તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિસિંગ ચિંટુજી:પહેલી વાર રિશી કપૂરને અહેસાસ થયો કે તેમની પાસે અમિતાભ બચ્ચન કરતાં વધુ સ્કોપ હતો

મુંબઈ5 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • ડિરેક્ટર ઉમેશ શુક્લા તથા રાઈટર સૌમ્ય જોષીએ કહ્યું કે રિશી કેવી રીતે ઈન્વોલ્વ થયા હતા
  • રિશી કપૂર વધુ પડકારજનક રોલ કરવામાગતા હતા, કહેતા કે મારા માટે કંઈક નવું લખો

અમિતાભ તથા રિશી કપૂર, એક એક્શન હીરો તો બીજો રોમેન્ટિક. બંનેનો સમય લગભગ સાથે સાથે હતો અને બંનેએ સાથે કામ પણ કર્યું. ‘નસીબ’નું ગીત ‘ચલ ચલ મેરે ભાઈ’ હોય કે પછી ‘કુલી’નું ‘લંબુજી લંબુજી’ આ બંને જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવે ત્યારે દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવતા હતા.

રિશી કપૂર એક એક્ટર તરીકે પોતાની બીજી ઈનિંગમાં પાત્રો પ્રત્યે ઘણાં જ સચેત થઈ ગયા હતા. તે પાત્રની મનોસ્થિતિમાં જઈને તેને વ્યક્ત કરવાનો પ્રયાસ કરતા હતા. તે ઈચ્છતા કે તેમણે હજી પણ ડેપ્થવાળા પાત્રો કરવા છે. રિશી કપૂરની ફર્સ્ટ ડેથ એનિવર્સરી પર ફિલ્મના રાઈટર તથા ડિરેક્ટરે પોતાના અનુભવો શૅર કર્યા હતા.

અમિતાભની સાથે કામ કરવા અંગે આ વાત કહી હતી
રિશી કપૂરે પોતાના પુસ્તક ‘ખુલ્લમ ખુલ્લા’માં કહ્યું હતું કે તે સમય એક્શન ફિલ્મનો હતો, અમિતાભ માટે ખાસ સ્ક્રિપ્ટ લખવામાં આવતી. આખી જે ફિલ્મમાં અમિતાભ હોય તેમાં અન્ય કલાકારોને વધારે મહત્ત્વ આપવામાં આવતું નહોતું. આ જ કારણ છે કે તેમણે ‘કભી કભી’માં કામ કરવાની ના પાડી દીધી હતી. જોકે, યશ ચોપરાએ શશિ કપૂરને કહીને રિશી કપૂરને મનાવ્યા હતા. આ પહેલી ફિલ્મ હતી, જેમાં રિશી તથા બિગ બી રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

પોતાની એક્ટિંગના કરિયરના ઉતરાર્ધમાં અમિતાભ તથા રિશી બંનેએ પોતાની ઈમેજ બ્રેક કરીને અનેક યાદગાર રોલ પ્લે કર્યાં. આ સમયમાં 27 વર્ષ બાદ બંને પહેલી વાર સ્ક્રીન પર જોવા મળ્યા. આ ફિલ્મ હતી, ‘102 નોટ આઉટ.’ આ જ નામથી ગુજરાતી નાટક બન્યું હતું. આ ફિલ્મમાં રિશી કપૂરને લાગ્યું હતું કે તેમના પાત્રમાં અમિતાભ કરતા વધુ સ્કોપ છે. 102 વર્ષના દત્તાત્રેય વખારિયાના પાત્રમાં અમિતાભ એવા જ હતા, જેવા તે પહેલાં હતાં, પરંતુ જે પાત્ર બદલાય છે એટલે કે જે પાત્રમાં પરિવર્તન આવે છે તે તેમના 75 વર્ષીય દીકરા બાબુલાલનું છે. જેમ જેમ ફિલ્મ ચાલે છે, તેમ તેમ 102 વર્ષના પિતા પોતાના 75 વર્ષીય દીકરાના જીવનનો અંદાજ બદલી નાખે છે. બાબુલાલનો રોલ રિશી કપૂરે ઘણી જ બખૂબી નિભાવ્યો હતો.

પહેલીવાર વર્કશોપ કરી અને કહ્યું કે હવે દરેક ફિલ્મમાં કરીશ
‘102 નોટ આઉટ’ના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, જ્યારે મેં તથા ફિલ્મના રાઈટર સૌમ્ય જોષીએ તેમને પહેલી જ વાર ફિલ્મની સ્ટોરી સંભળાવી તો તે ઘણાં જ ઉત્સાહમાં આવી ગયા હતા. માત્ર 10 મિનિટમાં ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં વર્કશોપ કરવાનું નક્કી થયું હતું. પહેલાં તો રિશી કપૂરે ના પાડી અને કહ્યું કે તે આટલા વર્ષમાં ક્યારેય વર્કશોપ કરતાં નથી. જોકે, પછી જ્યારે તેમને કહેવામાં આવ્યું કે અમિતાભ પણ વર્કશોપ માટે તૈયાર છે તો તેઓ પણ માની ગયા હતા.

વર્કશોપ શરૂ થઈ તે પહેલાં રીડિંગ સેશન્સ થયું. રીડિંગમાં અમિતાભ પોતાનું પાત્ર વાંચતા હતા, જ્યારે રિશીનું પાત્ર ક્યારેક હું તો ક્યારેક સૌમ્ય વાંચતો. પછી રિશીજી આને એન્જોય કરવા લાગ્યા અને પોતાનું પાત્ર જાતે વાંચવા લાગ્યા. પછી તેમને એટલી મજા આવી કે તેમણે કહ્યું કે આ સારી પ્રોસેસ છે. હવે તે દરેક ફિલ્મમાં આ રીતે વર્કશોપ કરશે.

રાઈટર સૌમ્ય જોષી
રાઈટર સૌમ્ય જોષી

રાઈટર સૌમ્ય જોષી સાથે અલગ જ સંબંધ બંધાઈ ગયો હતો
ઓરિજિનલ ગુજરાતી ડ્રામા તથા ફિલ્મ બંને રાઈટર સૌમ્ય જોષીએ લખી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે જ્યારે પહેલી વાર રિશી કપૂરની સાથે સ્ક્રિપ્ટ રીડિંગ માટે બેઠાં ત્યારે તેમની આંખોમાં અલગ ચમક હતી અને કહ્યું હતું, ‘યાર બહુ જ કમાલનો સબ્જેક્ટ છે અને એમાં કોમેડી કેવી રીતે લઈ આવ્યા.’ થોડાં સીન્સ વાંચ્યા બાદ રિશીએ સૌમ્યને કહ્યું હતું, ‘યાર તમે તો વાંચન પણ સારી રીતે કરી શકો છો.’ બસ તે સમયથી તેમની સાથે એક અલગ સંબંધ બંધાઈ ગયો હતો.

ઉમેશે કહ્યું હતું કે જેમ જેમ કોઈની ઉંમર વધે છે અને ખાસ કરીને કંઈ હાંસિલ કરે છે ત્યારબાદ તે પોતાના વિચાર, પોતાના કામ અંગે સ્ટ્રિક્ટ થઈ જાય છે. જોકે, રિશી આ બધી બાબતોમાં ઘણાં જ ફ્લેક્સિબલ હતા. તેમણે તરત જ નવી રીતને સ્વીકારી લીધી હતી અને તેમાં આગળ વધ્યા હતા. તે પાત્રના ઊંડાણમાં જતા રહ્યા હતા. અમને ઘણાં લોકોએ કહ્યું હતું કે રિશીજી નાઈટ શૂટિંગ કરતા નથી, પરંતુ અમારી સાથે અનેક રાતો શૂટિંગ કર્યું હતું. એરપોર્ટના સીન અમે હોસ્પિટલમાં ક્રિએટ કર્યો હતો. અહીંયા મોડી રાત સુધી શૂટિંગ કરવાની પરવાનગી હતી. આખી રાત શૂટિંગ કર્યું અને એરપોર્ટ સીન હોવાને કારણે થોડી ભીડ હતી. સવારે ચાર વાગે પણ તેઓ એકદમ ફ્રેશ જોવા મળતા અને પૂછતા કે હવે શું બાકી છે.

એકવાર જ્યારે તેમને ખ્યાલ આવે કે સામેની વ્યક્તિને પોતાનું કામ આવડે છે. પછી તે ઈન્વોલ્વ થઈ જતા. તે શૂટિંગમાં એટલી મોજ પડાવી દે કે કોઈને થાક લાગે જ નહીં. નરીમાન પોઈન્ટ પર વરસાદની વચ્ચે તેઓ પોતાના દીકરાને મિસ કરતાં હોય તેવો એક સીન હતો. વરસાદને કારણે રીટેક વધુ થતા હોય છે. ક્યારેક ટેક્નિકલ કારણે પણ આમ થતું હોય છે.

રાઈટર તથા પોતાના વિચારને મેળવવાનો પ્રયાસ કરતા
સૌમ્યે કહ્યું હતું કે રિશીજી દિલદાર હતા. કવાર કોઈ મિત્ર કહી દીધું તો તે સાચી મિત્રતા નિભાવતા હતા. આ બધી વાતો અમે સાંભળી હતી, પરંતુ ફિલ્મ દરમિયાન અમે આ તમામ વાતો અનુભવતા હતા. આ સમયમાં અમને રિશીજીનુ તે પાસું જોવા મળ્યું, જે અંગે અમે બહુ જ ઓછું સાંભળ્યું હતું. રિશીજી ક્યારેય મેથડ એક્ટરની જેમ પાત્રની તૈયાર કરતા નહોતા. જોકે, આ ફિલ્મ દરમિયાન ખ્યાલ આવ્યો કે તે એક રાઈટના મનમાં શું ચાલી રહ્યું છે, તેને પૂરી રીતે સમજવાનું નક્કી કરતા. તે રાઈટરે જે રીતે પાત્ર વિચાર્યું હોય તે જ રીતે પાત્ર વિચારતા.

ચિંટુજી રાઈટરના સંપર્કમાં રહેતા
સૌમ્યે કહ્યું હતું કે આ જ કારણે તે સતત સંપર્કમાં રહેતા. વારંવાર તેઓ ફોન, મેસેજ કરતા. સીન કેમ આવો છે, તે વિશે વાત કરતા. શૂટિંગમાં આનાથી શું થશે અને બીજું શું કરી શકાય તે પણ પૂછતા. આટલું જ નહીં શૂટિંગ સમયે તે કહેતા કે જ્યારે તે શોટ આપવા જાય ત્યારે તેમના કાનમાં આખો સીન બોલી દેવો, જેથી તે પ્રકારના ભાવથી શોટ આપી શકે.

આવી વાતોમાં જ વિચાર આવ્યો હતો કે જે વ્યક્તિ સતત તણાવમાં રહેતો હોય તેના ખભા એકદમ જકડાયેલા હોય છે. જેમ જેમ બાબુલાલનું પાત્ર તણાવમાંથી મુક્ત થતું હોય તેમ તેમ તેમના ખભા હળવા થતા ગયા. એવી ઘણી બારીકાઈ ચર્ચા દરમિયાન સામે આવી હતી.

ડિરેક્ટર ઉમેશ શુક્લાની સાથે અમિતાભ તથા રિશી કપૂર
ડિરેક્ટર ઉમેશ શુક્લાની સાથે અમિતાભ તથા રિશી કપૂર

આજે તે ઘણાં યાદ આવી રહ્યા છેઃ ઉમેશ તથા સૌમ્ય
ઉમેશે કહ્યું હતું કે અમે હજી પણ ઈન્ડસ્ટ્રીમાં નવા નવા છીએ અને રિશીજી જેવા નામી કલાકાર સાથે ફિલ્મ કરી, પરંતુ તે સતત સંપર્કમાં રહેતા હતા અને પૂછતા કે નવું શું કરો છો. મારા માટે કંઈ નવું વિચાર્યું. પહેલી ઈનિંગમાં તો મેં સ્વેટર પહેરીને પર્વતો પર ગીતો જ ગાયા છે, પરંતુ આજના ડિરેક્ટર મને ચેલેન્જિંગ રોલ આપે છે. નવા ડિરેક્ટર તથા રાઈટરની સાથે હજી પડકારજન્ય રોલ કરવા માગતા હતા. તેમની આ બધી વાતો મિસ થઈ રહી છે.

સૌમ્યે પણ એ જ કહ્યું હતું કે ‘102 નોટ આઉટ’ રિલીઝ થયા બાદ પણ તેમના ફોન આવતા અને કહેતા કે મારા માટે કંઈક સારું લખજો. મારે હજી ઘણું કામ કરવું છે. કોઈ દમદાર આઈડિયા લાવો, દરેક નાના-મોટા તહેવાર પર યાદ કરીને ફોન કરતા. નવી યુવા પ્રતિભાઓ અને તેમાંય ખાસ કરીને રાઈટર અંગે ઘણું વિચારતા. કહેતા કે અમે અમારી કરિયરમાં કોઈ જોખમ ઉઠાવ્યું નથી, પરંતુ તમે નવા નવા પાત્રો લાવી રહ્યાં છે તો આનંદ આવે છે. હંમેશાં ખુશ રહેતા અને બધાને ખુશ રાખતા હતા. અફસોસ છે કે તેમની સાથે પહેલા કેમ આવો સંબંધ ના બન્યો. આટલા ઓછા સમયમાં ગાઢ સંબંધ બન્યો અને તે આજે પણ યાદ આવે છે.

અન્ય સમાચારો પણ છે...