વાઇરલ વીડિયો:ચાહકે હૃતિક રોશન સાથે જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, એક્ટર ગુસ્સાથી તમતમી ગયો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનનો બહોળો ચાહકવર્ગ છે. ચાહકો પોતાના ફેવરિટ સ્ટારને મળવા અને ફોટો ક્લિક કરાવવા માટે આતુર હોય છે. જોકે, ઘણીવાર ચાહકો સ્ટાર્સ માટે મુશ્કેલી ઊભી કરી દેતા હોય છે. હાલમાં જ હૃતિક સાથે આવું જ કંઈક બન્યું હતું. એક ચાહકે એક્ટર સાથે જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી હૃતિક ગુસ્સે થઈ ગયો હતો.

જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો
હાલમાં જ સો.મીડિયામાં એક્ટરનો એક વીડિયો વાઇરલ થયો છે. હૃતિક રોશન પોતાના બંને દીકરાઓ સાથે 'બ્રહ્માસ્ત્ર' જોવા ગયો હતો. મૂવી થિયેટરમાંથી બહાર નીકળતા સમયે એક્ટર જ્યારે કાર આગળ ઊભો હતો ત્યારે એક ચાહકે જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. એક્ટરના બંને દીકરાઓ કારની અંદર હતા. ચાહકની આ હરકતથી હૃતિક ગુસ્સે થઈ ગયો હતો.

ચાહક પર ગુસ્સો વ્યક્ત કર્યો
ચાહક એકદમ હૃતિક રોશનની નજીક આવતા બૉડીગાર્ડે તેને દૂર હડસેલી દીધો હતો. હૃતિકે કારમાં બેસતા પહેલાં ચાહકને અકળાઈને કહ્યું હતું, 'શું કરી રહ્યો છે તું?'

30 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
હૃતિકની 'વિક્રમ વેધા' 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં હૃતિક ઉપરાંત સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, રોહિત શરફ, શારિહ હાશ્મી, યોગિતા બહની પણ છે. આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મની ઓફિશિયલ હિંદી રીમેક છે. તમિળ ફિલ્મમાં આર માધવન તથા વિજય સેતુપતિ લીડ રોલમાં હતાં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. હૃતિક છેલ્લે ફિલ્મ 'વૉર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઓક્ટોબર, 2019માં રિલીઝ થઈ હતી. હૃતિક તથા દીપિકા પહેલી જ વાર ફિલ્મ 'ફાઇટર'માં કામ કરી રહ્યા છે.

શાહરુખ સાથે પણ આવી ઘટના બની હતી
થોડાં સમય પહેલાં શાહરુખ ખાન સાથે પણ આવી જ ઘટના બની હતી. તે મુંબઈ એરપોર્ટમાંથી બહાર આવતો હતો અને ચાહકે જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. શાહરુખ ખાન અકળાઈ ગયો હતો. શાહરુખની સાથે અબરામ તથા આર્યન ખાન પણ હતા. આર્યન ખાને ડેડીને કાર સુધી સુરક્ષા પૂરી પાડી હતી.