ ઉપરાંત તે અન્ય વર્કઆઉટ તો કરે જ છે.