તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ રિવ્યૂ:થલાઈવીઃ કંગનાની જબરજસ્ત એક્ટિંગે દર્શકોને અંત સુધી જકડી રાખ્યા

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાર-કાસ્ટઃ કંગના રનૌત, અરવિંદ સ્વામી, રાજ અર્જુન, નસ્સર, મધુ, ભાગ્યશ્રી
  • પ્રોડ્યૂસરઃ વિષ્ણુ વર્ધન ઈન્દુરી, શૈલેષ સિંહ
  • ડિરેક્ટરઃ વિજય
  • રેટિંગઃ 3.5/5

'થલાઈવી' તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના રનૌત લીડ રોલમાં છે. ફિલ્મ ફ્લેશબેકમાં ચાલે છે, જેમાં જયલલિતાની એક્ટ્રેસથી લઈ મુખ્યમંત્રી બનવા સુધીની સફર બતાવવામાં આવી છે. ફિલ્મમાં જયલલિતા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે હાથ મિલાવીને રાજકારણમાં પોતાનો પાવર વધારવાથી લઈ રાજીવ ગાંધીની વાત પણ કરવામાં આવી છે.

ફિલ્મની શરૂઆત વિધાનસભામાં બજેટ રજૂ કરવાથી થાય છે. સત્તાપક્ષ બજેટ રજૂ કરે છે ત્યારે જયલલિતા તેમને અટકાવે છે. ગૃહમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થાય છે અને ગૃહના સભ્યો જયાને માર મારે છે. જયા જતાં જતા શપથ લે છે 'આજે તે અને તારા માણસોએ જે રીતે ભરી સભામાં મારું અપમાન કર્યું છે, તેવું જ ચીરહરણ કૌરવોએ દ્રૌપદીનું કર્યુ હતું. લડાઈ પણ દ્રૌપદી જીતી હતી અને આ સત્તાની લડાઈ પણ તે જ જીતશે, કારણ કે મહાભારતનું બીજું નામ જયા છે. આજે હું શપથ લઉં છું કે આ સભામાં હું માત્ર મુખ્યમંત્રી બનીને જ પરત ફરીશ.'

ઇન્ટરવલ સુધી ફિલ્મ ઘણી જ ધીમી ગતિએ આગળ વધે છે. પછી જયાની રાજકીય સફર શરૂ થાય છે અને ફિલ્મમાં પણ ગતિ આવે છે. કંગનાએ દમદાર એક્ટિંગ કરી છે. કંગનાએ ફિલ્મ માટે માત્ર વજન જ નથી વધાર્યું, પરંતુ જયાના વિચારોને પણ પડદાં પર હૂબહૂ રજૂ કર્યાં છે. પ્રેમ, રોમાન્સ, ડાન્સ તથા ભાવુકતાના દરેક પાસાને ઘણી જ સહજતાથી ફિલ્મમાં બતાવ્યા છે. કંગના સરળતાથી લાંબા લાંબા ડાયલોગ બોલે છે.

સપોર્ટિંગ કાસ્ટે પણ એક્ટિંગનો દમ બતાવ્યો
ફિલ્મમાં એમજીઆરની ભૂમિકા અરવિંદ સ્વામીએ ભજવી છે. જયાની માતાના રોલમાં ભાગ્યશ્રી છે. સચિવ આરએનવી બનેલા રાજ અર્જુને જયલલિતાની સાથે એક અલગ પાસું બતાવ્યું છે.

ફિલ્મની દમદાર ને નબળી વાતો
ફિલ્મ જોતા સમયે એક વાત એ ખટકે છે કે ફિલ્મમાં કેટલાંક સંવાદો તમિળમાં બોલાયેલા છે. અંગ્રેજીમાં જયાનું ભાષણ પણ દર્શકોને સમજમાં ના આવે તેવી શક્યતા છે. ફિલ્મમાં સંગીત વધુ પડતું ઉમેરવામાં આવ્યું છે. જયલલિતાની રાજકીય સફર અંગે મોટાભાગના લોકોને ખ્યાલ છે, તેમના જીવનની અન્ય વાતો જાણવા માટે આ ફિલ્મ અચૂકથી જોવી જોઈએ.