મુંબઈના અંધેરીમાં શુક્રવાર, 29 જુલાઈની સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી હતી. ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક તથા થર્મોકોલથી સેટ બનાવવામાં આવ્યો હતો અને આ જ કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. લવ રંજનના સેટની બાજુમાં જ આવેલા અન્ય સેટ પર સની દેઓલનો બીજો દીકરો રાજવીર શૂટિંગ કરતો હતો. સદનસીબે આ સેટ પર કોઈ જાનહાનિ થઈ નહોતી.
લવ રંજનની ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો
અંધેરીના લિંક રોડ સ્થિત ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર લવ રંજનની અપકમિંગ ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો. લવ રંજનની આ ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર કામ કરી રહ્યા છે. અહીંયા રણબીર તથા શ્રદ્ધા કપૂર આઠથી નવ દિવસ સુધી ગીતનું શૂટિંગ કરવાના હતા.
આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો
ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં લાગેલી આગને કારણે આસપાસની બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ જ કારણે આસપાસની બિલ્ડિંગના લોકોને બારી-દરવાજા બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી.
સેટ પર સ્ટાર-કાસ્ટ હાજર નહોતી
ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં જ્યારે આગ લાગી ત્યારે ફિલ્મની સ્ટાર-કાસ્ટ હાજર નહોતી. સેટ પર કોઈ જાનહાનિ થઈ નથી.
બાજુના સેટ સુધી આગ પ્રસરી
લવ રંજનના જે સેટ પર આગી લાગી તેની બાજુમાં રાજશ્રી પ્રોડક્શનના બે સેટ હતા. અહીંયા સની દેઓલનો પુત્ર તથા એક્ટર રાજવીર શૂટિંગ કરતો હતો. આગ એટલી ભીષણ હતી કે આ સેટ સુધી આગ પ્રસરી હતી. જોકે, અહીંયા પણ કોઈને ઈજા થઈ નથી. ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે પડતું મૂકીને કાસ્ટ તથા ક્રૂને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
ગ્રાઉન્ડ ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવતો હોવાનો દાવો
ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે દાવો કર્યો હતો કે ચિત્રકૂટ ગ્રાઉન્ડને ગેરકાયદેસર રીતે લગ્ન તથા ફિલ્મના સેટ માટે ભાડે આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈની ભાટિયા હોસ્પિટલની પાસે આવેલી કમલા બિલ્ડિંગના 20મા માળે આગ લાગી હતી. આ ઘટનામાં 28 લોકો ઘાયલ થયા હતા અને છ લોકોના મોત નીપજ્યા હતા.
ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
લવ રંજનની આ ફિલ્મ આવતા વર્ષે 8 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે. ચાહકો આ બંનેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.