સેલેબ્સનાં સંતાનોનાં યુનિક નામ:આલિયાની રાહાથી લઈ બિપાશાની દેવી સુધી, જાણો એક્ટ્રેસિસનાં બાળકોનાં હટકે નામોનો અર્થ

મુંબઈ2 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મના 18 દિવસ બાદ, એટલે કે 24 નવેમ્બરના રોજ આલિયાએ પોતાની લાડલીનું નામ જાહેર કર્યું હતું. આલિયાએ દીકરીનું નામ 'રાહા' પાડ્યું છે. રાહાના અનેક અર્થ થાય છે. આ વર્ષે માત્ર આલિયા જ નહીં, પરંતુ બોલિવૂડના ઘણા જાણીતા સેલેબ્સ પેરેન્ટ્સ બન્યા છે. આજે આપણે બોલિવૂડ સેલેબ્સનાં સંતાનોનાં નામ અને એનો અર્થ શું થાય છે એ અંગે વાત કરીશું.

આલિયા ભટ્ટ-રણબીર કપૂરની રાહા

આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ છ નવેમ્બરના રોજ મુંબઈમાં દીકરીને જન્મ આપ્યો છે. આલિયાએ દીકરીના નામનો અર્થ સમજાવ્યો હતો. આલિયાએ કહ્યું હતું, 'રાહા'નો અર્થ જોય (ખુશી) છે. સંસ્કૃતમાં રાહા એક ગોત્ર છે. બંગાળીમાં આનો અર્થ આરામ તથા રાહત છે. અરબીમાં રાહા એટલે શાંતિ. આ ઉપરાંત ખુશી, સ્વતંત્રતા તથા આનંદ જેવા અનેક અર્થ થાય છે. આલિયાએ હજી સુધી પોતાની લાડલીનો ચહેરો બતાવ્યો નથી.

બિપાશા બાસુ-કરન સિંહ ગ્રોવરની દેવી

બિપાશાએ 12 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. બિપાશાએ હજી સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી. બિપાશા તથા કરને દીકરીનું નામ દેવી પાડ્યું છે. દેવી સંસ્કૃત શબ્દ છે અને હિંદુ માન્યતા પ્રમાણે દેવી એટલે ભગવાન. બિપાશા તથા કરને એપ્રિલ, 2016માં લગ્ન કર્યાં હતાં. બિપાશા બાસુ છેલ્લે 2015માં ફિલ્મ 'અલોન'માં જોવા મળી હતી. ત્યાર બાદ તે એકપણ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. 2020માં વેબસિરીઝ 'ડેન્જરસ'થી તેણે ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.

ઈશા અંબાણી-આનંદ પિરામલની આદ્યા ને ક્રિષ્ના

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ 19 નવેમ્બરના રોજ ટ્વિન્સને જન્મ આપ્યો હતો. ઈશા તથા આનંદે દીકરીનું નામ આદ્યા ને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. આદ્યાનો અર્થ શરૂઆત, પાવર (શક્તિ) એવો થાય છે, જ્યારે ક્રિષ્નાનો અર્થ ભગવાન શ્રીકૃષ્ણ. ઈશા અંબાણીએ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈશા તથા આકાશ પણ ટ્વિન્સ છે.

નયનતારા-વિગ્નેશના ઉઈર તથા ઉલગામ

સાઉથ એક્ટ્રેસ નયનતારા તથા ફિલ્મમેકર વિગ્નેશે લગ્નના ચાર મહિના બાદ, એટલે કે 9 ઓક્ટોબરના રોજ બાળકોનાં જન્મ અંગેની વાત કરી હતી. નયનતારા સરોગસીની મદદથી દીકરાઓની માતા બની છે. વિગ્નેશે સો.મીડિયામાં ટ્વિન્સની તસવીર શૅર કરી હતી. વિગ્નેશે દીકરાઓનાં નામ ઉઈર તથા ઉલગામ પાડ્યું હોવાનું કહ્યું હતું. આ બંને શબ્દો તમિળ શબ્દ છે. ઉઈરનો અર્થ જીવન તથા ઉલગામનો અર્થ દુનિયા થાય છે. નયનતારા તથા વિગ્નેશે છ વર્ષના ડેટિંગ બાદ 25 માર્ચ, 2021ના રોજ સગાઈ કરી હતી. ત્યાર બાદ આ વર્ષે 10 જૂનના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના બાદ જ નયનતારા-વિગ્નેશ સરોગસીની મદદથી પેરેન્ટ્સ બન્યાં એ મુદ્દે ઘણો જ વિવાદ થયો હતો. તામિળનાડુ સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા. તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે નયનતારા તથા વિગ્નેશે 11 માર્ચ, 2016ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે સરોગસીની તમામ ગાઇડલાઇન્સ તથા પ્રોસેસનું પાલન કર્યું હતું.

ભારતી સિંહ-હર્ષ લીંબચિયાનો ગોલા

ભારતી સિંહે આ વર્ષે 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના ચાર મહિના બાદ ભારતીએ દીકરાનો ચહેરો બતાવ્યો હતો. ભારતી તથા હર્ષ દીકરાને લાડમાં ગોલા કહીને બોલાવે છે. તેમણે પોતાના દીકરાનું નામ લક્ષ્ય પાડ્યું છે. લક્ષ્ય એટલે ધ્યેય થાય. ભારતીએ 2017માં રાઇટર હર્ષ લીંબચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યાં હતાં.

કાજલ અગ્રવાલ-ગૌતમ કિચુલેનો નીલ

કાજલ તથા ગૌતમે ઓક્ટોબર 2020માં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. કાજલ અગ્રવાલે 19 એપ્રિલ, 2022ના રોજ દીકરા નીલ કિચુલેને જન્મ આપ્યો હતો. નીલનો અર્થ ચેમ્પિયન, વિજેતા થાય છે. આ ઉપરાંત નીલનો અર્થ વાદળ, વિક્ટરી, જુસ્સો તથા સન્માન એવો પણ થાય છે.

સોનમ કપૂર-આનંદ આહુજાનો વાયુ

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે મે, 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. 20 ઓગસ્ટ, 2022માં સોનમ કપૂરે મુંબઈમાં દીકરાને જન્મ આપ્યો હતો. સોનમ તથા આનંદે દીકરાનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. વાયુનો અર્થ પવન, હવા થાય છે. હિંદુ માન્યતા પ્રમાણે, પંચતત્ત્વમાંથી એક તત્ત્વ વાયુ છે, જ્યારે પૃથ્વી, અગ્નિ, પાણી, આકાશ બાકીનાં ચાર તત્ત્વો છે.

હેઝલ કિચ-યુવરાજ સિંહનો ઓરાયન

બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કિચે 2016, નવેમ્બરમાં ઇન્ડિયન ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે 22 જાન્યુઆરીના રોજ હેઝલે દીકરાને જન્મ આપ્યો હતો. હેઝલે પોતાના દીકરાનું નામ ઓરાયન કિચ સિંહ રાખ્યું છે. ઓરાયનનો અર્થ સપ્તર્ષિ (સાત તારાઓનું ઝૂમખું) થાય છે. આ ઉપરાંત મૃગશીર્ષ નામનો નક્ષત્ર એવો પણ થાય છે. યુવરાજે 2019માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

પ્રિયંકા ચોપરા-નિક જોનસની માલતી

પ્રિયંકા ચોપરા સરોગસીની મદદથી 15 જાન્યુઆરી રોજ દીકરીની માતા બની હતી. પ્રિયંકાએ દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનસ પાડ્યું છે. માલતી શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ તથા ચાંદની (મૂનલાઇટ) થાય છે. તો મેરી લેટિન ભાષાના સ્ટેલા મેરિસમાંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ સમુદ્રનો તારો એવો થાય છે. બાઇબલમાં પણ આ નામ છે અને એનો અર્થ ઈશુની માતા એવો થાય છે. પ્રિયંકા તથા નિકે ડિસેમ્બર, 2018માં રાજસ્થાનના જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં હતાં. આ લગ્ન ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી કરવામાં આવ્યાં હતાં. નિક અમેરિકન સિંગર છે.

અન્ય સમાચારો પણ છે...