• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Exclusive Interview Of Grammy Award Winner Gujarati Falguni Shah Says She Was Depressed After Her Father's Death, Wrote Songs To Get Out Of It

ગ્રેમી અવૉર્ડ વિનર સાથે ભાસ્કરની વાતચીત:ગુજરાતી ફાલ્ગુની શાહે કહ્યું, પિતાના અવસાન બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી, એમાંથી બહાર આવવા ગીતો લખ્યાં

ન્યૂ યોર્ક4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

હાલમાં ન્યૂ યોર્કમાં રહેતી અને દાહોદની પુત્રવધૂ ફાલ્ગુની શાહને 'અ કલરફુલ વર્લ્ડ' માટે બેસ્ટ ચિલ્ડ્રન્સ આલબમ કેટેગરીમાં ગ્રેમી અવૉર્ડ મળ્યો છે. ફાલ્ગુનીએ આ આલબમ ત્યારે બનાવ્યો હતો, જ્યારે તે ડિપ્રેશનમાં હતી. ગયા વર્ષે ફાલ્ગુનીના પિતાનું અવસાન થયું હતું અને તેને કારણે ડિપ્રેશનમાં જતી રહી હતી, આમાંથી બહાર આવવા માટે તેણે પોતાના પિતા સાથે પસાર કરેલી ક્ષણોને શબ્દો આપ્યા. તેણે વિચાર્યું પણ નહોતું કે આ કામ માટે તેને ગ્રેમી અવૉર્ડ મળશે. અવૉર્ડ જીત્યા બાદ ફાલ્ગુનીએ અમેરિકાથી દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી.

ડિપ્રેશનમાં જતી રહી હતી
'અ કલરફુલ વર્લ્ડ' મારા પપ્પાને ડેડીકેટ કરું છું. તેમના જ આશીર્વાદને કારણે મને આટલા મોટા અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ આલ્બમ મારા હૃદયની ઘણો જ નિકટ છે, કારણ કે આ આલબમમાં મેં મારા પિતા સાથે પસાર કરેલા સમયને વ્યક્ત કર્યો છે. મેં ગયા વર્ષે મારા પિતાને ગુમાવ્યા હતા. હું પિતાની ઘણી જ નિકટ હતી. હું ડિપ્રેશનમાં સરી પડી હતી. તે સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો, આમાંથી બહાર આવવા મેં ગીત લખવાના શરૂ કર્યા હતા. પિતા સાથે પસાર કરેલા જીવનના શરૂઆતા પાંચ વર્ષોને ગીતનું સ્વરૂપ આપ્યું હતું. નાનપણની યાદોને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. હજી પણ વિશ્વાસ થતો નથી કે હું ગ્રેમી જીતી છું.

ગ્રેમી અવૉર્ડ સાથે ફાલ્ગુની શાહ.
ગ્રેમી અવૉર્ડ સાથે ફાલ્ગુની શાહ.

આર્ટિસ્ટ માટે ગ્રેમી અવૉર્ડ ઘણો જ મહત્ત્વનો
એક આર્ટિસ્ટ માટે ગ્રેમી અવૉર્ડ ઘણો ઘણો મહત્ત્વનો છે. જ્યારે પણ કોઈ આર્ટિસ્ટને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે તો તેના માટે સંગીતની દુનિયાના દરેક દરવાજા ખુલી જાય છે. આર્ટિસ્ટની દુનિયા બદલાઈ જાય છે. વિશ્વભરમાં થતાં ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાની તક મળે છે. આખી દુનિયામાં ઓળખ મળે છે. સાચું કહું તો ખબર નહીં કેટલાં વર્ષોનું સપનું હવે પૂરું થયું છે.

દેશમાંથી જે શીખી તે ગ્લોબલી પ્રેઝન્ટ કર્યું
જ્યારે મારા દેશને ગ્લોબલી રિપ્રેઝેન્ટ કરું છું, ત્યારે ઘણું જ સારું લાગે છે. પોતાની જાતને ભારતીય કહેવામાં ઘણો જ ગર્વ થાય છે. મારા દેશનું નામ રોશન કરવામાં જો હું થોડું પણ યોગદાન આપી શકું તો તે મારા માટે આનંદની વાત છે. આ અવૉર્ડ મારા તમામ દેશવાસી માટે છે. હું મુંબઈમાં રોજ 16 કલાક ક્લાસિકલ મ્યૂઝિકનો રિયાઝ કરતી હતી. તે સમયે આપણી પાસે કોઈ સો.મીડિયા નહોતું. ત્યારે હું માત્રને માત્ર રિયાઝ પર ફોકસ કરતી હતી. અહીં સુધી પહોંચવામાં ઘણી જ મહેનત કરી છે. આ દેશમાં રહીને જે પણ શીખી તેને કારણે હું ગ્લોબલી પ્રેઝેન્ટ કરી શકું છું. મારા ગુરુ તથા પિતાના આશીર્વાદે મને અહીં સુધી પહોંચાડી છે.

ગ્રેમી અવૉર્ડમાં ફાલ્ગુની શાહે પર્ફોર્મ પણ કર્યું હતું.
ગ્રેમી અવૉર્ડમાં ફાલ્ગુની શાહે પર્ફોર્મ પણ કર્યું હતું.

ગ્રેમી જીત્યા બાદ લોકોની અપેક્ષા વધી ગઈ
હાલમાં મારા બે આલબમ રિલીઝ થવાની તૈયારીમાં છે, 'અમેરિકન પેચ વર્ક્સ ફોર ટેડસ' તથા 'EDM' (ઇલેક્ટ્રિકલ ડાન્સ મ્યૂઝિક). આ બંને આલબમમાં ઇન્ડિયન તથા અમેરિકન સંગીત મિક્સ કર્યું છે. 'અમેરિકન...'માં અમેરિકાના જૂના લોકગીતોને ઇન્ડિયન ક્લાસિકલ ટચ આપ્યો છે તો 'EDM'માં ભારતની અલગ અલગ સંસ્કૃતિ જેમ કે ગુજરાતી, રાજસ્થાન, મહારાષ્ટ્રીયન સાથે જોડાયેલા લોકગીતોને અમેરિકન સંગીતનો ટચ આપ્યો છે. ગ્રેમી જીત્યા બાદ લોકોની અપેક્ષા વધી ગઈ છે. ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે હું લોકોની અપેક્ષા પર ખરી ઉતરું.

દાહોદની પુત્રવધૂ
નોંધનીય છે કે દાહોદના વૈષ્ણવ પરિવારના પણ વર્ષોથી ન્યૂયોર્ક ખાતે સ્થાયી થયેલા દાહોદના દિલીપભાઈ રસિકલાલ શાહ અને તેમનાં પત્ની લીનાબેન (દેસાઈ પેટ્રોલવાળા)ના 41 વર્ષીય પુત્રવધૂ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતી ગાયિકા છે. ફાલ્ગુનીએ કેન્સર નિષ્ણાત અને ગાયક એવા પતિ ડો. ગૌરવ ડી. શાહ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે ન્યૂ યોર્ક સેટલ થઈ છે. ફાલ્ગુની શાહે અમેરિકા ખાતે સઘન ટ્રેનિંગ લીધી હતી. ફાલ્ગુની શાહ ફાલુ શાહ નામે લોકપ્રિય છે.

પતિ ગૌરવ સાથે ફાલ્ગુની.
પતિ ગૌરવ સાથે ફાલ્ગુની.

2013માં પણ ગ્રેમી અવૉર્ડમાં નામ શોર્ટલિસ્ટ થયું હતું
ઉલ્લેખનીય છે કે ફાલુ શાહે આ અગાઉ મુંબઈના રેડલાઈટ વિસ્તાર પર આધારિત ‘ફોરસ રોડ’ આલબમ કર્યું હતું. આ આલબમ 2013માં ગ્રેમી અવૉર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ એ મુખ્ય નોમિનેશનમાં આવી શક્યું નહોતું. આલબમ 'ફાલુ'ઝ બજાર' ફાલ્ગુનીના નાનકડા પુત્ર નિઝાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું હતું. આ આલબમ હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં બહાર પાડવામાં આવ્યું હતું. આલબમમાં ભાષા, ખાણીપીણીથી લઈને બાળકો દ્વારા પુછાતા જે-તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ સાથે મેઘધનુષના સાત રંગોથી લઇ ભોજનમાં વપરાતાં મરચાં, હળદર જેવા મસાલા વિશે મળીને કુલ 12 ગીત ધરાવતા આ આલબમમાં બાળસહજ અનેક જિજ્ઞાસાઓ સંતોષાઈ હતી.