સાઉથ સુપરસ્ટાર રામચરણ તેજા અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ગયો હતો. અહીંયા હજારો ચાહકોએ રામચરણનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર હજારો ચાહકો ભેગા થઈ ગયા હતા. ચાહકોએ રામચરણ માટે રેલી કાઢી હતી. રસ્તા પર ફટકડા ફોડ્યાં હતાં. આટલું જ નહીં ચાહકો રામચરણની પાછળ પાછળ હોટલ પણ ગયા હતા. અહીંયા સ્ટારની એક ઝલક માટે ચાહકો હોટલની દીવાલ પર ચઢી ગયા હતા.
ફિલ્મના શૂટિંગ માટે આવ્યો
રામચરણ લોકપ્રિય ડિરેક્ટર શંકરની આગામી ફિલ્મના શૂટિંગ માટે વિશાખાપટ્ટનમ આવ્યો છે. આ ફિલ્મમાં કિઆરા અડવાણી લીડ રોલમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રામચરણ ફિલ્મમાં IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસરના રોલમાં છે.
રામચરણના નામની બૂમો પાડી
વાઇરલ વીડિયોમાં રામચરણ જ્યારે એરપોર્ટની બહાર આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હોય છે. ચાહકો રામચરણના નામની બૂમો પાડે છે. કેટલાંક ચાહકો ફૂલોનો વરસાદ કરતાં જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં રામચરણની એક ઝલક માટે ચાહકો હોટલની બહાર ઊભા હોય છે. કેટલાંક ચાહકો હોટલની દીવાલ પર ચઢી ગયા હતા.
રામચરણ તથા શંકર પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે. એપ્રિલ મહિનામાં રામચરણે આ ફિલ્મનું શૂટિંગ અમૃતસરમાં કર્યું હતું. આ સમયે રામચરણે બોર્ડરના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત પત્ની ઉપાસના સાથે મળીને સુવર્ણ મંદિરમાં લંગરનું આયોજન કર્યું હતું.
હાલમાં જ રામચરણની ફિલ્મ 'આચાર્ય' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણે પિતા ચિરંજીવી સાથે કામ કર્યું છે. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સફળ રહી નથી. આ પહેલાં રામચરણ તથા જુનિયર NTRની 'RRR'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 1100 કરોડથી વધુ કમાણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.