લતા મંગેશકરનું હેલ્થ-અપડેટ:ભારત રત્ન ગાયિકા હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર, તબિયત સ્થિર

મુંબઈ8 દિવસ પહેલા
  • લતા મંગેશકરને શનિવાર, 8 જાન્યુઆરીએ મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યાં હતાં

ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. 92 વર્ષીય ભારત રત્ન ગાયિક હાલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. તેમની તબિયત અંગે ભાણેજ રચના શાહે વાત કરી હતી. રચના શાહે કહ્યું હતું કે લતા દીદીની હાલત અત્યારે સ્થિર છે અને હજી થોડા દિવસ તેઓ હોસ્પિટલમાં જ રહેશે.

લતા મંગેશકર ઓક્સિજન સપોર્ટ પર
રચના શાહે કહ્યું હતું કે એડવાન્સ્ડ સ્ટેજ તથા ઉંમરને જોતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે અને આગામી થોડા દિવસ હોસ્પિટલમાં જ રહેશે. લતા દીદીની તબિયત સ્થિર છે. ભગવાન ઘણા જ દયાળુ છે. લતા દીદી એક ફાઇટર છે અને આશા છે કે તેઓ ટૂંક સમયમાં કોરોના સામે જીતીને ઘરે પરત ફરશે. તેઓ તમામ ચાહકોએ પ્રાર્થના કરી એ માટે તેમનો આભાર માને છે. તેમની સાથે આટલી દુઆઓ છે તો તેમની સાથે કંઈ જ ખોટું થઈ શકે નહીં. નોંધનીય છે કે લતા મંગેશકર બ્રીચ કેન્ડી હોસ્પિટલના D વોર્ડમાં એડમિટ છે.

બોની કપૂર પણ પોઝિટિવ
સાઉથ ફિલ્મ 'વલીમઈ'ના ફાઇનલ પોસ્ટ પ્રોડક્શન માટે બોની કપૂર ચેન્નઈ ગયા હતા. અહીં તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રિપોર્ટ્સ પ્રમાણે, હાલમાં તેઓ ક્વૉરન્ટીન છે. તેઓ રિકવર થયા બાદ પણ ચેન્નઈમાં જ રોકાશે. આ પહેલાં ખુશી કપૂર તથા જાહન્વીને પણ કોરોના થયો હતો. બંનેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. બોની કપૂર ઉપરાંત કીર્તિ સુરેશ તથા ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરને પણ કોરોના થયો છે. બંનેએ સો.મીડિયામાં આ અંગેની માહિતી શૅર કરી હતી.

કીર્તિ સુરેશે શું કહ્યું?
સાઉથ એક્ટ્રેસ કીર્તિએ કહ્યું હતું, 'મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં હળવા લક્ષણો છે. કોવિડ પ્રોટોકોલનું મહેરબાની કરીને પાલન કરો. હું આઇસોલેશનમાં છું. મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. જો તમે હજી સુધી વેક્સિન નથી લીધી તો મહેરબાની કરીને વેક્સિન લઈ લો. આશા છે કે ઝડપથી સાજી થઈને કામ પર પરત ફરીશ.'

પૂજા ગૌરે શું કહ્યું?
પૂજા ગૌરે થર્મોમીટર સાથેની તસવીર શૅર કરીને પોઝિટિવ હોવાની વાત કહી હતી.

ખુશ્બૂ સુંદર પણ કોરોના પોઝિટિવ
સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ તથા ભાજપનેતા ખુશ્બૂ સુંદરને પણ કોરોના થયો છે. ખુશ્બૂએ સો.મીડિયામાં કહ્યું હતું કે તે હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન છે. છેલ્લી બે લહેર બાદ અંતે કોવિડે મને આ વખતે પકડી જ લીધી. મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 9 જાન્યુઆરી સુધી હું કોવિડ નેગેટિવ હતી. નાકમાંથી પાણી પડતું હતું અને મેં ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો. હું આઇસોલેટમાં છું. મને એકલું રહેવું ગમતું નથી. આગામી પાંચ દિવસ સુધી મને એન્ટરટેઇન કરતાં રહેજો અને જો કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો.

આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં બોલિવૂડ-ટીવીના 45થી વધુ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે. સુઝાન ખાન, વીર દાસ, કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બુલાની, અલાયા, જોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ, નોરા ફતેહી, સ્વરા ભાસ્કર, રણવીર શૌરીનો દીકરો હારુન, ફિલ્મમેકર વસન બાલા, રાહુર રવૈલ, શિલ્પા શિરોડકર, વિશાલ દદલાણી, બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની, કુબ્રા સૈત, માનવી ગાગરૂ, અરિજિત સિંહ, ઈશા ગુપ્તા, મધુર ભંડારકર, નફીસા અલી, પ્રતીક બબ્બરને કોરોના થયો હતો. પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર પ્રિયદર્શન તથા 'બાહુબલી' ફૅમ 'કટપ્પા' સત્યરાજ હાલમાં હોસ્પિટલમાં છે. સોનુ નિગમ પણ કોરોના પોઝિટિવ છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 'બિગ બોસ' ફૅમ અતુલ કપૂર, વરુણ સૂદ, શરદ મલ્હોત્રા, શિખા સિંહ, અર્જુન બિજલાણી, દૃષ્ટિ ધામી, એકતા કપૂર, મૃણાલ ઠાકુર, સુમોના ચક્રવર્તી, અનિતા રાજ, એરિકા ફર્નાન્ડિઝ, ડેલનાઝ ઈરાની, સિમરન બુધરૂપ, અક્ષય ખરોડિયા, એલિસ કૌશિક, મોહિત પરમાર, યામિની સિંહ, હિના ખાનનો પરિવાર, કામ્યા પંજાબી, તન્મય વેકરિયા ('તારક મહેતા...'નો બાઘા), આયેશા સિંહ ('ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં સઈનો રોલ પ્લે કરનાર), સુનીલ લહરી (રામાનંદ સાગરની 'રામાયણ'માં લક્ષ્મણનો રોલ પ્લે કર્યો હતો)ને કોરોના થયો છે. એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટના ચાર મહિનાના દીકરા તથા અદિતિ મલિકના 9 મહિનાના દીકારાને પણ કોરોના થયો હતો.

સાઉથ એક્ટર મહેશ બાબુ, વિશ્વાક સેન, સાઉથ એક્ટ્રેસ તૃષ્ણા કૃષ્ણન, બંગાળી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી તથા મરાઠી એક્ટ્રેસ મિથિલા પાલકર પણ કોરોના પોઝિટિવ થયાં હતાં.