ફિલ્મોમાં ડબલ મીનિંગ ડાયલોગ્સ લાવનારાં દાદા કોંડકે:ફિલ્મો બી ગ્રેડ પણ સિલ્વર જ્યુબિલીનો વર્લ્ડ રેકોર્ડ, સેન્સરબોર્ડે પણ ક્યારેય પ્રતિબંધ મૂક્યો નથી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજની જાણી-અજાણી વાતોમાં એક એવાં માણસની વાત છે, કે જેણે ભારતીય સિનેમાને એક નવી શૈલી આપી હતી. આ શૈલી સેક્સ કોમેડીની હતી અને તે વ્યક્તિ દાદા કોંડકે છે. મરાઠી ફિલ્મોના એ અભિનેતા કે જેમણે પહેલીવાર ફિલ્મોમાં સેક્સ કોમેડી અથવા ડબલ મીનિંગ ડાયલોગ્સ શરૂ કર્યા હતાં. એમની ફિલ્મોનાં ટાઇટલ એટલાં દ્વિઅર્થી હતાં કે સેન્સર બોર્ડનાં અધિકારીઓનો પણ ફિલ્મની રિલીઝ માટે મંજૂરી આપતાં પરસેવો છૂટી જતો હતો, પરંતુ દાદા કોંડકેની દલીલો સામે તે હારી જતાં એ ફિલ્મોની રિલીઝ પર કદી પ્રતિબંધ મૂકી શક્યા નહોતાં.

ફિલ્મો ડબલ મીનિંગ હતી, પણ ઘણી જોવાતી હતી. દાદા કોંડકેએ સૌથી વધુ સળંગ સિલ્વર જ્યુબિલી ફિલ્મો આપવાનો ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની 9 ફિલ્મો 25 અઠવાડિયા સુધી થિયેટરોમાં ચાલી હતી. આમાંની કેટલીક તો 50 અઠવાડિયા સુધી ચાલી હતી. તેમની ફિલ્મી સફર રસપ્રદ હતી પણ તેમનું અંગત જીવન પીડાઓથી ભરપૂર હતું. તેણે જે મહિલા સાથે લગ્ન કર્યા તેની સાથે તેનાં સંબંઘ ક્યારેય પણ મજબૂત ન બન્યા, તેને એક પુત્રી હતી જેને દાદાએ ક્યારેય પોતાનું નામ આપ્યું ન હતું. 8મી ઓગસ્ટે આ દાદા કોંડકેની 90મી જન્મજયંતિ છે.

વાંચો, મરાઠી ફિલ્મનાં દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક દાદા કોંડકેની વણસાંભળેલી જીવનગાથા...

લાલબાગની ગલીમાં દાદાનો આતંક હતો
આઝાદી પહેલાનાં ભારતનો એ જમાનો હતો. વર્ષ 1932ની વાત હતી. વર્ષો પહેલાં પુણે પાસેનાં એક નાનકડાં ગામ ઇંગાવલીનો એક પરિવાર કામની શોધમાં મુંબઈ આવી ગયો હતો. મુંબઈમાં આ પરિવાર લાલબાગની ગલીમાં સ્થાયી થયો હતો, જેમાંથી મોટાભાગના સભ્યો બોમ્બે ડાઈંગની કોટન મિલમાં કામ કરતાં હતાં. આ પરિવારમાં 8 ઓગસ્ટ, 1932નાં રોજ ગોકુલ અષ્ટમીના દિવસે પુત્રનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણનાં નામ પરથી પુત્રનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું, એ જ ‘કૃષ્ણ’ જેને દાદા કોંડકેનું નામ આપીને દેશ દ્વારા ખૂબ માન આપવામાં આવ્યું હતું. કૃષ્ણા બાળપણમાં ખૂબ જ જાડા હતાં, જે ગલીમાં નાની-નાની ગુંડાગર્દી કરીને ફેમસ હતાં. રેડિફને આપેલ ઇન્ટરવ્યુમાં કોંડકેએ પોતે કહ્યું હતું કે, ‘લાલબાગ વિસ્તારમાં મારો આતંક હતો. અમારાં વિસ્તારની છોકરીઓની છેડછાડ કરવાની પણ કોઈની હિંમત થતી નહોતી. બદમાશ લોકો પર મારો ગુસ્સો આગની જેમ વરસતો હતો અને મેં ઇંટો, પથ્થરો, સોડાની બોટલોથી ઘણીવાર માથાકૂટો કરી છે.

અકસ્માતમાં ઘરનાં તમામ સભ્યોનું મોત, એક ભાઈ જ બચ્યો
વાસ્તવિક વર્ષનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ યુવાન દાદા કોંડકેનાં પરિવારનાં લગભગ તમામ સભ્યો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં. પરિવારમાં માત્ર દાદા કોંડકે અને તેમનાં એક મોટા ભાઈ જ બચ્યા હતાં. આ અકસ્માતથી તે ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયા હતાં. તેણે એક વર્ષ સુધી કોઈની સાથે વધુ પડતી વાતચીત ન કરી, કે લગભગ ખાવાનું-પીવાનું પણ બંધ કરી દીધું. દાદા કોંડકેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મને લાગ્યું હતું કે હું પાગલ થઈ જઈશ. ભગવાને મારી સાથે આવું શા માટે કર્યું? મેં વિચાર્યું કે હું દુ:ખ ભૂલીને લોકોને હસાવીશ. આ રીતે હું કોમેડીમાં આવી ગયો.’

કરિયાણાની દુકાનની નોકરીથી લઈને સ્થાનિક બેન્ડ સુધી બધું જ અજમાવ્યું
જ્યારે પરિવારનાં સભ્યોને ગુમાવ્યાનાં દુ:ખમાંથી બહાર આવ્યા, ત્યારે દાદા કોંડકેએ ‘અપના બજાર’ નામની કરિયાણાની દુકાનમાં નોકરી લીધી. જ્યાં તેમને મહિને 60 રુપિયા મળતાં હતાં. મનોરંજન માટે લોકલ બેન્ડનો હિસ્સો બન્યાં, અહીંથી જ તેને સ્ટેજ શોમાં જોડાવાની તક મળી. દાદા એટલાં નરમ સ્વભાવનાં હતાં કે વર્ષોની સફળતા પછી પણ તે બેન્ડનાં લોકોને મળવા જતાં હતાં. મરાઠી સ્ટારને પોતાનાં ઘરમાં જોઈને બેન્ડનાં લોકો વિચારમાં પડી જતાં હતાં કે આવડાં મોટાં સ્ટારને ઘરમાં ક્યાં બેસાડવાં? પરંતુ દાદા તેમને સમજાવતાં કે હું આજે પણ એ જ વ્યક્તિ છું, જે પહેલાં તમારી સાથે હતો.

નાટકો કરતાં સમયે દાદા કોંડાકેને મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોની મુલાકાત લેવાની તક મળી, જ્યાં તે મનોરંજન સાથે જોડાયેલી દર્શકોની માગને સમજી શક્યા. કોંડકે સેવા દળનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો ભાગ હતાં, જ્યાં તેમણે નાટકમાં કામ કર્યું હતું. અહીં તેમનું મરાઠી સ્ટેજ પર્સનાલિટીઓ સાથે ઓળખ વધી અને તેમની મદદથી કોંડકેએ પોતાની થિયેટર કંપની શરૂ કરી.

પોતાના નાટકમાં ઇન્દિરા ગાંધીની ખુલ્લેઆમ મજાક ઉડાવી
આ નાટકને કોંગ્રેસ વિરોધી ગણાવ્યું હતું, જેમાં ઇંદિયા ગાંધીની પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. આ નાટકને પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ વિરોધી પક્ષોએ દાદા કોંડકેને જોરદાર ટેકો આપ્યો હતો. તેનું છેલ્લું નાટક 1975માં હૈદરાબાદમાં થયું હતું, જે પછી તરત જ કટોકટી અમલમાં આવી હતી.

આશા ભોંસલેએ કરાવી ફિલ્મ નિર્માતા સાથે મિત્રતા અને હીરો બની ગયા
તે સમયની લોકપ્રિય ગાયિકા આશા ભોંસલે તેમની ખૂબ જ મોટી ચાહક હતી. તે મુંબઈમાં 'વિચ્છા માઝી પુરી કરા'ના દરેક શો જોવા જતી હતી. દાદા કોંડકેનાં અભિનયથી એ ખુશ થઈ હતી અને તેમની મુલાકાત મરાઠી ફિલ્મસર્જક ભાલજી પેઢાકર સાથે પરિચય કરાવ્યો હતો. ભાલજી પેઢાકરે દાદા કોંડકેને 1969માં ફિલ્મ ‘તંબડી માતી’ થી મરાઠી ફિલ્મોમાં આવવાની તક આપી હતી. તેમની પહેલી જ ફિલ્મને ‘શ્રેષ્ઠ મરાઠી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. 1971માં દાદાએ ફિલ્મ ‘સોંગડ્યા’નું નિર્માણ કર્યું હતું, જેમાં તેમણે પોતે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દાદાની ફિલ્મોથી સેન્સર બોર્ડ પણ નારાજ થયું હતું
દાદા કોંડકેની ફિલ્મોનાં ટાઇટલ અને ડાયલોગ્સ ડબલ મીનિંગ રહેતાં હતાં. કેટલાક લોકો તેને ખુલ્લેઆમ બોલતા હતાં તો એક વર્ગ એવો પણ હતો, કે જેને આ પ્રકારનાં ડાયલોગ બકવાસ લાગતાં હતાં. સેન્સર બોર્ડે પણ અનેક વખત ફિલ્મો સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ દાદા સામે કોઇ અવાજ ઉઠાવી શક્યું નહોતું. તેની પાસે પોતાની દરેક ફિલ્મનાં ટાઇટલ અને ડાયલોગનાં કેટલાક જવાબ હતા, જેના પર સેન્સર બોર્ડે પણ ઝૂકવું પડ્યું હતું.

બોલિવુડમાં ન ચાલ્યા તો મરાઠી ફિલ્મોને હિન્દીમાં બનાવવાનો ટ્રેન્ડ શરુ કર્યો
મરાઠી સિનેમામાં પોપ્યુલર થયા બાદ દાદા કોંડકેએ ‘તેરે મેરે બીચ મેં’, ‘અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં’, ‘આગે કી સોચ’, અને ‘લે ચલ અપને સાથ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ નજર આવ્યા હતાં. જેમાં ‘અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં’ આ ફિલ્મની ખૂબ જ ચર્ચા થઇ હતી અને કારણ હતું ફિલ્મનું ડબલ મીનિંગ ટાઇટલ અને સેક્સ કોમેડી સાથેનાં ડાયલોગ્સ. મોટા પ્રમાણમાં પ્રેક્ષકો સુધી પહોંચાડવા અને રમૂજી બનાવવા માટે તેને ફિલ્મોમાં લેવામાં આવ્યા હતા, પરંતુ તેમને બી અથવા સી ગ્રેડના કલાકારનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા કોંડકેએ મરાઠી ફિલ્મોને હિન્દીમાં બનાવવાનો ટ્રેન્ડ શરૃ કર્યો હતો.

ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, અમિતાભ બચ્ચન જેવા મોટાં કલાકારોએ પણ દાદા કોંડકેના કામની પ્રશંસા કરી છે. રેખા તેમની ફિલ્મ 'ભીંગરી'ના ગીત ‘કુથે જાયચે હનીમૂન’માં લાવણી કરતી જોવા મળી છે. આશા ભોંસલેએ તેમની ઘણી ફિલ્મોમાં અવાજ આપ્યો છે.

જ્યારે દેવ આનંદનું સ્ટારડમ દાદાની સામે ઝાંખું પડી ગયું
વર્ષ 1971માં ફિલ્મ 'સોંગંડ્યા'ની ટક્કર તે સમયનાં સુપરસ્ટાર દેવ આનંદની ફિલ્મ 'તીન દેવીયાં' સાથે ટક્કર થઈ હતી. દાદરનાં કોહિનૂર થિયેટરનાં માલિકે દેવ આનંદની ફિલ્મ થિયેટરમાં લગાવવાનો નિર્ણય કર્યો, પરંતુ દાદાએ 4 અઠવાડિયા પહેલાં જ થિયેટર બુક કરાવી દીધું હતું. થિયેટર માલિકના જિદ્દી મિજાજથી નારાજ દાદા કોંડકેએ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની મદદ માગી હતી.

બાળ ઠાકરેએ પોતે થિયેટરની બહાર એક નાનું સ્ટેજ બનાવ્યું હતું અને ભાષણમાં થિયેટર માલિકોને પૂછ્યું હતું કે, શું ફિલ્મો માત્ર હિન્દીમાં જ થાય છે? મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મો ન દેખાડીને તમે અહીંના લોકો સાથે અન્યાય કરી રહ્યા છો. તમે ફિલ્મને સ્પેસ નહોતી આપી, હવે અમે આ ફિલ્મને આ થિયેટરમાં મૂકીશું. અમે તમારી પાસેથી ફિલ્મ મૂકવાનો અધિકાર છીનવી લઈએ છીએ. જો ફિલ્મ રિલીઝ નહીં થાય તો આ ટોકીઝ ટોકીઝ નહીં રહે અને તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે.

કોંડકે રેલીઓમાં ભીડ એકત્રિત કરવાનું કામ કરતાં હતાં
ફિલ્મો ઉપરાંત દાદા કોંડકેએ શિવસેના સાથે રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. દાદા કોંડકેની ફેન ફોલોઇંગ ખૂબ જ સારી હતી અને ગરીબ વર્ગનાં લોકો પણ તેમને ખૂબ જ માન આપતાં હતાં. દાદા કોંડકેએ શિવસેનાની રેલીઓમાં ભીડ વધારવાનું કામ શરૂ કર્યું. કોંડકે રેલીઓમાં પોતાના ફની ભાષણથી દર્શકોનાં દિલ જીતી લેતાં હતાં.

હું મહારાષ્ટ્રનો CM બનવા માગુ છું: કોંડકે
રાજકારણમાં હતા ત્યારે દાદાની બાલ ઠાકરે સાથે ગાઢ મિત્રતા હતી. શિવસેના 80ના દાયકામાં ફરી સરકાર બનાવવાની તૈયારીમાં હતી ત્યારે દાદાને આશા હતી કે ઠાકરે તેમને ધારાસભ્યની ટિકિટ આપશે, પરંતુ તે નિરાશ થયા હતાં. એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે મહારાષ્ટ્રના CM બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેણે પોતાની દીકરીને નામ આપવાની ના પાડી દીધી
દાદા કોંડકેએ નલિની નામની એક મહિલા સાથે લગ્ન કર્યા હતાં, લગ્નનાં થોડાં જ વર્ષોમાં તેમણે છૂટાછેડા લઈ લીધા હતાં. નલિનીએ દાવો કર્યો હતો, કે તેણી અને દાદા વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બંધાયો નથી અને બંને વર્ષ 1967થી મળ્યા નથી. 1969માં નલિનીએ પુત્રી તેજસ્વિનીને જન્મ આપ્યો હતો, જેને દાદા કોંડકેએ દત્તક લેવાનો ઇનકાર કર્યો હતો.

લાઈમલાઈટમાં રહેતાં દાદા કોંડકેની છેલ્લી ક્ષણ એકલતામાં પસાર થઈ
દાદાને હંમેશાં ટોળાંથી ઘેરાયેલા રહેવું ગમતું. તેને લોકો સાથે વાત કરવાનું એટલું બધું ગમતું હતું કે તે લોકો પર જ ખર્ચ કરતાં હતાં, જેથી તે કોઈની સાથે વાત કરી શકે. દાદા કોંડકેનો છેલ્લો સમય દાદરમાં તેમના વૈભવી પેન્ટહાઉસમાં એકલતા સાથે પસાર થયો હતો.

જ્યોતિષીએ નિષ્ફળતાની આગાહી કરી હતી
દાદા કોંડકેએ પોતે જ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો, કે જન્મ સમયે પોતાની કુંડળી જોનારાં જ્યોતિષીએ કહ્યું હતું, કે તેમને લાંબા સમય સુધી નિષ્ફળતા મળશે, પરંતુ દાદાએ પોતાની પ્રતિભાથી દરેક વળાંક પર સફળતાનો આનંદ માણ્યો હતો.
(રેડિફ)