'લાઇગર' પ્રમોશન:વિજય દેવરાકોંડાને જોઈ ભીડ બેકાબૂ, યુવતી બેભાન થતાં ઇવેન્ટ કેન્સલ કરવી પડી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 31 જુલાઈના રોજ મુંબઈમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા એક મોલમાં ગયા હતા. અહીંયા હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ભીડને કારણે એક યુવતી બેભાન થઈને પડી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં ચાહકો આવતા વિજય દેવરાકોંડા તથા અનન્યા ઇવેન્ટ અધવચ્ચે મૂકીને જતા રહ્યા હતા.

નવી મુંબઈના મોલમાં સ્ટાર-કાસ્ટ આવી હતી
નવી મુંબઈમાં આવેલા એક મોલમાં 'લાઇગર'ની સ્ટાર-કાસ્ટ આવી હતી. વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે ચાહકોને મળવા આવ્યા હતા. ચાહકોને જાણ થઈ કે વિજય દેવરાકોંડા આવવાનો છે તો મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા.

ભીડને કારણે ઇવેન્ટ પડતી મૂકાઈ
મોલમાં અપેક્ષા કરતાં વધુ ચાહકો આવી ગયા હતા. ભીડ વધુ હોવાથી એક યુવતી બેભાન થઈ ગઈ હતી. કેટલાંક લોકોએ તેને પાણી આપ્યું હતું અને ભીડમાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન ચાહકો વધતા જ જતા હતા. ઇવેન્ટની એન્કરે પણ વિનંતી કરી હતી કે ચાહકો સ્ટેજથી થોડાં પાછળ રહે, પરંતુ આ વિનંતી પણ કામ આવી નહોતી. વિજય દેવરાકોંડાએ જાતે ચાહકોને અપીલ કરી હતી. જોકે, ભીડને જોતાં સલામતી માટે સ્ટાર-કાસ્ટ ઇવેન્ટ અડધી મૂકીને જતી રહી હતી.

વિજયે શું કહ્યું?
વિજયે હિંદી તથા મરાઠીમાં ચાહકોને અપીલ કરી હતી. તેણે કહ્યું હતું, 'ડાર્લિંગ્સ, હું તમને ઘણો જ પ્રેમ કરું છું. હું અહીંયા તમારી સાથે વાત કરવા આવ્યો હતો, પરંતુ હવે લાગતું નથી કે આ શક્ય બનશે. મહેરબાની કરીને થોડાં શાંત થાઓ. દરેક લોકો થોડાં પાછળ હટે.' વિજયે ઇવેન્ટ બાદ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. વિજયે કહ્યું હતું, 'તમારા પ્રેમથી ગદગદિત થઈ ગયો. આશા છે કે તમે બધા સલામત રીતે ઘરે પહોંચ્યા હશો. હું ત્યાં વધુ સમય રહેવા માગતો હતો. સૂતી વખતે તમારી વિશે જ વિચારતો હતો.'

પાંચ ભાષામાં ફિલ્મ રિલીઝ થશે
'લાઇગર'ને પૂરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. ફિલ્મ કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે. ફિલ્મમાં વિજય દેવરાકોંડા બોક્સરના રોલમાં છે. ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, મલયાલમ તથા કન્નડમાં થિયેટરમાં રિલીઝ થશે.