ફિલ્મ રિવ્યૂ:જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક

મુંબઈ2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • કલાકારોઃ જ્હોન અબ્રાહમ, દિવ્યા કુમાર ખોસલા
  • રેટિંગઃ 2.5/5
  • ડિરેક્ટરઃ મિલાપ ઝવેરી

રિયલ લાઇફમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. સામાન્ય જનતા ભ્રષ્ટાચારને કારણે હેરાન પરેશાન છે. કરપ્ટ નેતાઓ, નોકરશાહી પ્રત્યે જનતામાં આક્રોશ છે. તક મળે તો તેઓ આ તમામ લોકોને મોત આપવા માગે છે. હિંસાનો રસ્તો સાચો છે કે નહીં, આ ચર્ચાનો વિષય છે. 'સત્યમેવ જયતે' ફ્રેંચાઇઝી જનતાની આ જ ભાવનાને હવા, માહોલ તથા જસ્ટિફિકેશન આપે છે. અહીંયા હીરોને કરપ્ટને બેરહમ મોતથી ઓછી કોઈ સજા મળે તે વાત મંજૂર નથી. આ ન્યાય નૈતિકતાના મુદ્દાને જન્મ આપે છે.

પડદાં પર ગુનેગારોને નર્કમાં મોકલતો હીરો 'માસ ઓડિયન્સ'ની પસંદ છે. આવું ફિલ્મના મેકર મિલાપ ઝવેરી માને છે. આવું રિયલમાં છે કે નહીં તે પણ એક સવાલ છે. ફ્રેંચાઈઝીના પહેલા પાર્ટને મળેલી પ્રતિક્રિયાથી એ વાત સમજી શકાય કે સામાન્ય લોકો ભ્રષ્ટાચારનો શું, કેવો અને કઈ રીતે ખાત્મો બોલાવવા માગે છે. પહેલા ભાગની જેમ જ્હોનનું પાત્ર બીજા ભાગમાં પણ ભ્રષ્ટ અધિકારીઓને મોત આપે છે. આ વખતે જ્હોન ટ્રિપલ રોલમાં છે. હેલ્થ, પોલીસ, ખેડૂત, લોકપાલ બિલ, મહિલા તથા બાળ સુરક્ષાના અનેક અસલ મુદ્દાઓના ન્યાય પર એક ફિક્શનલ ટેક લેવામાં આવ્યો છે.

હીરોને વજનદાર તથા પ્રાસવાળા સંવાદો આપવામાં આવ્યા છે, જેમ કે 'જિસ દેશ કી મૈયા ગંગા હૈ, વહાં ખૂન ભી તિરંગા હૈ', 'પંખે પર ઝૂલ રહા કિસાન હૈ, ગડ્ડે મેં પૂરા જહાન હૈ', ફિર ભી ભારત મહાન હૈ' તથા 'તન મન ધન' સે બડા હૈ 'જન ગન મન.' ખેડૂત દાદા સાહેબ બલરામ આઝાદનો પૂરો પરિવાર ભ્રષ્ટાચાર મુક્ત ભારતની કામના કરે છે. આગળ જઈને તેમના બંને દીકરાઓ સત્યા બલરામ આઝાદ તથા જય બલરામ આઝાદ પણ પિતાના સપનાને પૂરું કરવાનો પ્રયાસ કરે છે. આ કામમાં તેમની પત્ની વિદ્યા આઝાદ પણ પૂરો સાથ આપે છે. બંને ભાઈ સત્યા તથા જય ચણા-મમરાની જેમ સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકી દે છે.

રાઇટર-ડિરેક્ટર મિલાપ ઝવેરીનો ઈરાદો અહીંયા પ્રામાણિક છે. તે અન્યાય ના થતો હોય તેવા સમાજની રચના કરવા માગે છે. આ માટે તે વન મેન આર્મી લઈને આવે છે, આ પ્રેક્ટિકલ ઓછો આઇડિયલ વધુ છે. તેમના હિસાબે કોઈ સત્યા કે જય જેવી વ્યક્તિ દુનિયામાં હોત તો આજે રિયલ લાઇફમાં ક્રાઇમનો રેટ લગભગ ઝીરો હોત. તેમણે પડદાં પર સામાન્ય લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને પોતાની ફિલ્મ ડિઝાઇન કરી છે.

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ટ્રિપલ (ટ્વિન ભાઈ તથા પિતાના રોલમાં) ભૂમિકા ભજવે છે. ગુંડાઓને માર મારતો જ્હોન પડદાં પર પ્રભાવી લાગે છે. હીરોઈનના રોલમાં દિવ્યા ખોસલા કુમારનું ડિસન્ટ કમબેક છે. ગીતમાં તેની સ્ક્રીન પેઝન્સ જોવા મળે છે. આ ફિલ્મ OTT (ઓવર ધ ટોપ) પર આવી નથી, પરંતુ તેનું રાઇટિંગ ઓવર ધ ટોપ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સામાન્ય છે, પરંતુ દર્શકોને એન્ગેજ રાખે છે. દાદા સાહેબ, સત્યા તથા જયની એન્ટ્રી તથા સ્પીચમાં જ્હોનની પર્સનાલિટીનો ભરપૂર ઉપયોગ થયો છે. અનુપ સોની પાસે 'ક્રાઇમ પેટ્રોલ'ના સંવાદો બોલાવવામાં આવ્યા છે. આ ફિલ્મનો આખો ભાર જ્હોનનો મજબૂત ખભા પર જ છે. દમદાર સંવાદો સામાન્ય લોકોને રિઝવી શકે છે કે નહીં તે તો ટૂંક સમયમાં જ ખબર પડી જશે. મેકરે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈના સીન્સને ઘણાં જ રસપ્રદ રીતે બતાવવાનો પ્રયાસ કર્યો છે.

ફિલ્મને ટી સિરીઝે પ્રોડ્યૂસ કરી છે, આથી જ મ્યૂઝિક તથા કોરિયોગ્રાફી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. નોરા ફતેહી તથા દિવ્યા ખોસલાનો ડાન્સ પણ છે. દેશભક્તિમાં મેલોડ્રામા છે. મિલાપની ફિલ્મ ડાયલોગબાજી તથા એક્શનના રથ પર સવાર હોય છે. તે સ્ક્રીનપ્લે વધુ સારો કરે તો ક્લાસ ફિલ્મ પસંદ કરતાં દર્શકોની ફરિયાદ ઓછી થશે. છતાં ટિપિકલ જ્હોનના ચાહકોને આ ફિલ્મ ગમે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.